રસદર્શનઃ ૩૯ઃ કવયિત્રી લતા હિરાણી

ઢળતું જાતું અજવાળું ને આવી ઊભી રાત
દીવો ઝીણો ઝળઝળ થાતો, ઝાંખી થાતી ભાત
હવે તો આવી ઊભી રાત….

આંખ આંજતું અંધારું, આ આવી ઊતર્યું હેઠે
પળપળની પોઠો બિચ્ચારી ભલે જુદારો વેઠે
જળમાં ભળતી જાત, હવે તો આવી ઊભી રાત….

ઉકલે ના અક્ષર આથમતા, ઝલમલ દેશો ડૂબે
તૂટે આવનજાવન સઘળી, પિંડ-પદારથ ખૂટે
વિખરાતી રે વાત, હવે તો આવી ઊભી રાત…..


~ લતા હિરાણી

આજની સવારે એક મઝાનું ગીત વાંચવામાં આવ્યું અને જાણે સવાર સુધરી ગઈ. પહેલી નજરે લાગે કે, અજવાળા, અંધારા, સાંજ, રાત અને દીવાની વાત છે. હા, છે પણ માત્ર એ જ વાત નથી, અને એ જ તો આ કાવ્યની ખૂબી છે. જે કંઈ નથી કીધું તે બધું ખુલી ગયું છે. કારણ કે, એ માત્ર રચનાકારની સ્વાનુભૂતિ નથી. પણ સર્વાનુભૂતિ હોઈ સૌ કોઈને સ્પર્શે છે.

સાવ નાની, માત્ર બે જ ટૂંકા અંતરામાં રચાયેલી આ કવિતાનો આસ્વાદ કરવાનું મન થાય જ, થાય.

ઢળતું જાતું અજવાળું ને આવી ઊભી રાત..
દીવો ઝીણો ઝળઝળ થાતો, ઝાંખી થાતી ભાત

સાંજની સાથે જ અજવાળું પણ ઢળે અને અજવાળું ઢળે એટલે કે રાત પડવા માંડે એ એક કુદરતનો નિયમ છે. એ હકીકતને માનવ-જીવન સાથે જોડીને કવયિત્રી તરત જ બીજી પંક્તિમાં કહે છે કે, ઝીણો દીવો ઝળઝળ થાય ને તેવે વખતે આખીયે ચોક્ખી દેખાતી ભાત ઝાંખી થતી લાગે. આ દીવો એટલે કે, કાયાના કોડિયામાં ભીતર રહેલો આતમનો દીવો. એ દીવો ખરેખર તો ઝળહળતો હોય. તો પછી ઝાંખુ કેવી રીતે દેખાય એ સવાલની સાથે જ નજર પડે છે ‘ઝળઝળ’ શબ્દ પર. સામાન્ય રીતે દીવાની સાથે ઝળહળ શબ્દ જાય. પણ અહીં  ‘ઝળઝળ’શબ્દ પ્રયોજાયો છે. આંખમાં આવતાં ઝળઝળિયાંનો અર્થ અભિપ્રેત છે. ઝળઝળિયાને કારણે ઝાંખું દેખાય. ને ત્યારે ક્ષણભંગુર શરીરના અંગોનો અર્થ ખુલે છે. જીવનના સાંજના પડાવે ગાત્રો ઢીલા અને ધીમા પડે છે. ખૂબ ચાલ્યાંનો થાક વર્ખેતાય છે. આંખે ઝાંખપ વળે છે. અંધારા ઘેરી વળે છે.



એ જ ભાવને પ્રથમ અંતરામાં કવિ રૂપકો અને સજીવારોપણ થકી વ્યક્ત કરે છે. જાણે કે કોઈ આવી આંખમાં કાજળ નહિ,અંધારું આંજી જાય છે. પળેપળ સાવ અલગ  અલગ દેખાય છે. કંઈક ને કંઈક નવી નવી વ્યાધિઓ આવતી રહે છે. ક્ષણની માફક જ એક જાય ને બીજી આવીને ઊભી જ રહે છે. દિવસને અંતે ઉતરતાં જતાં અંધારાંની માફક જ રાખનાં આ રમકડાં અંતે જળમાં સરી જતાં સમજાય છે અને અનુભવાય છે. ‘જળમાંથી નીકળી આંગળી ને જગા પૂરાઈ ગઈ.’ઓજસ પાલનપુરીના એ મશહૂર શેરનો સૂર સંભળાય વગર રહેતો નથી. આ અંતરામાં એકમાત્ર જાત શબ્દ અહીં રાતનો ભેદ ખોલી આપે છે.
ને ત્યારે ઘડીભર એ કહેવાનું મન થાય કે,
” સલૂણી આજ આવીને, ઊભી આ સાંજ ઝળહળતી;
જરા થોભો અરે સૂરજ, ન લાવો રાત ધસમસતી.”

બીજા અંતરામાં ક્રમિક રીતે રાતની જ વાત આગળ વધે છે. હજી ક્યાંય કવિએ ચોક્ખી રીતે જીંદગીને, શરીરને કે મૃત્યુને વર્ણવ્યું નથી. એ તો રાતની જ વાત કરે છે. બાકીનું તો ભાવકના મનોજગતને માટે છોડી દે છે. એ કહે છે કે, જેમ જેમ અંધારું થતું જાય છે તેમ તેમ આંખે અક્ષરો ઉકેલાતાં નથી, બધું અંધકારમાં ડૂબતું જણાય છે, જીવનની તમામ દૈનિક ક્રિયાઓ, અવરજવર બધું શમવા લાગે છે,વાતો વિખરાઈ જાય છે અને અંતે પિંડ પણ પોઢી જાય છે.

