સરદાર વાણી …….. ( કાવ્ય )
========================================================
===========================================================================
ગાજી હતી આ ગુજરાતે, વજ્જરવાણી સરદારની .
નિર્ભય સિંહ સમી એ છાતી ,
બુલંદ જોમભરી ઉભરાતી ,
શોર્યવંતી તીખી ને, તાતી જેમ ધાર હોય તલવારની .
બારડોલી તે રહેતું ડોલી ,
હાલક ડોલક હૈદરાબાદ ,
તેજ ભરેલા ઊડે તિખારા ,
ટકરાયે જાણે પોલાદ ,
ફરે નજર ત્યાં , જાય શમી રંજાડો રણકારની .
એ શબ્દોનાં તીર વછુટયાં ,
સહુ જુનવાણી તખ્તો તૂટ્યાં ,
એની ફુંકે રાજ ઉડ્યાં ,
ભૂપતિઓનાં તાજ ઉડ્યાં ,
એક થયો ભારત , એ પ્રતીતિ લોખંડી નીરધારની .
શુર બનો બહાદુર બનો ,
ખંખેરો મનની ભીતિ ,
નહિ સામર્થ્ય વિના સંપતિ ,
ભય વિના નહિ પ્રીતિ ,
ગિરા એ કડવી કઠોર , ભીતર વત્સલ અમૃતધારની .
===================================================
રચયિતા: કવિ શ્રી નાથાલાલ દવે
સંકલન : સ્વપ્ન જેસરવાકર
