Martyrs of Indian Freedom Struggle – (66) Adventurous Subhashbabu (3)

સુભાષબાબુનું પરાક્રમ (૩)

સુભાષબાબુ સુકાન સંભાળે છે

સુભાષબાબુ જર્મન સબમરીનમાં ટોકિયો પહોંચ્યા અને રેડિયો પરથી બોલ્યા તે સાથે જ બ્રિટનનું પ્રચાર તંત્ર અચંબામાં પડી ગયું. આમ તો એના હુમલાનું નિશાન હંમેશાં રાસબિહારી બોઝ બનતા હતા, બ્રિટન એમને જાપાનની કઠપૂતળી ગણાવતું. પરંતુ સુભાષબાબુ તો દેશમાં જ હતા! એમને જાપાનના રમકડા તરીકે ઓળખાવે તો કોણ માને? કોંગ્રેસવાળા સુભાષબાબુની આઝાદી માટેની લડાઈની રીતનો વિરોધ કરતા હતા પણ જાપાન એમને નચાવે છે એમ તો નહોતા જ માનતા. સુભાષબાબુને સાંભળતાં જ દેશમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું અને બીજી બાજુ અંગ્રેજ સરકારને માટે નવો માથાનો દુખાવો શરૂ થયો.

સુભાષબાબુ ટોકિયો પહોંચ્યા તે પછી રાસબિહારી બોઝ અને બીજા નેતાઓમાં પણ નવું જોશ પુરાયું ઇંડિયન ઇંડીપેન્ડન્સ લીગનું નવું બંધારણ બનાવાયું અને ઇંડિયન નૅશનલ આર્મીને નવું રૂપ આપવાનો નિર્ણય લેવાયો.

સુભાષબાબુએ ટોકિયોમાં અઢી મહિનાના રોકાણ દરમિયાન જાપાનના સરકારી અને લશ્કરી નેતાઓ સાથે સંપર્ક સ્થાપિત કરી લીધો હતો. વડા પ્રધાન જનરલ તોજોએ એમને ભારતની આઝાદી માટે બધી રીતે મદદ આપવાનું વચન આપ્યું હતું. સુભાષબાબુના આવ્યા પછી ફરી હિન્દુસ્તાની નેતાઓ અને જાપાની નેતાઓ વચ્ચે સદ્‌ભાવનું વાતાવરણ રચાયું.

૧૯૪૩ની બીજી જુલાઈએ સુભાષબાબુ સિંગાપુર પહોંચ્યા. આખા પૂર્વ એશિયામાં ત્રીસ લાખ હિન્દીઓમાં ઉત્સાહ અને દેશભક્તિનાં પૂર ઊમટ્યાં. બે દિવસ પછી ચોથી જુલાઈએ સ્યોનાન (સિંગાપુર)ના ‘ગેકીજો’ (મૂળ નામ કૅથે થિએટર)માં આખા પૂર્વ એશિયાના હિન્દીઓના પ્રતિનિધિઓ એકઠા થયા અને એક વિરાટ સભામાં સુભાષબાબુએ ઇંડિયન ઇંડીપેન્ડન્સ લીગનું પ્રમુખપદ સંભાળ્યું. રાસબિહારી બોઝે ઊમળકાભેર ભાષણ કર્યું અને ઇંડિયન ઇંડીપેન્ડન્સ લીગના પ્રમુખપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી અને દેશસેવક સુભાષબાબુ’ના નામની દરખાસ્ત મૂકી. દરખાસ્ત તો એક ઔપચારિકતા જ હતી.

સુભાષબાબુએ પોતાના ભાષણમાં કહ્યું કે હવે આઝાદીના પ્રેમીઓએ કંઈક કરવું જોઈએ એવો સમય પાકી ગયો છે. એમણે પૂર્વ એશિયામાં રહેતા બધા ભારતીયોને એક સમાનપણે ખભેખભા મિલાવીને ઊભા રહેવા અને લડાઈ માટે તૈયાર થઈ જવા હાકલ કરી. ભારતમાં વાઇસરૉય લિન્લિથગોની જગ્યાએ કમાંડર-ઇન-ચીફ લૉર્ડ વેવલને વાઇસરૉય બનાવવાની વાતો વહેતી થઈ હતી તેનો ઉલ્લેખ કરીને એમણે કહ્યું કે બ્રિટન લડાઈ પછી પણ ભારતમાંથી જશે નહીં અને શોષણ ચાલુ રાખશે તેનો આ સંકેત છે. એમણે કહ્યું કે સરકારે ગાંધીજીને પકડી લીધા તે પછી લોકોએ ‘ભારત છોડો’ આંદોલન જાતે ચલાવ્યું છે અને દેખાયું કે લોકો નાગરિક અસહકારથી આગળ વધીને કોઈ પણ જલદ પગલું લેવા તત્પર છે. એમણે કહ્યું કે ૧૯૪૨નો ઑગસ્ટ ભારતના ઇતિહાસમાં અમર થઈ જશે.