ઉકલે ના અક્ષર આથમતા, ઝલમલ દેશો ડૂબે
તૂટે આવનજાવન સઘળી, પિંડ-પદારથ ખૂટે
વિખરાતી રે વાત, હવે તો આવી ઊભી રાત…..

આ અંતરામાં પણ એક જ એવો શબ્દ મળે છે જે આપણને છૂપાયેલા ગૂઢાર્થ તરફ દોરી જાય છે. ‘પિંડ પદારથ’. કેટલો સરસ શબ્દ છે? ‘પદારથ’. ‘ભૂતળ ભક્તિ પદારથ મોટું’ કવયિત્રીના મનમાં નરસિંહ મહેતાની ઘેરી અસર છે. તેમણે અગાઉ પણ  નરસિંહ મહેતા માટે એક સુંદર સ્તુતિગાન આપ્યું છે કે “આદિ તું, મધ્ય તું, અંત તું શ્રીકવિ, પૂર્ણને પામિયો શ્વાસ તારો”.

હા, તો આ પદારથ ખૂટે ત્યારે શું શું થાય છે? રાત પડવા માંડે ને દુનિયાનું રોજીંદું જીવન જંપી જાય; બરાબર તે જ રીતે જીંદગીની રાત નજીક આવે ત્યારે આંખે દેખાવાનું બંધ થાય, નાડીઓ તૂટવા માંડે, શ્વાસ રુંધાવા લાગે, પાંચે ઈન્દ્રિયો લથડવા માંડે અને આખાયે આયખાની વાતો વિસરાતી અને વિખરાતી ભાસે. આ  એક સનાતન સત્ય છે. એને સ્વીકાર્યા સિવાય બીજો કોઈ પર્યાય ક્યાં છે? સદીઓથી સંતોએ, કવિઓએ અને કલાકારોએ અલગ અલગ અંદાઝમાં આ વાત સમજાવી છે.

અહીં  પ્રયોજાયેલ ‘હવે’ શબ્દ પણ કેટલો સૂચક છે? અર્થોનાં ઘણાં બધાં દ્વાર ઉઘાડી દે છે. હંસલા હાલોને હવે…મોતીડાં નહિ રે મળે.. હવે.. હવે એટલે કે, ઢળતી સાંજની જેમ જ જિંદગીનો આ અંતિમ પડાવ છે. સવારથી માંડીને સાંજ સુધી ઘણું બધું કરી લીધું છે. પામવાનું હતું તે પામી લીધું છે, આપવાનું હતું તે આપી દીધું છે. અરે, રડવું, હસવું, દોડવું, ચડવું, પડવું, વેઠવું, વધાવવું, સ્વીકારવું, સત્કારવું…તમામ કામો અને ક્રિયાઓ કરી લીધી છે. હવે બાકી કશું રહ્યું નથી. રહ્યું છે તે માત્ર હવે..હવે આવી ઊભેલી રાતને, એના અંધકારને જોવાનો, એને પણ સ્વીકારીને સત્કારવાનો અને ભેટવાનો.

આવી સુંદર કવિતા ત્યારે જ લખાય જ્યારે નિકટથી અને ભીતરથી જાતને ઝંઝોડી હોય, સમજણનો દીવો સતત પ્રગટાવેલ રાખી જાણ્યો હોય અને મનને સ્વસ્થ રહેવા કેળવ્યું હોય. આ કવિતાની વધુ વિશેષતા એ છે કે, એમાં ઓછામાં ઓછા અને ઉચિત શબ્દો પ્રયોજાયા છે.’જળમાં ભળતી જાત’ વાંચતા તો નજર સામે નદીમાં પધરાતા અસ્થિ-વિસર્જનનું ચિત્ર ખડું થાય છે. અંત્યાનુપ્રાસ-રાત, ભાત, વાત, હેઠે, વેઠે, ભેટે વગેરે- કેવા સહજપણે ગૂંથાઈ ગયા છે! શાંત વહેતા સરોવરનાં જળ જેવો હળવો લય પણ ચિત્તમાં  સતત ગૂંજ્યા કરે તેવો છે અને આદિથી અંત સુધી કવિતાનું મુખ્ય હાર્દ  પણ સુપેરે જળવાઈ રહ્યું છે.

કવયિત્રી લતાબહેન હિરાણીની કલમને સલામ.

અસ્તુ.

દેવિકા ધ્રુવ

કોણ કોને ધીમાં પાડે છે?

કોણ કોને ધીમાં પાડે છે?

આગળ ને આગળ,

બહુ આગળ જવું છે મારે.

પણ….

મારી આગળની ગાડી

મને ધીમી પાડે છે.

અને હું…

મારી પાછળની

ગાડીને ધીમી પાડું છું.

સૌ ફસાયાં છે,

ભીડમાં અકળાયાં છે..

છતાં અહો, આશ્ચર્ય!

પોતપોતાનાં મુકામે તો બધાં પહોંચે જ છે!

મોટે ભાગે નિશ્ચિત્ત સમયે

અને દરેક વખતે!

તો પછી આ વલવલાટ?

શેનો? અને શાને?

બસ, એમ જ ચાલવા દઈએ.

થતું હોય તે થવા દઈએ,

અપેક્ષા ત્યજીને.

પ્રવાસને માણી લઈએ.

મુકામ આવે ત્યાં સુધી…

એક સંવાદઃ

કાલે એની સાથે થોડો સંવાદ થયો.

એણે પૂછ્યુંઃ “કેમ છે?”


મેં જવાબ આપ્યોઃ “મઝામાં. જો ને, ૧માંથી ૧૧ થયાં.


બધાં જ કુશળ અને બધું જ મંગળ મંગળ. તારે કેમ છે?”


સંવાદ આગળ ચાલ્યો.


