159-કવન થઇ ગવાયા છો (ગઝલ)
મઝાની રાત મૌસમ છે, કહો શાને રિસાયા છો?
નથી જો પ્રેમ એ ગૂનો, વગર કારણ દુભાયા છો.
અમારી ભૂલ બતલાવો, સજા પણ પ્રેમથી આપો,
ધરીને મૌન બેઠા છો, અમારા પર ખિજાયા છો?
તમારો પ્રેમ હોવાનો અમે વિશ્વાસ રાખ્યો છે,
અમે કે’તા નથી તો પણ, નથી માન્યા પરાયા છો.
તમે આંસું છૂપાવો છો, અમારી યાદ આવે તો,
અમારી જિંદગી મોંહે, તમે સૌથી સવાયા છો.
જરા કાને ધરો તો ‘સાજ’ની સરગમ મધુરી છે,
અમારા શ્વાસમાં કાયમ, કવન થઇને ગવાયા છો.
– ‘સાજ’ મેવાડા