સુભાષબાબુએ દેશની આરઝી હકુમત (હંગામી સરકાર)ની સ્થાપના કરવાનો પોતાનો વિચાર જાહેર કર્યો. આરઝી હકુમત દેશની આઝાદી માટે સશસ્ત્ર સંઘર્ષ કરશે અને સ્વાધીન હિન્દુસ્તાનની કાયમી સરકાર બને ત્યાં સુધી કામ સંભાળશે.

પાંચ દિવસ પછી નવમી જુલાઈએ સ્યોનાનમાં હિન્દીઓનું જબ્બર સરઘસ નીકળ્યું. એમાં બોલતાં સુભાષબાબુએ કહ્યું કે દેશમાં ચાલતો સંઘર્ષ અંગ્રેજી હકુમતને હરાવવા માટે પૂરતો નથી, બહારથી પણ સંઘર્ષ કરવો પડે તેમ છે. એમણે કહ્યું કે હિન્દુસ્તાનીઓ બ્રિટિશ ફોજ પર હુમલો કરવા સમર્થ હોય તેવું દળ ઊભું કરશે. અને તે સાથે જ દેશમાં ક્રાન્તિની આગ ફેલાઈ જશે. ક્રાન્તિમાં બ્રિટનના ધ્વજ નીચે લડતા ભારતીય સૈનિકો પણ જોડાશે. આમ બ્રિટન પર અંદરથી અને બહારથી હુમલા થવા જોઈએ. આના માટે આપણે એ જોવાની પણ જરૂર નથી કે ધરી રાષ્ટ્રો શું કરે છે.

આઝાદ હિન્દ ફોજનો નવો અવતાર

તે પછી એમણે આઝાદ હિન્દ ફોજની નવેસરથી રચના કરવા પર મુખ્યત્વે ધ્યાન આપ્યું.

સિંગાપુરના મ્યુનિસિપલ હૉલમાં ભારે વરસાદની પરવા કર્યા વિના પચાસ હજારની મેદની એમને સાંભળવા એકઠી થઈ. એની સામે એમણે ત્રણ લાખ સૈનિકો અને ત્રણ કરોડ ડૉલર માટે ટહેલ નાખી. તે સાથે જ માલેતુજાર લોકોએ લાખો ડૉલરના ચેક એમના હાથમાં મૂકી દીધા.

સુભાષબાબુએ આઝાદ હિન્દ ફોજનું પુનર્ગઠન કરવાનું તરત શરૂ કરી દીધું. એમણે ખાસ કરીને સ્ત્રીઓની રેજિમેન્ટ બનાવવા પર ખાસ ભાર મૂક્યો. લક્ષ્મી સહગલની આગેવાની હેઠળ ‘ઝાંસી કી રાની’ રેજિમેન્ટ બની.

આરઝી હકુમત

૧૯૪૩ના ઑક્ટોબરની ૨૧મીએ સુભાષબાબુએ વિધિવત્‍ દેશની વચગાળાની સરકારની જાહેરાત કરી. એમણે સિંગાપુર આવીને એમના સૌ પહેલા ભાષણમાં આ વિચાર જાહેર કર્યો હતો. એમણે પોતે સરકારના વડાનું પદ લીધું અને રાસ બિહારી બોઝને સર્વોચ્ચ સલાહકાર બનાવ્યા. કેપ્ટન લક્ષ્મીને મહિલા વિભાગ સોંપવામાં આવ્યો. એમની કૅબિનેટમાં મુલ્કી અને લશ્કરી બન્ને પ્રકારના નેતાઓ હતા. જાપાને આ સરકારને તરત હિન્દુસ્તાનની કાનૂની સરકાર તરીકે માન્યતા આપી.