એણે કહ્યુંઃ “લગભગ એમ જ.


બધા સારું કરે અને ખુશ રહે એટલે ગમે.


ને ત્યારે યાદ કરે તો વધુ ગમે. પણ..”


“પણ? પણ શું?” આશ્ચર્યથી મેં પૂછ્યું.


“પણ મોટે ભાગે કંઈ બગડે તો જ


 અને ત્યારે જ સૌ પાસે આવે”.


“એ તો એમ જ હોય ને? શું કરીએ?”


“હા, એનો વાંધો નહિ પણ જે બગડ્યું કે ખોટું થયું,


તે મેં જ કર્યું એમ કહે તો કેમ ચાલે?” કહી એણે મંદ સ્મિત કર્યું.


સંવાદ ત્યાં પૂરો થયો.


પણ એ ધીમું, મ્લાન સ્મિત ન સમજાયું.


એમાં વક્રતા હતી, વેદના હતી કે વિષાદ?


કંઈ ન અનુભવાયું પણ મનમાં એક ઝબકારો થયો!


 એકદમ મને થયુંઃ –


એ-A પણ શું I માં પરિવર્તિત? AI !! AI?


AI !! AI?


-૧/૨૩/૨૦૨૬

રસદર્શનઃ૩૮ઃ કવિ શ્રી હર્ષદ ત્રિવેદી

સાહિત્યના વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધહસ્ત કલમકાર અને  ગુજરાતી સાહિત્ય પરિષદના વર્તમાન પ્રમુખ તરીકે કાર્યરત શ્રી હર્ષદભાઈ ત્રિવેદી એક અચ્છા કવિ પણ છે. છેલ્લાં ૪૦ થી પણ વધુ વર્ષોથી તેમની કલમ અવિરત ચાલતી રહી છે.

થોડા વખત પહેલાં, ફરી એકવાર તેમની એક સુંદર કવિતા ‘ફૂલ પાંદડી ચાખી ત્યાં તો’  વાંચવામાં આવી જેનો આસ્વાદ લખવા માટે મન તૈયાર થઈ ગયું.

ફૂલ પાંદડી ચાખી ત્યાં તો ઊઘડી દુનિયા આખી,
પલકવારમાં અતલ અને અવકાશની થૈ ગૈ ઝાંખી.

ઘેન ગુલાબી અંધારું
ને સહજ મદિલી ગંધ,
રોમ રોમ લગ પ્હોંચ્યાં કંપન
સરી પડ્યા સૌ બંધ;

જાત રહી ઑગળતી એણે મણા કશી ના રાખી,
ફૂલ પાંદડી ચાખી ત્યાં તો ઊઘડી દુનિયા આખી.

ક્યાંક ઊતરતું ધુમ્મસ
ચડતું ક્યાંક અમસ્થું વાદળ,
સરી રહ્યું છે પર્ણ ઉપરથી
બુંદ બુંદમાં ઝાકળ;
અઢળક મોતી ઢળ્યાં જણાતી ધરાય ઝાંખીપાંખી!
પલકવારમાં અતલ અને અવકાશની થૈ ગૈ ઝાંખી.

~ હર્ષદ ત્રિવેદી

ઉઘડતી સવાર જેવી ધ્રુવપંક્તિથી જ કુદરતના સૌંદર્યનું સોહામણું ચિત્ર ઉપસ્યું  છે. ફૂલ-પાંદડી ચાખવાની કોમળ મુલાયમ સંવેદનાઓ, એવો જ હળવો લય લઈને નીસરે છે. પ્રકૃતિનો વિષય પણ એવો છે કે, એકવાર આંખને અડે અને દૄષ્ટિમાં વસે એટલે કવિ હૃદય અતલ ઊંડાણથી અનંત અવકાશ સુધી પહોંચી જાય.

કાવ્યની શરૂઆત એક ઉઘડતી જતી વહેલી સવારથી આરંભાય છે. ફૂલ-પાંદડી તરફ નજર જાય ને  સૌથી પ્રથમ તો પંચેન્દ્રિયોમાંની પહેલી આંખ ધન્ય ધન્ય બની જાય. એને અડકો કે તરત સ્પર્શની રોમાંચક અનુભૂતિ થાય અને એ પછી ચાખો ત્યાં તો… ઓહોહો… આ સમગ્ર સૃષ્ટિ વિસ્મયભરી લાગે. અહીં જીભથી ચાખવાની વાત નથી, પરંતુ ફૂલની પાંદડીને ખીલવાની આખી  જે પ્રક્રિયા છે તેને પામવાનો ઈશારો છે. કુદરતના કોઈપણ તત્ત્વને મૂળથી માંડીને વિચારવાની,જાણવાની એક અનોખી મઝા છે એવો સંકેત અહીં સમાયેલો છે.

સામે દેખાતી  અને સવારની ઉઘડતી જતી દુનિયાની સાથેસાથે જાણે કે અંતરની બારી પણ ઉઘડતી અનુભવાય. ને પછી તો કવિ કહે છે કે, ‘અતલ અને અવકાશની  થૈ ગૈ ઝાંખી’. કેટલાં સુંદર શબ્દો પ્રયોજાયા છે? અતલ એટલે કે, સાત પાતાળમાંનું પહેલું પાતાળ. અને અવકાશ એટલે કે, ખાલી જગ્યા, આકાશ. આ બે શબ્દો દ્વારા કવિએ પૂરા બ્રહ્માંડની ઝાંખી થયાનો ભાવ વ્યક્ત કરી દીધો છે. ખરેખર, વહેલી સવારે ઓગળતો અંધકાર અને ધીરે ધીરે ખુલતો જતો ઉજાસ જેણે માણ્યો હોય તે જ આ ભાવનો આનંદ માણી શકે.

