Archive for ઓગસ્ટ, 2010

h1

હું પણ કાનુડો બનું!

29/08/2010
એક વાંસળી મધુરી તું આપી દે કાના,
તો હું પણ કાનુડો બનું!
તારા ગયાને હવે વીત્યા છે જમાના,
તો હું પણ કાનુડો બનું!
મોરપીચ્છનો સુંદર હતો શણગાર,
ડોકમાં મોતીઓની માળા;
દેહ તારો કાળો તોયે કેવી એ મોહિની,
તને મોહતી વ્રજની બાળા!
તારા ગુણના સઘળા આપી જા ખજાના,
તો હું પણ કાનુડો બનું!

કદી બન્યો પ્રેમી તો કદી વિનાશક,
દૂર કર્યો દુષ્ટોનો ત્રાસ;
જમાનાની ગાડી ચાલી અવળા પાટે,
એમાં કેમ મળી શકે પ્રાસ!
તારા હથિયારો બધાં આપી જા છાનામાનાં,
તો હું પણ કાનુડો બનું!

એક વાંસળી મધુરી તું આપી દે કાના,
તો હું પણ કાનુડો બનું!

– ‘સાગર’ રામોલિયા

h1

એઈ, કા’નુડા!

24/08/2010

એઈ, કા’નુડા!
શ્રાવણ મહિનો આવ્યો,
ને તારા જન્મદિવસના ભણકારા વાગે છે.
પરંતુ, તું જન્મ લેવાનું માંડી વાળ તો?
કારણ,
અહીં નિત્ય નવા કા’નુડા જન્મે છે,
એમાં તને ઓળખશે કોણ?
એ બધા છે તુજથી ચડિયાતા,
તું તો ગોપીઓને રાસ રમાડતો,
આજે તો ગોપીઓને રાત રમાડે છે;
વળી તું ભોળવતો ગોપીઓને વાંસળીથી,
ભોળવાય છે આજની ગોપીઓ
પૈસા અને ફેશનની કાંચળીથી…

– ‘સાગર’ રામોલિયા

h1

ચૂપ થા બાબા!

19/08/2010

હીંચકાવી હાથે પડ્યાં છોલાં, ચૂપ થા બાબા!
ખાલી ચડી, હાથ થયા પોલા, ચૂપ થા બાબા!

રહેવા દીધા નથી ન્હાવાના પણ તેં નેઠા,
માથામાં થઈ ગયા છે ટોલા, ચૂપ થા બાબા!

રાતે પણ ઊંઘ કરવા દેતો નથી પૂરી,
દિવસે કામમાં આવે ઝોલાં, ચૂપ થા બાબા!

મનાવી મનાવીને થઈ ગયાં અધમૂઆ,
તોયે તારાં થતાં નથી અબોલાં, ચૂપ થા બાબા!

સૌ કહે ‘સાગર’ હવે આવ્યો તું લાગમાં,
તારાં કેટલાં રાખવા રખોલાં, ચૂપ થા બાબા!

– ‘સાગર’ રામોલિયા

h1

જલ્સા થાય

17/08/2010
બનો બેદરકાર તો જલ્સા થાય,
મળે જો સરકાર તો જલ્સા થાય.

નથી આશા એક પણ લાગે હાથ,
મળી આવે ચાર તો જલ્સા થાય.

હતી રોમેરોમ આળસ ગૂંથેલ,
ટળે સઘળો ભાર તો જલ્સા થાય.

જઈ સામે મેળવું ક્યાં છે હામ?
મળે બારોબાર તો જલ્સા થાય.

હલાવે ‘સાગર’ બધે ગપ્પેગપ્પ,
બને એ હથિયાર તો જલ્સા થાય.