આંદામાન-નિકોબારમાં આરઝી હકુમતની સત્તા

ભારતને સ્વતંત્રતા મળે તે વખત સુધી દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે વચગાળાની સરકાર તો બની ગઈ, પણ સવાલ એ હતો કે એને અધીન કોઈ પ્રદેશ હોવો જોઈએ કે નહીં? જાપાને આંદામાન નિકોબાર ટાપુઓ પર કબજો કરી લીધો હતો અને એ પ્રદેશ એણે આઝાદ હિન્દની આરઝી હકુમતને સોંપી દેવાનો નિર્ણય કર્યો. વડા પ્રધાન જનરલ તોજોએ જાપાનને અધીન એશિયાઈ દેશોના પ્રતિનિધિઓની બેઠકમાં આ નિર્ણય જાહેર કર્યો. સુભાષબાબુ બેઠકમાં હાજર તો રહ્યા પણ વચગાળાની સરકારના વડા તરીકે નહીં, માત્ર નિરીક્ષક તરીકે. એમની દલીલ હતી કે આ કાર્ય કાયમી સરકારનું છે. આમ છતાં તોજોની ઑફર આરઝી હકુમતે સ્વીકારી લીધી અને આંદામાનને ‘શહીદ’ અને નિકોબારને ‘સ્વરાજ’ એમ નવાં નામ આપ્યાં. ૧૯૪૩ની ૩૦મી ડિસેમ્બરે સુભાષબાબુ આંદામાન-નિકોબાર પહોંચ્યા અને સત્તાવાર રીતે વહીવટનો દોર સંભાળી લીધો.

આંદામાન-નિકોબાર ટાપુઓ પર ૧૯૪૨ના માર્ચમાં જ જાપાને કબજો કરી લીધો હતો અને ત્યાં ગોઠવાયેલી બ્રિટિશ ગૅરિસન જાપાનને શરણે આવી ગઈ હતી. એમાં હિન્દી સૈનિકો હતા તે પછી આઝાદ હિન્દ ફોજમાં સામેલ થઈ ગયા. પરંતુ આરઝી હકુમતને વહીવટ સોંપ્યા પછી પણ જાપાનની દખલગીરી ચાલુ રહી. જાપાને પોલીસ વિભાગ આરઝી હકુમતને સોંપ્યો નહીં, માત્ર બીજા વિભાગો સોંપ્યા. આંદામાન ટાપુ પર જાપાની સૈન્યે ભારે અત્યાચારો કર્યા હતા. પણ નેતાજી ૨૯મી ડિસેમ્બરે આંદામાન પહોંચ્યા ત્યારે જાપાની સૈન્યે કડક જાપ્તો રાખ્યો હતો અને પોતાનાં કરતૂતોનો ઢાંકપીછોડો કરી લીધો હતો.

પરંતુ એક જ અઠવાડિયાની અંદર આરઝી હકુમતના મુખ્ય કાર્યાલયને રંગૂન મોકલાવી દેવાયું. સુભાષબાબુનો વિચાર હતો કે ભારત અને બર્માની સરહદ પર યુદ્ધ થવાનું હતું એટલે સરકારનું મુખ્ય કેન્દ્ર યુદ્ધ મોરચાની નજીક હોવું જોઈતું હતું. એ પણ ખરું કે નેતાજી એમ ઇચ્છતા હતા કે ભારતમાં સૌ પ્રથમ તો ભારતીયો જ પહોંચે, પણ જાપાન આઝાદ હિન્દ ફોજને ભારતમાં જવા દેવા નહોતું ઇચ્છતું.

બીજી બાજુ પૂર્વ એશિયામાં બીજા કેટલાક પ્રદેશો પણ આઝાદ હિન્દ ફોજના હાથમાં આવી ગયા હતા. હવે નેતાજીએ આઝાદ હિન્દ બેંક પણ શરૂ કરી અને એને જબ્બર સહકાર મળ્યો. સરકાર હસ્તકના બીજા વિભાગોમાં પણ જનતાને મદરૂપ થાય એવાં કામો શરૂ થઈ ગયાં હતાં. પણ નેતાજીનું મુખ્ય લક્ષ્ય તો ભારતની ભૂમિને આઝાદ કરાવવાનું હતું. પરંતુ,આંદામાન-નિકોબારમાં લોકોની મુખ્ય સમસ્યા જાપાનીઓ પોતે જ હતા. એમના અત્યાચારોનો શિકાર બનનારા લોકોને વહીવટનાં બીજાં પાસાંઓ કરતાં જાપાનીઓના અત્યાચારો બંધ થાય તેમાં વધારે રસ હતો. આમ આરઝી હકુમત સંતોષપૂર્વક કામ કરવામાં સફળ ન થઈ શકી

૦૦૦

સંદર્ભઃ

Netaji Subhash Chandra Bose: His life and work – translated from Gujarati ‘નેતાજી સુભાષ ચંદ્ર બોઝઃ જીવન અને કાર્ય’ લેખકઃ મોહનલાલ મહેતા ‘સોપાન’ પ્રકાશન ૧૯૪૬.

