Archive for એપ્રિલ, 2011

h1

લટકાં-ઝટકાં

24/04/2011

દોસ્ત! મારો નહિ ખોટાં લટકાં,
મૂકી દેશે માથે કોઈ મટકાં.

સારું નથી દર દર ભાટકવું,
કીડીના દેશમાં લાગે ચટકાં.

બાપની જાગીર બધે ન ચાલે,
ખોટી જગ્યાએ મારે કોઈ ફટકા.

કોઈને કણું જાણીને ન જોવા,
આંખમાં નકામા રહે ખટકાં.

‘સાગર’ સંસારે આવી ભરાણા,
બલાથી બચવાના ક્યાં છે છટકાં?

– ‘સાગર’ રામોલિયા

h1

ગધેડીની જાન આવી

17/04/2011

આવી રે, ભાઈ! આવી, ગધેડીની જાન આવી,
ગધા વરને લાવી, ગધેડીની જાન આવી.
હોંચી હોંચી શરણાઈના રેલાયા છે સૂર,
દીધું ગામ ગજાવી, ગધેડીની જાન આવી.

ઉકરડાએ આપ્યો પાવડર ઉછીનો,
મોઢે તેને લગાવી, ગધેડીની જાન આવી.

કૂતરાઓએ ડીસ્કો કર્યો, ભુંડે ગાયાં ગીત,
ઘોડે પૂંછ પટાવી, ગધેડીની જાન આવી.

‘સાગર’ તો મનની વાત મનમાં બાફતો,
બલાએ વાત ચગાવી, ગધેડીની જાન આવી.

– ‘સાગર’ રામોલિયા

h1

એક કવિની લગ્ન વિષયક જાહેરાત

10/04/2011

હોય તૂટેલ તાર, જોઈએ ન એ,
જો મગજ હોય ચાર, જોઈએ ન એ.

એમની બકબકે મળી રે’ કલ્પના,
શાંત છે જે અપાર, જોઈએ ન એ.

શોધતા થાય પગ ભલેને થાંભલા,
આવતી હો’ ધરાર, જોઈએ ન એ.

કલ્પનામાં રહી ભૂલે સંસારને,
હોય સાહિત્યકાર, જોઈએ ન એ.

સૂકલકડી શરીર છે ‘સાગર’તણું,
તોયે ઝીલે ન ભાર, જોઈએ ન એ.

– ‘સાગર’ રામોલિયા

h1

ટકોરે ટકોરે

05/04/2011

જિંદગી આ વેડફાય ટકોરે ટકોરે,
વાંદરવેડાં કરાય ટકોરે ટકોરે.

કબરમાં દાટો કે શબને બાળી નાખો,
મરતાં બધા ભુલાય ટકોરે ટકોરે.

બીજાનું જોઈ લાગતી અંતરમાં આગ,
જાતને બાળી નખાય ટકોરે ટકોરે.

‘સાગર’ રુંવે રુંવે ચેતી રહેવું પડે,
બલા વળગતી જાય ટકોરે ટકોરે.

– ‘સાગર’ રામોલિયા

Design a site like this with WordPress.com
શરૂ કરો