યમુના ના તીરે રાધા અને ગોપીઓ ભેળી થઈને તેમના વ્હાલા શ્યામ-કનૈયાને રમવા(રાસ) બોલાવે છે. સૌ વસંતના વાયરામાં ફૂલોની સુગંધ સાથે કોયલ અને ઢેલડીના ટહૂંકા રૂપે સંદેશો મોકલે છે, કે શ્યામ હવે વ્હેલેરા આવો અમે તમારા મિલનનની આશાએ વ્યાકૂળ થયાં છીએ, ના આવો તો તમને અમારા સમ છે.
શ્યામ આવોને રમવા
રાધા ને ગોપીઓ, ટોળે મળી છે શ્યામ, આવોને રમવા,
ખીલી છે ચાંદની ને, વસંતી રાત શ્યામ, આવોને રમવા.
કોયલ ને મોરનીના, ટહૂકાના ગુંજથી,
ફોરમ ફૂલડાની લઈ, વાયરાના પુંજથી,
મેલ્યો સંદેશો તને, નંદજીના લાલ, શ્યામ, આવોને રમવા.
વેણુનો નાદ ધીરે, ધીરે છેડીને,
સંતાયો કા’ન ક્યાંક નજરૂ ચોરીને,
યમુનાને તીર સખી, જુએ છે વાટ, શ્યામ, આવોને રમવા.
સોગન દઈને ‘સાજ’ , વિનવે હરિને,
વે’લેરા આવો નાથ, વેણુ ધરીને,
મિલનની ઝંખનામાં, ખોયું છે ભાન, શ્યામ, આવોને રમવા.
ગીત – ‘સાજ’ મેવાડા,
રાગ – સારંગ