Martyrs of Indian Freedom Struggle – (65) Adventurous Subhashbabu (2)

સુભાષબાબુનું પરાક્રમ (૨)

સુભાષબાબુ સાથે સંપર્ક

ટોકિયોની પરિષદ પછી પૂર્વ એશિયાના હિન્દુસ્તાનીઓ ખરા અર્થમાં સુભાષબાબુના સંપર્કમાં આવ્યા. ટોકિયો પછી થાઈલેંડના બેંગકોકમાં પરિષદ મળી તેને સુભાષબાબુએ શુભેચ્છા સંદેશ પણ મોકલ્યો.

જાપાન તરફથી એમને સંપૂર્ણ પ્રોત્સાહન મળતું હોવા છતાં ભારતીય ક્રાન્તિકારીઓ એક વાતમાં સ્પષ્ટ હતા કે ઇંડિયન નૅશનલ આર્મીની આંતરિક રચના અને કમાંડ માત્ર ભારતીયોના જ હાથમાં જ રહેવાં જોઈએ અને એને આઝાદ ભારતના સ્વતંત્ર સૈન્ય તરીકે જાપાની સૈન્યની બરાબરીનું માન મળવું જોઈએ.

પરિષદે એ પણ સ્પષ્ટ કર્યું કે આઝાદ હિન્દ ફોજનો ઉપયોગ માત્ર ભારતમાં બ્રિટન કે કોઈ પણ વિદેશી સત્તા સામે જ કરી શકાશે; તે સિવાય યુદ્ધના બીજા કોઈ પણ ક્ષેત્રમાં ક્યાંય નહીં કરી શકાય અને એનો હેતુ માત્ર હિન્દુસ્તાનની આઝાદી મેળવવાનો હશે. આઝાદ હિન્દ ફોજને ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગના તાબામાં મૂકવામાં આવી.

લીગ સામેની મુશ્કેલીઓ

બેંગકોક પરિષદ મળી અને તે પછી તરત ઑગસ્ટમાં ‘ભારત છોડો’ આંદોલન શરૂ થયું. કોંગ્રેસને પૂર્વ એશિયાની ઇંડીપેન્ડન્સ લીગની પ્રવૃત્તિઓની ખબર નહોતી અને લીગને કોંગ્રેસ શું કરવા માગે છે તેની ખબર નહોતી, તેમ છતાં યોગાનુયોગ એવો હતો કે ભારતની આઝાદી માટે ચારે બાજુથી જોરદાર પ્રયત્નો શરૂ થઈ ગયા હતા.

મલાયામાં સામાન્ય નાગરિકોને આઝાદ હિન્દ ફોજમાં દાખલ કરવાના કૅપ્ટન મોહન સિંઘના પ્રયત્નોનાં સારાં પરિણામ દેખાવા લાગ્યાં હતાં, હજારો સામાન્ય નાગરિકો ફોજમાં જોડાયા. જાપાને ધાર્યું હતું તેના કરતાં પણ આ વધારે સારો પ્રતિસાદ હતો. અને જાપાન માટે એ જ સૌથી મોટી સમસ્યા હતી!

એ જ વર્ષના ડિસેમ્બરની ચોથીએ કાઉંસિલની મીટિંગ મળી, તેમાં મલાયાના એન. રાઘવન સહિતના ચાર સભ્યોએ રાજીનામાં આપી દીધાં. પ્રમુખ રાસ બિહારી બોઝે ખાતરી આપી કે જ્યાં સુધી જાપાન સાથેની સમસ્યાઓનો નિવેડો નહીં આવે ત્યાં સુધી ભારતીય સૈનિકો ક્યાંય જશે નહીં, તેના પછી રાજીનામાં પાછાં ખેંચી લેવાયાં.

કાઉંસિલ સીધી રીતે તો કર્નલ ઈવાકુરોના સંપર્કમાં હતી. જાપાની સત્તાવાળાઓ સાથે એની બધી વાતચીત ઈવાકુરો મારફતે થતી પણ ઈવાકુરોએ કાઉંસિલના પત્રો આગળ મોકલવાનું બંધ કરી દીધું હતું. રાઘવન અને રાસબિહારી બોઝ ઈવાકુરોને મળ્યા ત્યારે પણ ખેંચતાણ ચાલુ રહી. બન્ને પક્ષે મતભેદ એ હતો કે હિન્દુસ્તાની નેતાઓ માનતા હતા કે મેજર ફુજીવારાએ કૅપ્ટન મોહન સિંઘને બધા હિન્દુસ્તાની યુદ્ધ કેદીઓ સોંપી દીધા. જાપાની પક્ષનું કહેવું હતું કે એમણે માત્ર જે યુદ્ધકેદીઓ આઝાદ હિન્દ ફોજમાં જોડાવા તૈયાર થયા એમની જ સોંપણી કરી હતી. જાપાની પક્ષ આઝાદ હિન્દ ફોજમાં વધારે ભરતી થાય તે પણ પસંદ નહોતો કરતો. જાપાની અફસરો માત્ર યુદ્ધકેદીઓને જ ફોજમાં લેવાનો આગ્રહ રાખતા હતા. એમનું કહેવું હતું કે હારેલા સૈનિકોમાં તરત નવો જુસ્સો ન આવી શકે, બીજી બાજુ કૅપ્ટન મોહન સિંઘ નાગરિકોમાંથી ભરતી કરીને ફોજની તાકાત વધારવા માગતા હતા. જાપાની અધિકારીઓ એના માટે પણ તૈયાર નહોતા.

