હમણા બન્યું એવું કે એક સંસ્થામાં બે પીઢ મિત્રોને સાવ સામાન્ય કહી શકાય તેવી બાબતમાં મિત્રતા તુટી. શરૂઆતમાં બંન્ને વચ્ચે દલીલ થઈ કે તમારે આ પ્રકારે ન બોલવું જોઈએ, બીજો કહે કે તમારે આ પ્રકારે ન બોલવું જોઈએ, બંન્નેમાંથી કોઈ નમતું મુકે જ નહિં. બંન્ને પોતાના અહંમને પોષ્યા કરતાં, પછી બંન્નેએ એકબીજા સાથે બોલવાનું બંધ કર્યું. આ વાત બીજે વહેતી થઈ. જે કોઈને આ વાત કાને પડતી તો તેઓ વાતને હસી કાઢતા. હવે બંન્નેને એક જ સંસ્થામાં કામ કરવાનું, બંન્નેને એક બીજાની જરૂર તો પડવાની જ! એટલે અન્યને કહીને એકબીજા પોતાની જરૂર-મદદ પુરી કરવા લાગ્યા છે.
આ ઘટના પરથી જોયું કે જે લોકો વાતને હસી કાઢતા તેમની સાથે આવી ઘટના બની હોત તો તેમના પ્રતિભાવો શું હોત? મનેય બંન્ને પીઢ મિત્રોની વાતતો સામાન્ય જ દેખાઈ, પણ મારી સાથે આવી ઘટના બની હોત તો મારા શું પ્રતિભાવો હોત?!
ક્યારેય જોયું કે નાની નાની બાબતોમાં આપણો અહં કેવો અસ્વસ્થ બની જાય છે?! “તેણે મને કેમ કહ્યું! તેની હેસીયત શું છે મને કહેવાની?!” આવા પ્રકારના તર્ક-કુતર્ક આપણો અહં કરાવે છે. સમાધાન કે નમતું મુકવા કરતાં આપણને અતિક્રમણ જ વધુ ગમે છે. હા, માન્યુ કે દર વખતે પરિસ્થિતિ અને વ્યક્તિ પ્રમાણે સમાધાન કે નમતું મુકવું જરૂરી નથી હોતું પણ ક્યારેય સમાધાન કે નમતું મુક્યું હોય છે?! તરત જ અહં અવસ્થ બની જાય છે. વાહન ચલાવતી વખતે સહેજ બીજા વાહનને કે વ્યક્તિને ટક્કર લાગી જાય જે ટક્કરે કાંઈ નુકસાન ન પહોચાંડ્યુ હોય તોય તરત જ બંન્ને એકબીજા સામું ઉગ્ર દ્રષ્ટિથી જોવા લાગશે, તાકાત બતાવવાનો બહુ મોહ હશે તો એકબીજાનો કાઠલો પકડશે, મારામારી કરશે, અથવા અસભ્ય વાણી ઉચ્ચારશે. એકબીજાએ એકબીજાને વિનય સાથે સોરી કહીને પોતાની ગાડી ફરીથી પાટા પર ન લાવી શકાય?! પાછુ કેવું છે કે વ્યક્તિના સ્થાન-કાર્ય પ્રમાણે અહંની અસ્વસ્થતા અલગ અલગ રીતે જોવા મળે છે. કોઈ પ્રસિદ્ધ કલાકાર, લેખક, પત્રકારને કે બૉસને માનનો, સ્થાન જાળવી રાખવાનો બહુ મોહ છે, તેમની સાથે કોઈ સામાન્ય નાગરીક બોલવામાં કે વર્તવામાં સહેજ ગડમથલ કરશે તો આ જે તે પ્રસિદ્ધ વ્યક્તિ વિવેક ગુમાવી દેશે. હવે નાની નાની બાબતોમાં અહં અસ્વસ્થ થઈ જતો હોય તો તે માનસીક નબળાઈ નથી લાગતી?! આવી તુચ્છ બાબતમાંથી આપણે મુક્ત ન થઈ શકીએ?! આપણા કરતાં તો બહાર રસ્તે રખડતા પાગલો સારા હશે તેમ કહેવું મને અયોગ્ય નથી લાગતું.