ઢળતું જાતું..
ઢળતું જાતું અજવાળું ને આવી ઊભી રાત
દીવો ઝીણો ઝળઝળ થાતો, ઝાંખી થાતી ભાત
હવે તો આવી ઊભી રાત….
આંખ આંજતું અંધારું, આ આવી ઊતર્યું હેઠે
પળપળની પોઠો બિચ્ચારી ભલે જુદારો વેઠે
જળમાં ભળતી જાત, હવે તો આવી ઊભી રાત….
ઉકલે ના અક્ષર આથમતા, ઝલમલ દેશો ડૂબે
તૂટે આવનજાવન સઘળી, પિંડ-પદારથ ખૂટે
વિખરાતી રે વાત, હવે તો આવી ઊભી રાત…..
~ લતા હિરાણી
આસ્વાદઃ દેવિકા ધ્રુવ
આજની સવારે એક મઝાનું ગીત વાંચવામાં આવ્યું અને જાણે સવાર સુધરી ગઈ. પહેલી નજરે લાગે કે, અજવાળા, અંધારા, સાંજ, રાત અને દીવાની વાત છે. હા, છે પણ માત્ર એ જ વાત નથી, અને એ જ તો આ કાવ્યની ખૂબી છે. જે કંઈ નથી કીધું તે બધું ખુલી ગયું છે. કારણ કે, એ માત્ર રચનાકારની સ્વાનુભૂતિ નથી. પણ સર્વાનુભૂતિ હોઈ સૌ કોઈને સ્પર્શે છે.
સાવ નાની, માત્ર બે જ ટૂંકા અંતરામાં રચાયેલી આ કવિતાનો આસ્વાદ કરવાનું મન થાય જ, થાય.
ઢળતું જાતું અજવાળું ને આવી ઊભી રાત..
દીવો ઝીણો ઝળઝળ થાતો, ઝાંખી થાતી ભાત
સાંજની સાથે જ અજવાળું પણ ઢળે અને અજવાળું ઢળે એટલે કે રાત પડવા માંડે એ એક કુદરતનો નિયમ છે. એ હકીકતને માનવ-જીવન સાથે જોડીને કવયિત્રી તરત જ બીજી પંક્તિમાં કહે છે કે, ઝીણો દીવો ઝળઝળ થાય ને તેવે વખતે આખીયે ચોક્ખી દેખાતી ભાત ઝાંખી થતી લાગે. આ દીવો એટલે કે, કાયાના કોડિયામાં ભીતર રહેલો આતમનો દીવો. એ દીવો ખરેખર તો ઝળહળતો હોય. તો પછી ઝાંખુ કેવી રીતે દેખાય એ સવાલની સાથે જ નજર પડે છે ‘ઝળઝળ’ શબ્દ પર. સામાન્ય રીતે દીવાની સાથે ઝળહળ શબ્દ જાય. પણ અહીં ‘ઝળઝળ’શબ્દ પ્રયોજાયો છે. આંખમાં આવતાં ઝળઝળિયાંનો અર્થ અભિપ્રેત છે. ઝળઝળિયાને કારણે ઝાંખું દેખાય. ને ત્યારે ક્ષણભંગુર શરીરના અંગોનો અર્થ ખુલે છે. જીવનના સાંજના પડાવે ગાત્રો ઢીલા અને ધીમા પડે છે. ખૂબ ચાલ્યાંનો થાક વર્ખેતાય છે. આંખે ઝાંખપ વળે છે. અંધારા ઘેરી વળે છે.
એ જ ભાવને પ્રથમ અંતરામાં કવિ રૂપકો અને સજીવારોપણ થકી વ્યક્ત કરે છે. જાણે કે કોઈ આવી આંખમાં કાજળ નહિ,અંધારું આંજી જાય છે. પળેપળ સાવ અલગ અલગ દેખાય છે. કંઈક ને કંઈક નવી નવી વ્યાધિઓ આવતી રહે છે. ક્ષણની માફક જ એક જાય ને બીજી આવીને ઊભી જ રહે છે. દિવસને અંતે ઉતરતાં જતાં અંધારાંની માફક જ રાખનાં આ રમકડાં અંતે જળમાં સરી જતાં સમજાય છે અને અનુભવાય છે. ‘જળમાંથી નીકળી આંગળી ને જગા પૂરાઈ ગઈ.’ઓજસ પાલનપુરીના એ મશહૂર શેરનો સૂર સંભળાય વગર રહેતો નથી. આ અંતરામાં એકમાત્ર જાત શબ્દ અહીં રાતનો ભેદ ખોલી આપે છે.
ને ત્યારે ઘડીભર એ કહેવાનું મન થાય કે,
” સલૂણી આજ આવીને, ઊભી આ સાંજ ઝળહળતી;
જરા થોભો અરે સૂરજ, ન લાવો રાત ધસમસતી.”