હિન્દુસ્તાની નેતાઓએ સ્પષ્ટ કરી દીધું કે તેઓ આઝાદી માટેનું આંદોલન જ સ્થગિત કરી દેશે. આંદોલન સદંતર બંધ થાય તે જાપાની પક્ષના લાભમાં નહોતું. મેજર ફુજીવારાએ આ અંગે વધારે ચર્ચા કરવાનો સમય માગ્યો. રાસ બિહારી બોઝ સંમત થયા અને બીજા દિવસે મળનારી કાઉંસિલની બેઠક મુલતવી રાખી. રાઘવન, મોહન સિંઘ વગેરે નેતાઓ માનતા હતા કે રાસ બિહારી બોઝ ભારત કરતાં જાપાનને વધારે મહત્વ આપે છે. આથી એમણે રાજીનામાં ચાલુ રાખવાનો આગ્રહ કર્યો. અંતે રાસ બિહારી બોઝે પોતે જ રાજીનામું આપી દીધું. આમ આંદોલન શરૂ થવાની સાથે જ ખરાબે ચડી ગયું.

આ સંયોગોમાં સુભાષબાબુ જેવા નેતાની જરૂર હતી.

૦૦૦

સંદર્ભઃ

Netaji Subhash Chandra Bose: His life and work – translated from Gujarati ‘નેતાજી સુભાષ ચંદ્ર બોઝઃ જીવન અને કાર્ય’ લેખકઃ મોહનલાલ મહેતા ‘સોપાન’ પ્રકાશન ૧૯૪૬.

Martyrs of Indian Freedom Struggle – (64) Adventurous Subhashbabu (1)

સુભાષબાબુનું પરાક્રમ (૧)

ગાંધીજીએ ‘ભારત છોડો’ આંદોલન શરૂ કર્યું તેના સંદર્ભમાં સુભાષબાબુ પાસે જવાનું જરૂરી છે. એમને હિટલરે સબમરીન મારફતે પૂર્વ એશિયામાં મોકલી દીધા હતા. એમણે ‘ભારત છોડો’ને જોરદાર ટેકો આપ્યો અને હિન્દુસ્તાનીઓને સંગઠિત કરવાનું બીડું ઝડપી લીધું કારણ કે અહીં એમનો સંપર્ક હિન્દુસ્તાનીઓ અને જાપાન સાથે થવાનો હતો અને અહીં જ એમણે પોતાની ઐતિહાસિક ભૂમિકા ભજવી. એમનું ભારતમાંથી અલોપ થઈ જવું અને રશિયામાંથી જર્મની પહોંચવું એ બધું જાણે એ ઐતિહાસિક ભૂમિકાની તૈયારી જેવું હતું. એ અહીં જ ‘નેતાજી’ બન્યા.

સુભાષબાબુના સંઘર્ષ વિશે આપણે સૌ એ રીતે શીખ્યા છીએ કે જાણે એમનો સંઘર્ષ દેશમાં ચાલતા સંઘર્ષ કરતાં અલગ હતો. એ અલગ નહોતો, અલગ પ્રકારનો હતો, પણ મૂળ સંઘર્ષ સાથે સંકળાયેલો હતો. અલગ રીતે લડાયેલા બન્ને સંઘર્ષોએ એકબીજા પર બહુ જોરદાર અસર કરી. ગાંધીજી કે નહેરુ સાથે સુભાષબાબુના મતભેદ હોવા છતાં એમણે આઝાદ હિન્દ ફોજમાં ગાંધી બ્રિગેડ અને નહેરુ બ્રિગેડ બનાવી. ગાંધીજી પણ સુભાષબાબુ વિશે સતત સમાચાર મેળવતા રહેતા અને નહેરુ માનતા કે જાપાન સામે લડવું પડે તો દરેક ભારતવાસીએ લડવું જોઈએ અને એમાં સુભાષબાબુની ફોજ સામે લડવું પડે તો પણ લડવું. આમ છતાં, આઝાદ હિન્દ ફોજના ત્રણ વીરો, પ્રેમ કુમાર સહગલ, શાહ નવાઝ ખાન અને ગુરબખ્શ સિંઘ ઢિલ્લોં સામે લાલ કિલ્લામાં કેસ ચાલ્યો ત્યારે વકીલ તરીકે બચાવ પક્ષે જોડાનારાઓમાં નહેરુ પણ હતા.

