162-ગઝલ- શું વળે?
આભમાં તાક્યા કરો તો શું વળે?
જાતને ભૂલ્યા કરો તો શું વળે?
જિંદગી આખી મળી છે માણવા,
લાશ થઈ જીવ્યા કરો તો શું વળે?
આવશે તો કોઈ રોકી ના શકે,
મોતથી ભાગ્યા કરો તો શું વળે?
જીવતરનો પંથ ભારે અટપટો,
એકલા ચાલ્યા કરો તો શું વળે?
ક્યાં જવું એ ખબર રાખી નહીં,
રાહમાં પૂછયા કરો તો શું વળે?
ચાંદ સાગર સમ અધુરો પ્રેમ છે,
દૂરથી ચાહ્યા કરો તો શું વળે?
‘સાજ’ સાથે ગીત ગાવું હોયતો,
સમ બધે ચૂક્યા કરો તો શું વળે?
-‘સાજ’ મેવાડા