પહેલા અંતરામાં કવિએ સુંદર પ્રકૃતિ ચિત્ર ઊભુ કર્યું છે કે,
ઘેન ગુલાબી અંધારું
ને સહજ મદિલી ગંધ,
રોમ રોમ લગ પ્હોંચ્યાં કંપન
સરી પડ્યા સૌ બંધ;

ખૂબ ઓછા પણ એકદમ યથોચિત શબ્દોમાં થયેલી અભિવ્યક્તિ મનભાવન બની છે. આછો આછો અંધકાર, ખુશનુમા પ્રભાતની સુગંધ, હવાનો શીળો કંપ..વગેરેનો લય પણ વાંચતાવેંત ગીતના ગુંજારવ સમો ઘેરી વળે છે. ગામડાની સવાર હોય કે અદ્યતન resortની ખુશનુમા પ્રભાત.. કુદરત તો કુદરત જ છે ને? એમાં જાત ન ઓગળે તો જ નવાઈ! તે સમયે કંઈ કેટલાય ફિલસૂફી ભર્યા વિચારોની આવનજાવન ચાલતી રહે છે ને માણસ પોતે જાણે આખો ને આખો એમાં ડૂબતો જાય છે. એટલું જ નહિ, કશુંક વિશેષ પામ્યાનો આનંદ પામતો જાય છે. ઈશ્વરની આ દેન કેટલી સમૃદ્ધ છે!

 આમ, કાવ્યની શરૂઆતમાં અંધકારના ઉતરતા જતા ઓળા, ઉઘડતી જતી સવાર અને ફૂલપાંદડીનું સુંદર શાબ્દિક ચિત્ર આપ્યા પછી હવે બીજા અંતરામાં કવિ, એવા જ બીજા મનોહર દ્રશ્ય તરફ ભાવકને ખેંચી જાય છે.

ક્યાંક ઊતરતું ધુમ્મસ
ચડતું ક્યાંક અમસ્થું વાદળ,
સરી રહ્યું છે પર્ણ ઉપરથી
બુંદ બુંદમાં ઝાકળ;

હજી સૂરજ તો ઊગ્યો નથી. ધીમે ધીમે જેમ અંધારું ઓછું થતું જાય છે, વાતાવરણ ધુમ્મસથી છવાયેલું જણાય છે અને રખડતાં વાદળ સહેજ ઉપર જતા દેખા દે છે, પાંદડાઓ ઉપર બાઝેલો ભેજ નીચે ઉતરતો જાય અને ઝીણાં ઝીણાં એનાં ટીપાં ઝાકળ બની કેટલાં સુંદર ખીલી ઊઠે છે ! પાંદડા ઉપર, ફૂલો ઉપર અને લીલાંછમ કૂણાંકૂણાં ધરતીને મઢીને બેઠેલાં ઘાસની ટોચ ઉપર પણ મોતીની જેમ શોભી ઉઠે છે. “મોતી વેરાણાં ચોકમાં” જેવું અનુપમ દૄશ્ય નીરખીને કવિને ધરતી પણ ઘડીભર ઝાંખીપાંખી લાગે છે. કારણ કે પળમાત્રમાં તો અતલ અને અવકાશની ઝાંખી થવા માંડે છે ! પાંદડી અને ઝાકળબિંદુ જેવાં નાનામાં નાનાં અંશમાં,તત્ત્વમાં પણ અખિલ બ્રહ્માંડ સમાયેલું છે!  સ્થૂળ વસ્તુઓમાં પણ સૂક્ષ્મ નિરીક્ષણ અને કવિની કલ્પના અદ્ભૂત છે. સહૃદયી વાચક એ વાંચીને રોમાંચિત થયા વગર રહી જ ન શકે.

ધુમ્મસ અને વાદળ શબ્દ દ્વારા ભાવક-મનમાં એક બીજી પણ અર્થછાયા ઉપસે છે. અંતરમાંથી જાણે કે, કોઈ વિષાદનું ધુમ્મસ ઉતરતું અનુભવાતું હોય,વિચારોના વાદળ ઉપર જતાં લાગે  અને મનનો કોઈ આછેરો અંધકાર ધીમે ધીમે ખસીને આશાભર્યા ઉજાસ તરફ ગતિ કરતો વર્તાય. આવે સમયે સવારની જેમ જ દેહમાં ચેતના,ઊર્જા, સ્ફૂર્તિ કેલાતી અનુભવાય તે આનંદ જ અવર્ણનીય હોય.

પ્રાકૃતિક વર્ણનનું આ કાવ્ય અભિધાથી આગળ વધી અતલ અને અવકાશના મર્મને ફરી એકવાર દોહરાવે છે જે મનોભાવમાં ઘેરો રંગ પૂરે છે, વધુ ઊંડાણમાં ખેંચી જાય છે. જે અતલ છે, જ્યાં અવકાશ છે, જેની સદીઓથી ખોજ થતી આવી છે તેની તો આ એક ઝાંખી માત્ર છે; એમ કહી કવિ અર્થને ખૂબ ઊંચાઈએ લઈ જાય છે. અહીં કવિત્ત્વ પૂરેપૂરું નીખરે છે.

આમ, બે જ અંતરામાં રચાયેલું આ નાનકડું કાવ્ય એનો પ્રવાહી લય, સરળ અને ઉચિત શબ્દો,  ઝાકળ-વાદળ, બંધ-ગંધ,ઝાંખી-પાંખી-આખી જેવાં અંત્યાનુપ્રાસ, ચિત્રાત્મક્તા, અર્થગાંભીર્ય વગેરેને કારણે ખૂબ જ આસ્વાદ્ય બન્યું છે. સંગીતકારોએ સ્વરબદ્ધ કરેલ આ ગીત એકથી વધુ ગાયકોએ ગાયું પણ છે.