બીજી બાજુ, કોંગ્રેસે જાપાનનો મુકાબલો કરવાનું નક્કી કર્યું હોવા છતાં પૂર્વ એશિયામાં બ્રિટન જાપાનના હાથે માર ખાતું હતું તે સાથે જનતામાં જોશ વધતું જતું હતું અને એનો લાભ ગાંધીજીના આંદોલનને મળતો હતો! એટલે હિંસાને અનિવાર્ય નહીં માનનારા ક્રાન્તિકારીઓ એક બાજુથી ગાંધીજીના નેતૃત્વ હેઠળ વિરાટ જન સમુદાયના સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી પ્ર્રેરણા મેળવતા હતા, તો બીજી બાજુ, એમનાં અદમ્ય સાહસ અને બલિદાનો લોકોને ગાંધીજી પાછળ જવાના ઉત્સાહથી ભરી દેતાં હતાં. સુભાષબાબુનો સંઘર્ષ પણ લોકોને ઉત્સાહથી ભરી દેતો હતો.

પરંતુ સુભાષબાબુએ ‘આઝાદ હિન્દ ફોજ’ બનાવી એ ધારણા સાચી નથી. એ તો સુભાષબાબુ ત્યાં પહોંચ્યા તે પહેલાં પણ હતી જ. આપણે એ જાણવા માટે થોડા પાછળ જવું પડશે.

રાસબિહારી બોઝ

અંગ્રેજ સરકારે પોતાના પાટનગરને કલકત્તાથી દિલ્હી ખસેડ્યું અને વાઇસરૉય લૉર્ડ હાર્ડિંગ દિલ્હી આવ્યો ત્યારે એનું વાજતેગાજતે સ્વાગત થયું પણ એના સરઘસ પર ચાંદની ચોકમાં બોંબ ફેંકાયો. રાસબિહારી બોઝ આ યોજનામાં સામેલ હતા અને પોલીસ એમને પકડી શકે તે પહેલાં ભાગીને જાપાન પહોંચી ગયા હતા. દૂર-પૂર્વમાં વસતા હિન્દુસ્તાનીઓને સંગઠિત કરવાનું કામ એમણે અને એમના બીજા ક્રાન્તિકારી દેશપ્રેમી સાથીઓએ કર્યું હતું.

૧૯૪૨નું નવું વર્ષ શરૂ થયું ત્યારે જાપાનનો ડંકો વાગતો હતો. ૧૫મી ફેબ્રુઆરીએ બ્રિટનનો ગઢ ગણાતા સિંગાપુર પર જાપાનનો ‘ઊગતો સૂરજ’ લહેરાયો અને બ્રિટિશ ફોજ આમતેમ વેરવીખેર થઈને ભાગી છૂટી. બે દિવસ પછી, ૧૭મીએ જાપાનના મેજર ફુજીવારાએ ત્યાં વસતા સિત્તેર હજાર હિન્દુસ્તાનીઓના નેતાઓને મિલિટરી હેડ ક્વાર્ટર્સમાં મળવા બોલાવ્યા. ફુજીવારાએ એમને કહ્યું કે હિન્દુસ્તાનીઓ ‘દુશ્મન’ દેશના નાગરિક છે, પણ જાપાન એમને દુશ્મન નહીં ગણે, કારણ કે હિન્દુસ્તાનીઓ પોતાની મરજીથી બ્રિટનના નાગરિક નથી બન્યા અને બ્રિટનથી સ્વતંત્ર થવા માગે છે. પૂર્વ એશિયાના હિન્દુસ્તાનીઓ સ્વતંત્રતા માટે સંગઠિત થશે તો જાપાન એમને બધી રીતે મદદ કરશે. એણે ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગ બનાવવાનું સૂચન કર્યું. હિન્દુસ્તાની નેતાઓએ એશિયામાં બીજા દેશોમાં વસતા ભારતીયો સાથે ચર્ચા કરવા માટે સમય માગ્યો. ૯મી-૧૦મી માર્ચે બધા ભારતીયો મળ્યા, એમાં સામાન્ય વેપારીઓ અને એમના નોકરો ઉપરાંત હિન્દી લશ્કરી અધિકારીઓ પણ જોડાયા. આ ટાંકણે રાસબિહારી બોઝે એક પરિષદ યોજી. હજી ભારતીયોના મનમાં જાપાનના ઇરાદા અંગે શંકાઓ હતી. દાખલા તરીકે, મલાયામાં જાપાને જીત મેળવી હોવા છતાં ત્યાંથી કોઈ હિન્દુસ્તાની પરિષદમાં સામેલ ન થયા, માત્ર ‘નિરીક્ષકો’ મોકલ્યા. હકીકત એ છે કે આ બધા લશ્કરી કે નાગરિક હિન્દુસ્તાનીઓ બ્રિટનની વિરુદ્ધ તો હતા જ પરંતુ જાપાન પ્રત્યે પણ એમને મમતા નહોતી, માત્ર ભારતની આઝાદી માટે એમને જાપાનની જરૂર હતી અને જાપાને ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગ બનાવવામાં મદદ કરવાની તૈયારી દેખાડી તે પછી થાઈલૅંડમાં લીગની શરૂઆત થઈ.

