216-Rahishu-Gazal-Saaj Mevada-રહીશું-ગઝલ
અમેતો તમારા દીવાના રહીશું,
ગમેના તમોને તો છાના રહીશું.
તમે રાહ ચીંધીંને ભૂલી જવાના,
અમેતો તમારા સદાના રહીશું.
ઉડો આભમાં, આ સમય છે તમારો,
અમે પ્રેમથી આ ધરાના રહીશું.
ભલે કોઇ દુશ્મન હશે દોસ્ત મારા,
હ્રદયથી અમેતો બધાના રહીશું.
તમે મૂકશો નામ છેલ્લી કતારે,
અમે તોય અંગત સભાના રહીશું.
તમે ફૂલ જેવા ગુલાબી સુકોમળ,
અમે લઇ સુગંધી હવાના રહીશું.
કરો સૂર ઊંચા તમે “સાજ” કાયમ,
અમેતો ખરજમાં મજાના રહીશું.
-“સાજ” મેવાડા



