એઆઇ (AI)ના ધખારા અને એનાં દુષ્પરિણામો

હમણાં ક્વોરા પર એક સવાલના જવાબમાં જોયું કે જવાબમાં જાતે મહેનત કરવાને બદલે કોઈકે AIને પૂછ્યું અને આદત મૂજબ, જ્યારે AIને ખબર ન હોય ત્યારે તે ટાઢા પહોરનાં ગપ્પાં હાંકે છે એ આ સવાલના જવાબમાં સાબીત થયું. સવાલ હતો કે “સાવજ સાથે એક રાત ક્યા પુસ્તકનો ભાગ છે?” એના જવાબમાં એકભાઈ (ઉર્ફે તેમણે વાપરેલું AI) જણાવે છે કે,‘સાવજ સાથે એક રાત’ એ પ્રખ્યાત ગુજરાતી લેખક ઝવેરચંદ મેઘાણીની રચના છે” અને એટલે જ ન અટકતા પોતાની ફેંકાફેંક ચાલુ રાખતા AI જણાવે છે કે, “શાળાના પાઠ્યક્રમમાં પણ આ લેખ લોકપ્રિય રહ્યો છે“. આ બન્ને દાવામાં સૌરાષ્ટ્રની રસધારના કયા ભાગમાં, શાળાના પાઠ્યક્રમમાં કયા ધોરણમાં, વગેરે જેવી કોઈ જ વધુ વિગતો નહીં. એ ચાર છ લીટીના સ્ટન્ડર્ડ એઆઇ ફોર્મેટ (મુદ્દાસર, ઘાટાઅક્ષરો, વગેરે)માં એઆઇ એટલું કોન્ફિડન્ટ્લી જૂઠું બોલે છે કે અજ્ઞાની માણસો એને સાચું માની ને આગળ વધી જાય.

હકીકતમાં ઝવેરચંદ મેઘાણી રચિત સૌરાષ્ટ્રની રસધાર એ કોઈ એક પુસ્તક નથી, બલ્કે પાંચ પુસ્તકો છે, સૌરાષ્ટ્રની રસધાર ૧-૫ અને આ પાંચેપાંચ ગુજરાતી વિકિસ્રોતમાં ઓનલાઇન ઉપલબ્ધ છે. મને આ પાંચમાંની એકેય રસધારની અનુક્રમણિકામાં ‘સાવજ સાથે એક રાત‘ નામની કોઈ વાર્તા દેખાઈ નહીં. એટલું જ નહીં, સૌરાષ્ટ્રની રસધાર ભાગ ૧થી ૫માં એકેય વાર્તાનાં શીર્ષકમાં ‘સાવજ’ કે ‘રાત’ આ બે શબ્દો આવતા પણ નથી.

આ નીચે હું ‘સૌરાષ્ટ્રની રસધાર (ભાગ ૫)’ની અનુક્રમણિકા પણ વાચકોના સંદર્ભ માટે મૂકું છું, એમાં ક્યાંય કોઈને સાવજ સાથે એક રાત નામનું પ્રકરણ દેખાય છે? (આ પાંચમી આવૃત્તિના વર્ષ ૨૦૦૬માં થયેલા પુનઃમુદ્રણની અનુક્રમણિકા છે.)

સૌરાષ્ટ્રની રસધાર (ભાગ ૫) (આ પાંચમી આવૃત્તિના વર્ષ ૨૦૦૬માં થયેલા પુનઃમુદ્રણની અનુક્રમણિકા છે.)

તો ભાઈઓ, બહેનો અને એ સિવાયના સર્વે, બહુ હરખપદુડા થઈ ને AI પર આંધળો વિશ્વાસ ન મૂકો. આ એઆઇ તમારા અને મારા માથે આવી ખોટી માહિતી મારે અને પછી તમે એને એક જગ્યાએ છાપો એટલે એ ટેક્સ્ટ સ્ક્રોલ કરી ને વારંવાર એ માહિતી અન્યોને દેખાડતું રહે અને પરિણામે એણે પોતે ફેલાવેલું જૂઠાણું તમારા માધ્યમથી એ સત્યમાં પરિવર્તિત કરી દે. આ જુઓ, નીચે મેં હમણાં ગુગલમાં આ સવાલ બેઠેબેઠો પૂછતાં એ ક્વોરા ગુજરાતીનો ઉપરોક્ત જવાબ ટાંકી ને એની એ જ વાત દોહરાવે છે (અહિં હવે તે ભાગ ૫ એવું ઉમેરે છે).

જેને શ્રી. ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર મફતમાં ઓનલાઇન વાંચવી હોય તે નીચે આપેલી કડીઓ પર જઈ ને વાંચી શકે છે.

સૌરાષ્ટ્રની રસધાર – ભાગ ૧

સૌરાષ્ટ્રની રસધાર – ભાગ ૨

સૌરાષ્ટ્રની રસધાર – ભાગ ૩

સૌરાષ્ટ્રની રસધાર – ભાગ ૪

સૌરાષ્ટ્રની રસધાર – ભાગ ૫

અને અંતે જો તમારી પાસે ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધારના પુસ્તકની એવી નકલ હોય જેમાં આ વાર્તા આપેલી હોય તો તેની વિગતો જણાવજો જેથી વિકિસ્રોત પર એનો ઉમેરો કરી શકાય.

એઆઇ (AI)ના ધખારા અને એનાં દુષ્પરિણામો

Design a site like this with WordPress.com
શરૂ કરો