-‘સાગર’ રામોલિયા

h1

મોંઘવારીએ બચકું ભર્યું

15/08/2010
મોંઘવારીએ બચકું ભર્યું, ડોક્ટર કરો તપાસ,
કેટલાં ટીપાં લોહી રહ્યું, જીવવાની છે આશ?
બે-ચાર મોબાઈલ છે ખિસ્સામાં,
ચાર-પાંચનો આવશે વારો?
ટુ-વ્હીલરથી હવે આવે કંટાળો,
ફોર-વ્હીલરનો ક્યાં છે આરો?
દેશી ભોજનમાં તો જાણે આવવા લાગી વાસ,
મોંઘવારીએ બચકું ભર્યું, ડોક્ટર કરો તપાસ.
બે-ચાર રૂમનું મકાન?
અરે, એતો ઝૂંપડું કહેવાય,
રાજા-મહારાજા પાણી ભરે,
મુજ સમ કોણ ગણાય?
એ.સી. વિના તો ભાઈ હવે લેવાય કેમ શ્વાસ,
મોંઘવારીએ બચકું ભર્યું, ડોક્ટર કરો તપાસ.
જમીન-મહેલ બન્યો નકામો,
દરિયાને લઉં હું બાંધી,
હવા-મહેલનું પણ કામ નથી,
હાલતા આવી જાય આંધી,
ત્યારે જ નિરાંત થશે, સર કરું અવકાશ,
મોંઘવારીએ બચકું ભર્યું, ડોક્ટર કરો તપાસ.
– ‘સાગર’ રામોલિયા
h1

લગ્નજીવન

15/08/2010

h1

સતત

15/08/2010

બીજાનું સારું જોઈ એ બફાય સતત,
પડતાં જોઈને એ મલકાય સતત.

ઈશારો થતાં તો આંખો મીંચીને દોડે,
આડા-અવળા રોજ ભટકાય સતત.

વસવસો એનો રાખીને શું કરવું?
પંચાતી ટોળીમાં યાદ કરાય સતત.

એની હાજરીમાં બોલતાં રાખવું ધ્યાન,
બીજે જઈ ચમચો બની જાય સતત.

‘સાગર’ ક્યાંય જવામાં રાખે નહિ બાકી,
બલાઓ વચ્ચે એ ફંગોળાય સતત.

– ‘સાગર’ રામોલિયા

h1

પેટમાં

15/08/2010

સ્વાદની સરકાર ખરડા કરે પેટમાં,
કાપી સુખનાં ઝાડ વગડા કરે પેટમાં.

સમોસું કહે હું વા’લું, પાણીપૂરી કહે હું,
આમ નિત નવા ઝઘડા કરે પેટમાં.

સજાવતા મહેફિલ મરચાં ને ભજિયાં,
નાચી-કૂદીને ખૂબ રાસડા કરે પેટમાં.

ગાંઠિયા-જલેબી છે પાળેલા સાપ સમાન,
ભેગા મળીને બધાં રાફડા કરે પેટમાં.

બલા આવી ‘સાગર’ હાથમાં લઈને ધોકો,
કેમ તું આ બધાંને તગડા કરે પેટમાં?

– ‘સાગર’ રામોલિયા

h1

તોયે છોકરો સારો

15/08/2010
કાયમ છે બિચારો, તોયે છોકરો સારો,
આવે ન ક્યાંય આરો, તોયે છોકરો સારો.

ખોવાય પાવલી તો પણ આવી બન્યું,
કરી મૂકે દેકારો, તોયે છોકરો સારો.

નજીક આવે તો નાક કરવું પડે બંધ,
પૂરેપૂરો ગંધારો, તોયે છોકરો સારો.

નાકની નદીને પડવા દેતો ન નીચે,
જીભ મારે લબકારો, તોયે છોકરો સારો.

‘સાગર’ તોયે બલાઓની લાગી કતાર,
કર્યા રાખે લવારો, તોયે છોકરો સારો.

– ‘સાગર’ રામોલિયા

h1

નેતા

15/08/2010

ભારત દેશનો નેતા હું,
બંગલા-નેસનો નેતા હું.

તેલ બચત મારા થકી,
વગર કેશનો નેતા હું.

હાથી-ઘોડાની રેસ તો શું?
કૌભાંડ રેસનો નેતા હું.

પડશો પાડવા ધારો તો,
વાગતી ઠેસનો નેતા હું.

‘સાગર’ ત્યાં બલા તાડૂકી,
હારેલ ચેસનો નેતા હું.

– ‘સાગર’ રામોલિયા

Design a site like this with WordPress.com
શરૂ કરો