173-તો કેવું લાગે (નઝમ)
તારો ચહેરો ખૂબ ગમે છે, એવું કહું તો કેવું લાગે?
મનડું તારું નામ જપે છે, એવું કહું તો કેવું લાગે?
તારી આંખો દર્પણ જેવી, આઘો કરને પડદો આજે,
એમાં મારું બિંબ પડે છે, એવું કહું તો કેવું લાગે?
ચોખ્ખે ચોખ્ખું સાચું કે’જે, ઈશ્વરી સંકેતો જાણી,
મારા દિલમાં તુંજ વસે છે, એવું કહું તો કેવું લાગે?
તારા ગીતો રોજ ગવાશે, ચોરે ચૌટે મહેફિલોમાં,
સાચે તું ઇઝહાર કરે છે, એવું કહું તો કેવું લાગે?
જો બેઠી હો ‘સાજ’ સજીને, અડધી રાતે મારે આંગણ,
નભનો ચાંદો આહ ભરે છે, એવું કહું તો કેવું લાગે?
-‘સાજ’ મેવાડા
Venunad.wordpress.com