અંધારામાંથી ઉજાસ તરફ લઈ જતું આ ગીત કાવ્યપ્રેમીઓને માટે ખૂબ જ પ્રસન્નતાપ્રેરક છે.

અસ્તુ.

-દેવિકા રાહુલ ધ્રુવ

‘શબ્દોને પાલવડે’ ૨૦માં વર્ષમાં પ્રવેશે છે ત્યારે…

૨૦૦૪-૨૦૦૬ નો  એક સમય હતો જ્યારે વર્ડપ્રેસ.કોમ, ગુજરાતીમાં લખવા માટે સાવ નવું હતું. સર્જકોને માટે એ ખૂબ આનંદનો અવસર હતો અને સર્જન માટેનું એક મઝાનું ઉપકરણ હતું. તેના પર પુષ્કળ  ગુજરાતી સાહિત્યકૃતિઓ મૂકાતી હતી. ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનના સક્રિય સભ્ય શ્રી વિજયભાઈ શાહ ખૂબ ઉત્સાહથી એમાં કામ કરતા અને સંસ્થાના સર્જક સભ્યોને માટે આવા બ્લોગ્સ ખોલીને લખાવતા. તે રીતે ૨૦૦૭ના એપ્રિલ મહિનામાં એક બ્લોગ મને પણ ખોલવાની તક મળી હતી. તે સમયે નવું નવું હોવાને કારણે એક રચના મૂકાય એની સાથે લોકો રસપૂર્વક વાંચતા અને તરત જ પોતાનો પ્રતિભાવ આપતા. ઘણી વાર તો પહેલે જ દિવસે ૪૦થી ૫૦ જેટલા પ્રતિભાવો મળી જતા. રોજ કૂદકે ને ભૂસકે નવા નવા બ્લોગ્સ ખુલતા. જોતજોતાંમાં  તો એની સંખ્યા એટલી બધી વધી ગઈ કે એ આંકડો હજાર-દોઢ હજાર સુધી પહોંચ્યો. કેટલાક બ્લોગ્સમાં એની યાદીઓ પણ તૈયાર થવા માંડી.

ત્યારબાદ…. નેટજગત આગળ ને આગળ વધતું ગયું, ટેક્નોલૉજીના વિકાસની સાથે નવીનવી અને જુદી જુદી સાઈટ્સ ઉપલબ્ધ થવા માંડી. લોકોનો વપરાશ વધતો ચાલ્યો અને આંખના પલકારામાં તો ફેસબુકના ફળિયે અને ઇન્સ્ટાગ્રામના આંગણે રમનારાઓની સંખ્યા વધતી ચાલી. પરીણામે ગુજરાતી બ્લોગ્સ નિષ્ક્રિય થવા માંડ્યા, બંધ થવા માંડ્યા અને ગૂગલના સ્ટેટીસ્ટીક્સ પ્રમાણે હવે માત્ર ૪૦% જેટલા જ Gujarati Blogs સક્રિય રહ્યા છે. સર્જનના અને વાંચનના પ્લેટફોર્મ્સ અને રીતો બંને બદલાયાં છે.

આજની આવી પરિસ્થિતિની વચ્ચે પણ એ વાતનો આનંદ છે કે છેલ્લાં ૨૦ વર્ષથી નિયમિતપણે મારો બ્લોગ ‘શબ્દોને પાલવડે’ સતત ચાલુ જ રહ્યો છે. તેમાં ગદ્ય,પદ્ય,ઑડિયો,વિડીયો,રસદર્શન,વક્તવ્ય,રજૂઆત, હિન્દી,અંગ્રેજી,સંસ્કૃત એમ વિવિધ રીતે સર્જક્તાને ધાર મળતી રહી છે. એ રીતે વારંવાર એ વાત સાબિત થયા જ કરે છે કે, સાહિત્ય એ જીવાતું જીવન છે અને જોવાતું જગત છે. બીજા શબ્દોમાં કહીએ તો શ્વાસોની આવનજાવન ચાલુ છે ત્યાં સુધી આ અ-ક્ષરમાળ  અને શબ્દ-સફર પણ  અવિરત છે, જીવંત છે.

 મારા બ્લોગ પર નિયમિતપણે આજે પણ મુલાકાત લઈ વાંચતા રહેતા સૌ ભાવકોનો, પ્રતિભાવ પાઠવનાર સહૃદયી સાચા સાહિત્યરસિકોનો અને શુભેચ્છકોનો તહેદિલથી આભાર.

અસ્તુ.

દેવિકા ધ્રુવ

રસદર્શનઃ ૩૭ઃ હર્ષવી પટેલ

બિલીમોરાના કેસલી ગામમાં શિક્ષિકા તરીકે કામ  કરતા કવયિત્રી હર્ષવી પટેલ એટલે આજની તેજસ્વી કલમ અને એક આગવો અવાજ. તેમનો ગઝલસંગ્રહ ’તારી ન હો એ વાતો’ નોંધપાત્ર લેખાયો છે. તાજેતરમાં તેમને શયદા એવોર્ડ મળ્યો છે. અને સિદ્ધહસ્ત ગઝલકારો સાથે અનેક મંચ પર છવાઈ ગયાં છે.

અત્રે તેમની એક ગઝલ અને તેનો આસ્વાદ પ્રસ્તુત છેઃ

અઠંગ આંખ હોય પણ ફરક કળી શકો નહીં,
મને મળ્યા પછી તમે, તમે રહી શકો નહીં.

શરત ગણો તો છે શરત, મમત કહો તો હા, મમત!
તમે તમે ન હોવ તો મને મળી શકો નહીં.