નવમી માર્ચે સિંગાપુરમાં હિન્દુસ્તાની પ્રતિનિધિઓ ‘ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગ’ના નેજા હેઠળ મળ્યા. એન. રાઘવને પ્રમુખસ્થાન સંભાળ્યું અને એમની વિનંતીથી મેજર ફુજીવારાએ બેઠકનો હેતુ સમજાવ્યો કે ભારતને સ્વતંત્રતા અપાવવાની આ તક છે અને જાપાન એમાં મદદ કરશે. ફુજીવારાના જવા પછી રાઘવને બે મુદ્દા ચર્ચા માટે રાખ્યાઃ એક તો, ભારતની આઝાદી માટે દૂર પૂર્વમાં વસતા ભારતીયો કંઈ કરે તેના માટે આ યોગ્ય સમય છે કે નહીં’ અને બીજું, જો ભારતીયો કંઈક કરવા માગતા હોય તો એ કઈ રીતે કરવું કારણ કે સિંગાપુરમાં ૫૦,૦૦૦ અને મલાયામાં ૬૦,૦૦૦ ભારતીય સૈનિકો હતા એમના માટે વ્યવસ્થા કરવાનું કામ બહુ મોટું હતું.

થાઈલેંડથી ઇંડિયન નૅશનલ કાઉંસિલના સ્વામી સત્યાનંદ પુરી આવ્યા હતા એમણે પોતાની સંસ્થા વિશે માહિતી આપી કે તેઓ મુખ્યત્વે દેશમાં કોંગ્રેસ જે કાર્યક્રમો જાહેર કરે તેના ટેકામાં કામ કરવા માગતા હતા અને બીજો હેતુ સંસ્થાના પ્રમુખપદે ભારતમાંથી જ કોઈ નેતાને પસંદ કરવાનો તેઓ પ્રયત્ન કરતા હતા. પરંતુ જવાહરલાલ નહેરુએ કહી દીધું હતું કે કોઈ સંસ્થા જાપાનમાં રહીને કામ કરવા માગતી હોય તે ભારતના રાજકારણમાં દખલ ન દઈ શકે અને એને દેશદ્રોહી ગણવામાં આવશે. આથી થાઈલેંડની ઇંડિયન નૅશનલ કાઉંસિલને ડર હતો કે એને જાપાનની કઠપુતળી માની લેવાશે. સ્વામીએ ઉમેર્યું કે એમણે બેંગકોકથી સુભાષચન્દ્ર બોઝને તાર મોકલીને પ્રમુખ બનવાની વિનંતી કરી હતી અને બોઝે રેડિયો મારફતે એનો સ્વીકાર કર્યો છે.

અંતે, સૌનો મત હતો કે મહાત્મા ગાંધીએ ના-યુદ્ધ આંદોલન ચલાવ્યું પણ સેનામાં લોકો ભરતી થાય કે એને માલસામાન આપે તેને રોકવાનો આદેશ નહોતો આપ્યો. આથી કોંગ્રેસ નિષ્ક્રિય સંગઠન બની ગઈ હતી. બીજો રસ્તો બળ વાપરવાનો હતો પણ ભારત એના માટે તૈયાર નહોતું. સ્વામી સત્યાનંદે એ પણ કહ્યું કે કોંગ્રેસે પણ ‘અહિંસા’ શબ્દ પોતાની આસ્થાના નિવેદનમાંથી કાઢી નાખ્યો છે. આ બધું જોતાં, હવે જાપાન મદદ આપવા તૈયાર હતું એટલે એના વિશે વિચારવું જોઈએ. બે દિવસની બેઠકમાં જાપાન સરકારના સહકારથી ભારતની સ્વતંત્રતા માટે કામ કરવાનો અને સુભાષ ચંદ્ર બોઝને પ્રમુખ બનાવવાનો નિર્ણય