બીજા અંતરામાં ક્રમિક રીતે રાતની જ વાત આગળ વધે છે. હજી ક્યાંય કવિએ ચોક્ખી રીતે જીંદગીને, શરીરને કે મૃત્યુને વર્ણવ્યું નથી. એ તો રાતની જ વાત કરે છે. બાકીનું તો ભાવકના મનોજગતને માટે છોડી દે છે. એ કહે છે કે, જેમ જેમ અંધારું થતું જાય છે તેમ તેમ આંખે અક્ષરો ઉકેલાતાં નથી, બધું અંધકારમાં ડૂબતું જણાય છે, જીવનની તમામ દૈનિક ક્રિયાઓ, અવરજવર બધું શમવા લાગે છે,વાતો વિખરાઈ જાય છે અને અંતે પિંડ પણ પોઢી જાય છે.
ઉકલે ના અક્ષર આથમતા, ઝલમલ દેશો ડૂબે
તૂટે આવનજાવન સઘળી, પિંડ-પદારથ ખૂટે
વિખરાતી રે વાત, હવે તો આવી ઊભી રાત…..
આ અંતરામાં પણ એક જ એવો શબ્દ મળે છે જે આપણને છૂપાયેલા ગૂઢાર્થ તરફ દોરી જાય છે. ‘પિંડ પદારથ’. કેટલો સરસ શબ્દ છે? ‘પદારથ’. ‘ભૂતળ ભક્તિ પદારથ મોટું’ કવયિત્રીના મનમાં નરસિંહ મહેતાની ઘેરી અસર છે. તેમણે અગાઉ પણ નરસિંહ મહેતા માટે એક સુંદર સ્તુતિગાન આપ્યું છે કે “આદિ તું, મધ્ય તું, અંત તું શ્રીકવિ, પૂર્ણને પામિયો શ્વાસ તારો”.
હા, તો આ પદારથ ખૂટે ત્યારે શું શું થાય છે? રાત પડવા માંડે ને દુનિયાનું રોજીંદું જીવન જંપી જાય; બરાબર તે જ રીતે જીંદગીની રાત નજીક આવે ત્યારે આંખે દેખાવાનું બંધ થાય, નાડીઓ તૂટવા માંડે, શ્વાસ રુંધાવા લાગે, પાંચે ઈન્દ્રિયો લથડવા માંડે અને આખાયે આયખાની વાતો વિસરાતી અને વિખરાતી ભાસે. આ એક સનાતન સત્ય છે. એને સ્વીકાર્યા સિવાય બીજો કોઈ પર્યાય ક્યાં છે? સદીઓથી સંતોએ, કવિઓએ અને કલાકારોએ અલગ અલગ અંદાઝમાં આ વાત સમજાવી છે.
અહીં પ્રયોજાયેલ ‘હવે’ શબ્દ પણ કેટલો સૂચક છે? અર્થોનાં ઘણાં બધાં દ્વાર ઉઘાડી દે છે. હંસલા હાલોને હવે…મોતીડાં નહિ રે મળે.. હવે.. હવે એટલે કે, ઢળતી સાંજની જેમ જ જિંદગીનો આ અંતિમ પડાવ છે. સવારથી માંડીને સાંજ સુધી ઘણું બધું કરી લીધું છે. પામવાનું હતું તે પામી લીધું છે, આપવાનું હતું તે આપી દીધું છે. અરે, રડવું, હસવું, દોડવું, ચડવું, પડવું, વેઠવું, વધાવવું, સ્વીકારવું, સત્કારવું…તમામ કામો અને ક્રિયાઓ કરી લીધી છે. હવે બાકી કશું રહ્યું નથી. રહ્યું છે તે માત્ર હવે..હવે આવી ઊભેલી રાતને, એના અંધકારને જોવાનો, એને પણ સ્વીકારીને સત્કારવાનો અને ભેટવાનો.
આવી સુંદર કવિતા ત્યારે જ લખાય જ્યારે નિકટથી અને ભીતરથી જાતને ઝંઝોડી હોય, સમજણનો દીવો સતત પ્રગટાવેલ રાખી જાણ્યો હોય અને મનને સ્વસ્થ રહેવા કેળવ્યું હોય. આ કવિતાની વધુ વિશેષતા એ છે કે, એમાં ઓછામાં ઓછા અને ઉચિત શબ્દો પ્રયોજાયા છે.’જળમાં ભળતી જાત’ વાંચતા તો નજર સામે નદીમાં પધરાતા અસ્થિ-વિસર્જનનું ચિત્ર ખડું થાય છે. અંત્યાનુપ્રાસ-રાત, ભાત, વાત, હેઠે, વેઠે, ભેટે વગેરે- કેવા સહજપણે ગૂંથાઈ ગયા છે! શાંત વહેતા સરોવરનાં જળ જેવો હળવો લય પણ ચિત્તમાં સતત ગૂંજ્યા કરે તેવો છે અને આદિથી અંત સુધી કવિતાનું મુખ્ય હાર્દ પણ સુપેરે જળવાઈ રહ્યું છે.
કવયિત્રી લતાબહેન હિરાણીની કલમને સલામ.
અસ્તુ.
દેવિકા ધ્રુવ