પ્રવેશબાધ કે નિયમ કશું નથી અહીં છતાં
કહું હું ત્યાં લગી તમે પરત ફરી શકો નહીં.

જો થઈ જશે લગાવ તો સ્વભાવ થઈ જઈશ હું,
મથો છતાંય એ પછી મને તજી શકો નહીં.

તરણકળા પ્રવીણ હો, તરી શકો સમંદરો,
ડૂબી ગયા જો આંખમાં, તમે બચી શકો નહીં.

પડ્યા પછી જ પ્રેમમાં ખરેખરી ખબર પડી,
સતત મરી શકો ખરા, સતત જીવી શકો નહીં.

– હર્ષવી પટેલ

છ શેરોમાં પથરાયેલી આ ગઝલમાં  મસ્તીભરી ખુમારી છે અને  પ્રેમભીનો આત્મવિશ્વાસ છલકાય છે.

મત્લાના શેરમાં  જ એક પડકાર ફેંકાયો છે. સામાન્ય રીતે કોઈપણ બે વ્યક્તિ એકસરખી હોઈ શકે નહિ. પણ જે કંઈ  ફરક હોય તે પરખાઈ તો આવે જ અથવા તો અંતરમાં શું છે તે વાણી, વર્તન,હાવભાવથી કળી પણ શકાય. પણ અહીં તો નાયિકા સીધો દાવો કરે છે કે, ભલે ને, તમે ગમે તેટલા કાબેલ હોવ પણ આ ફરક નહિ જાણી શકો. અરે એ તો એટલે સુધી કહી દે છે કે, એકવાર જો તમે મને મળો તો… તમે પોતે ‘તમે ‘ રહી શકો જ નહિ!! What a confidence? “મને મળ્યા પછી તમે, તમે રહી શકો નહીં.” વાહ..વાહ.

બીજા શેરમાં એ જ વાત થોડા ગમતીલા મિજાજથી આગળ વધે છે. ઉલા મિસરામાં જરા બેફિકરાઈથી કહે છે કે તમારે જે માનવું હોય તે માનો. શરત ગણો, મમત માનો કે ગમે તે અર્થ કરો પણ એક વાત તો ચોક્કસ છે કે..એ શું ચોક્કસ છે તેની સ્પષ્ટતા કર્યા વગર જ સાની મિસરામાં ભીતરી ભાવ અલગ મિજાજથી છૂપી રીતે પ્રગટ કરે છે. એ કહે છે કે તમે જે છો તે છો; માટે મને મળી શકો છો. કેટલી ‘હટકે’ભરી છટા છલકે છે. તમે ‘તમે ન હોવ તો મને મળી શકો નહીં.’ એટલે કે, તમે જે છો તે, મને ગમો છો અને એટલે જ મને મળી શકો છો! કેવી કલામય અભિવ્યક્તિ! બે મિસરાની વચ્ચેની ખાલી જગામાં કેવો ઊંડો ભાવ ભરી દીધો એ જ કવિકર્મ અને એનું નક્શીકામ.

ત્રીજા શેરમાં વળી આ ગુફ્તેગુની ઓર મઝા નીખરે છે. કવયિત્રી કહે છે કે, એકબીજાંને મળવા બાબતે કે, આવનજાવન માટે અહીં કોઈ નિયમ કે નિયમન નથી. પણ એક વાત નક્કી છે કે, એકવાર તમે આવો પછી પાછા ફરી શકાશે નહિ. કેવી મિઠ્ઠી  સ્નેહભરી નોંકઝોક? એમ કહેવું જ નહિ પડે કે, “અભી ના જાઓ છોડકર કે દિલ અભી ભરા નહી”.. તમે ખુદ પાછા વળી નહિ શકો! કેવી સરસ દાદીગીરી!!

હવે આ જ ભાવ કંઈક નોખી રીતે ચોથા અને પાંચમા શેરમાં વ્યક્ત થાય છે.. એક વાત તો સાચી જ છે કે, કોઈપણ નામ, સ્થાન કે ઘટના એકવાર ગમતીલી થઈ જાય તો માનવીને એના વગર જરાયે ચાલે નહિ. માણસમાત્રનો  એ એક સ્વભાવ રહ્યો છે. અરે, ઘણીવાર તો રોજીંદા નિત્યક્રમથી પણ માનવી એટલો ટેવાઈ જાય કે, જો કોઈવાર કશુંક જુદું બને કે કંઈ કરવાનું રહી જાય તો એને એનો ઓસાંગરો લાગે, મઝા ન આવે. તો અહીં તો બે પ્રેમીહૈયાંની લાગણીઓની વાત છે. કાવ્યનાયિકા  પૂરા વિશ્વાસથી કહે છે કે, એકવાર જો થઈ જશે લગાવ તો સ્વભાવ થઈ જઈશ હું,
મથો છતાંય એ પછી મને તજી શકો નહીં.  “ કેવો અને કેટલો આત્મવિશ્વાસ?

આ વાતની સાબિતીમાં એક નવો દાખલો ટાંકીને એ કહે છે કે, તરવૈયાઓ ગમે તેટલા કુશળ હોય, સાગરો તરી જઈ શકે એટલી પ્રવીણતા ધરાવતા હોય પણ એ મહારથી, એકવાર જો કોઈની આંખોના દરિયામાં ડૂબી ગયા તો… સમજો..  ગયા કામસે..

અહીં અમૃત ‘ઘાયલ’ નો શેર યાદ આવી જાય છેઃ

કસુંબલ આંખડીના કસબની વાત શી કરવી !
કલેજું કોતરી નાજૂક મીનાકારી કરી લીધી.

