137 – ગઝલ – તૈયાર છું
જાત પર રાખી ભરોસો, જીતવા તૈયાર છું,
પાનખર નું વૃક્ષ છું પણ ફોરવા તૈયાર છું.
દુઃખ દુનિયાના કહો કે નર્કના, સરખા હશે,
બાથ ભીડી મોતને પડકારવા તૈયાર છું.
છે ખબર આંધી તણી, તોયે સફર છોડું નહીં,
નાવ છોડી એ વમળમાં ખેલવા તૈયાર છું.
દૂર રહીને મોકલે છે, આંસુંઓ કેવાં મને,
તું મને ભૂલી શકે તો, ભૂલવા તૈયાર છું.
કૃષ્ણ આવે ના ફરી, પણ હું કદી આવી શકું,
વ્રજ ને ગોકુળમાં હું જન્મવા તૈયાર છું.
છો નિરાકારી અગોચર! કોઇ ના દેખે તને,
બંધ આંખે તારી મૂરત સર્જવા તૈયાર છું.
‘સાજ’ નામે દાસ તારો, ઓળખી લે જે મને,
ચાંદ તારા લઇ તને હું પોંખવા તૈયાર છું.
– ‘સાજ’ મેવાડા