ઉપરોકત પાંચમા શેરમાં કવયિત્રી સહજપણે જાણે એક ફરમાન બહાર પાડી દે છે એમ કહીને કે,

તરણકળા પ્રવીણ હો, તરી શકો સમંદરો,
ડૂબી ગયા જો આંખમાં, તમે બચી શકો નહીં.

આફ્રીન પોકારી જવાય એવી સુંદર અદાકારી.

અને છેલ્લે મક્તાના શેરમાં એક સહજ ચમકારારૂપે અતિશય સરળતાથી અને સલૂકાઈથી નાયિકા ભીતરનો ભાવ વ્યક્ત કરી દે છે. અગાઉના પાંચે શેરમાં ‘તમે’ ‘તમે’ સંબોધન કરીને વાતચીત છેડનાર વ્યક્તિ હવે ક્રિયાપદ બદલે છે. પોતાને જે ખબર પડી છે તે બેધડક રીતે છતાં સિફતપૂર્વક પ્રગટ કરે છે.

‘પડ્યા પછી જ પ્રેમમાં ખરેખરી ખબર પડી’- અહીં ખબર પડશે નહિ,પણ પોતાને ખબર પડી છે દ્વારા પ્રેમની વાત જાહેર કરી દે છે. પ્રેમમાં મરી શકાય પણ પ્રેમ વિના જીવી ન શકાય. અહીં નઝાકતભરી રીત છે, પરિપક્વતા છે, મક્કમતા છે અને ખુમારી પણ ખરી જ.

‘પડ્યા પછી જ પ્રેમમાં ખરેખરી ખબર પડી.
‘સતત મરી શકો ખરા, સતત જીવી શકો નહીં.’ ક્યા બાત!

આમ, ‘લગાલગા’નાં ચાર આવર્તનોમાં રચાયેલી આ આખીયે ગઝલમાં શેરિયતથી મિજાજ સુધીની તમામ કાવ્યાત્મકતા છટાદાર રીતે અનુભવાય છે. ‘ શકો નહિ’ જેવા સામાન્ય  બોલચાલના શબ્દોને રદીફ  તરીકે લઈને ગઝલને સાદ્યંત સુંદર અને રસમય રીતે એકસૂત્રથી બાંધી છે. પ્રત્યેક શેર દાદ માંગી લે છે. હર્ષવી પટેલને ખૂબ અભિનંદન.

આસ્વાદકઃ દેવિકા ધ્રુવ

‘પ્રોગ્રામ્ડ ફાઉન્ટન’

પ્રોગ્રામ્ડ ફાઉન્ટન’

પરોઢિયે આંખ ખુલી. બારી બહાર નજર કરી.

બધું જ શાંત નીરવ અંધકારમાં ડૂબેલું હતું.

સામેના તળાવનો ફુવારો પણ સૂતેલો હતો.

જળપ્રવાહ મંદ ગતિથી વહેતો હતો.

આ દૄશ્ય વધુ આગળ અંકાય તે પહેલાં તો…

ઝુઉઉઉમ કરતોક ફુવારો એકદમ જ જાગ્યો.

 પાણીની ગતિ વધી અને ફુવારાની સહસ્ત્ર ધારાઓ

મનના વિચારોની જેમ વિસ્તરતી ચાલી.

ઉજાસ ઉઘડવાની શરૂઆત થઈ. પંખીઓ જાગી ચહકવાં લાગ્યાં.

પૂર્વાકાશમાંથી કિરણોની ધાર રેલાતા,

ભુરા આકાશનો રંગ લાલિમા તરફ બદલાવા માંડ્યો.

જોતજોતામાં તો બધે જ સળવળાટ, ગણગણાટ

અને પછી તો રાબેતા મુજબ માનવીની એકસરખી દૈનિક પ્રવૃત્તિ

બધું જ નિશ્ચિત્ત; ચાવી આપેલા પૂતળાની જેમ જ.

વૈવિધ્ય પણ એકદમ નક્કી કર્યા મુજબ જ.

સવારે ૬ વાગે ફુવારો શરૂ અને રાતના ૧૧ વાગે બંધ.

પોતે કરેલ ‘પ્રોગ્રામ્ડ’, જેની માણસને જાણ છે.

પોતે ખુદ’ પ્રોગ્રામ્ડ’ છે; એની એને જાણ છે?

અવલોકનઃ આવ, મળીએ જિંદગીઃ

માર્ચના પ્રથમ અઠવાડિયામાં જયશ્રી મરચંટ લિખિત ‘આવ, મળીએ જિંદગી’ પુસ્તક મેઈલ-બોક્સમાંથી મળ્યું.  ‘આવ, કહીને આમંત્રણ આપતું શિર્ષક વાંચતાં જ આંગળીઓ પાનાં ફેરવતી ગઈ ને એમ લાગ્યું કે આમાં કશુંક ગમતીલું લાગે છે. તે દિવસે તો અન્ય પુસ્તકોની સાથે મૂક્યું. પણ પછી બીજી સવારથી વળીવળીને નજર ત્યાં જ જઈ બેસતી. એમ રોજ સવારે થોડાં થોડાં પ્રકરણો વંચાતાં ગયાં અને  ક્યારે આ પુસ્તક પૂરેપૂરું વંચાઈ ગયું એ ખબર જ ન રહી.

જિંદગીનું પણ એવું જ છે ને? એને પામતાં પામતાં તો પૂરી થયાનો અહેસાસ થવા માંડે છે! એ રીતે શિર્ષક ખૂબ યથાર્થ લાગ્યું.

આ પુસ્તકમાં સ્મરણોની હૂંફાળી શાલમાં વીંટાયેલી, સાહિત્યના લગભગ દરેક મુખ્ય ગદ્યસ્વરૂપોમાં વ્યક્ત થતી ભાતીગળ વાતો છે. એમાં આત્મકથની છે, પત્ર છે, ડાયરી છે, ચરિત્રલેખન છે તો વળી પાત્રો, ઘટના અને સંવાદોથી ભરીભરી દિલચશ્પ વાર્તાઓ પણ છે. એ રીતે પણ શિર્ષક બરાબર લાગે છે. કારણ કે, જિંદગીમાં પણ આ બધું જ છે ને? બીજી એક ખૂબી એ છે કે, આ બધી જ વાતો સહજ અને સરળ ભાષામાં અને એકદમ રસાળ શૈલીમાં લખાઈ છે. એટલે એકવાર શરૂ કર્યા પછી સંપૂર્ણપણે વાંચવી ગમે છે.

કેટલીક ‘ઝીણી’ના જેવી કે પછી નપુંસક પુરુષ દ્વારા પત્નીને થતી કનડગત જેવી વાતો તો એટલી હૃદયદ્રાવક લાગે કે ઊભા થઈને બળવો કરવાનું મન થઈ જાય. કારણ કે, આ માત્ર વાર્તાઓ નથી. પણ બનેલી સત્યઘટનાની સ્મરણકથાઓ છે. મન પર એની ઘેરી અસર રહે છે.

જિંદગીના જુદાજુદા પડાવ પર મળેલા જુદાજુદા માનવીઓની, જુદીજુદી સ્થિતિઓમાં થયેલા પ્રસંગોની સ્મરણકથાને આલેખતાં જયશ્રીબહેનની કલમે અનાયાસે જ તેમનું ખુદનું ચિત્ર વાચકના મનમાં ઉપસતું જાય છે. ફિલ્મી ગીતોથી પૂરી કરતા અને સિફતપૂર્વક નવી વાત જોડતાં આ લેખિકા જિંદગીને ભરપૂર ચાહે છે. અન્યને સહાયભૂત થતાં રહેવાની ઇચ્છા અને ક્ષમતા ધરાવે છે. પોતે પણ સંઘર્ષોમાંથી પસાર થયાં છે પણ ક્યાંયે ન તો ફરિયાદનો સૂર છે કે ન તો ગમગીનીનું પૂર. છેલ્લું પ્રકરણ તો ‘વાતવાતે મને યાદ આવો તમે’… વાંચતાં વાંચતાં તો ગળે ડૂમો ભરાય અને આંખમાં આંસુ આવે જ, આવે.

છેલ્લે કહેવાનું ગમશે કે, ૨૦ પ્રકરણોમાં પથરાયેલાં અતીતનાં આ આબેહુબ દૄશ્યો અલગ અલગ જિંદગી સાથે મેળાપ કરાવે છે. વાચકના મનમાં ઘેરું ચિંતન અને પડકારો સામે અડીખમ રહેવા માટેનું બળ પૂરું પાડે છે. સાચ્ચે જ..

જેવી મળી આ જિંદગી, જીવી જવાની હોય છે,
સારી કે નરસી જે મળી, શણગારવાની હોય છે.
ના દોષ દો,ઇન્સાન કે ભગવાન યા કિસ્મત તમે,
પળપળ અહીં દુલ્હન સમી, સત્કારવાની હોય છે.

 આ પુસ્તક આખું વાંચીને બંધ કર્યા પછી ફરી એકવાર આમંત્રણ આપતાં શિર્ષક તરફ નજર પડી ને એક સ્મિતની લહેરખી છવાઈ ગઈ; એમ વિચારીને કે, હા, જિંદગી તું આવી જ છે. આવ, મળીએ તને..

જયશ્રી મરચંટને અભિનંદન.

અસ્તુ.

દેવિકા ધ્રુવ

માર્ચ ૭, ૨૦૨૬

होलीके हिंदी बोल- मार्च २०२६

रविवार, 1 मार्च, 2026..

जेवीबी प्रेक्षा ध्यान केंद्र, 14102 शिलर रोड, ह्यूस्टन.

૩૬. ॐ पूर्णमदः पूर्णमिदम् पूर्णात् …     

બ્રહ્મ( ત્રણે લોક) પૂર્ણ છે, આ પણ પૂર્ણ છે. પૂર્ણમાંથી જ પૂર્ણ સર્જાયું છે. પૂર્ણમાંથી પૂર્ણ લઈ લો તો પણ પૂર્ણ જ

બાકી રહે છે.

ઈશાવાસ્ય ઉપનિષદનો આ એક શાંતિમંત્ર છે. વિદ્વાનોએ જુદીજુદી રીતે તેના ઊંડા અર્થો કરીને ખૂબ ક્લિષ્ટ બનાવી દીધા છે. પણ સરળ ભાષામાં કહેવું હોય તો એટલી જ વાત છે કે,આ જગત એક પૂર્ણ (સંપૂર્ણ) માંથી સર્જાયું છે અને પૂર્ણ છે. તેને બાદ કરો તો પણ જે રહે છે; તે તો પૂર્ણ જ છે. ૦-૦=૦ …પણ શૂન્ય એટલે શૂન્ય નહિ પણ પૂર્ણ, સંપૂર્ણ કહેવાય.

Om=sound of soul, purnamadah=purnam+adah=

Purnam=complete adah= that ( Supreme)

purnamidam=Purnam+idam=

Purnam=complete, idam=this ( world)

purnaat= from Purna, purnamudachyate=purnam+udachyate

purnam= complete,udachyate=is created

purnasya=from completeness,

purnmaaday, purnam+Adaya=to take it off

purnamevaavshishyate= purnam+eva+avashishyate

purnam=complete= eva=only, avashishyate= remains.

That outer world is complete-Full with divine consciousness. This inner world is also same. It is created

from that complete divine. Even if purNa is taken out from PurNa, Purna indeed remains. 0-0=0!!