આઝાદ હિંદ ફોજ

સિંગાપુર પર જાપાને કબ્જો કરી લીધો તેમાં કેદ થયેલા હિન્દુસ્તાની સૈનિકોમાં કૅપ્ટન મોહન સિંઘ પણ હતા. જાપાની કમાંડરે એમને મનાવી લીધા હતા કે હિન્દુસ્તાનીઓ બ્રિટન પ્રત્યે વફાદારીના સોગંદ પડતા મૂકીને સ્વતંત્ર ફોજ બનાવે. તેઓ બ્રિટન સામે લડવા તૈયાર થશે તો જાપાન એમને મદદ કરશે. કેપ્ટન મોહન સિંઘ હિન્દ્દુસ્તાની સૈનિકોમાં આ માટે કામ કરવા સંમત થયા હતા.

૧૭મી માર્ચે ફરી બેઠક મળી તેમાં મેજર ફુજીવારાએ સત્તાવાર હિન્દુસ્તાની સૈનિકોને કૅપ્ટન મોહન સિંઘના તાબામાં સોંપવાની જાહેરાત કરી દીધી. એમણે ‘ઇંડિયન નૅશનલ આર્મી’ (INA) શરૂ કરવા અપીલ કરી. કૅપ્ટન મોહન સિંઘ ભારતીય રાષ્ટ્રીય સેનાના પહેલા કમાંડર બન્યા. પ્રતિનિધિઓએ ૨૮મી માર્ચે રાસ બિહારી બોઝના પ્રમુખપદે ફરી મળવાનું નક્કી કર્યું.

એ વખતે જાપાને બર્મામાં રંગૂન (હવે યંગોન) સર કરી લીધું હતું. આથી બ્રિટન ભારે માનસિક દબાણમાં આવી ગયું હતું. ક્રિપ્સ મિશન યુદ્ધની આ સ્થિતિમાં ભારત આવ્યું હતું, તેની નોંધ લેવી જોઈએ. એ જ દિવસોમાં દૂર પૂર્વમાં હિન્દુસ્તાનીઓ કમર કસતા હતા. સુભાષચંદ્ર બોઝને ૨૮મી માર્ચે ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગના પ્રમુખ બનાવવાના હતા. એ જ ટાંકણે બ્રિટને વિમાની હોનારતમાં સુભાષબાબુના મૃત્યુના સમાચાર પ્રસારિત કર્યા. એ સત્ય કે અફવા?

૦૦૦

સંદર્ભઃ

Netaji Subhash Chandra Bose: His life and work – translated from Gujarati ‘નેતાજી સુભાષ ચંદ્ર બોઝઃ જીવન અને કાર્ય’ લેખકઃ મોહનલાલ મહેતા ‘સોપાન’ પ્રકાશન ૧૯૪૬.

Martyrs of Indian Freedom Struggle – 63 – Quit India (1)

ભારત છોડો (૧)

કોંગ્રેસે હવે મરણિયો જંગ ખેલી લેવાનો નિર્ણય કરી લીધો. સાતમી અને આઠમી ઑગસ્ટે એક મીટિંગમાં સરકારને આખરીનામું આપવાનું નક્કી કરી લીધું અને નવમીથી ‘ભારત છોડો’ આંદોલન શરૂ કરવાની તૈયારી કરી લીધી.

નવમી ઑગસ્ટે ગોવાલિયા ટેંક મેદાનમાંથી ઐતિહાસિક સંગ્રામ શરૂ થાય તે પહેલાં સરકારે ‘ઑલ ઇંડિયા કોંગ્રેસ કમિટી (AICC) અને ‘કોંગ્રેસ વર્કિંગ કમિટી તરીકે ઓળખાતાં સંગઠનો”ને ગેરકાનૂની સંગઠન જાહેર કરી દીધાં. તે ઉપરાંત મુંબઈ અને ગુજરાતની પ્રદેશ કોંગ્રેસ સમિતિઓ, ગુજરાત કોંગ્રેસની સત્યાગ્રહ સમિતિ, મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ અને કર્ણાટકની કોંગ્રેસ સત્યાગ્રહ સમિતિને પણ ગેરકાનૂની જાહેર કરી. એમની મીટિંગો માટે જિલ્લા મેજિસ્ટ્રેટની પરવાનગી લેવાનું ફરજિયાત બનાવાયું. ગોવાલિયા ટેંક મેદાનમાં કોંગ્રેસે ઊભા કરેલા શમિયાણા સહિત કોંગ્રેસ હાઉસ, વિઠ્ઠલ સદન, સરોજિની કુટિર, દાદાભાઈ મંઝિલ, જિન્ના હૉલ વગેરે સ્થળો પર પોલીસે કબજો કરી લીધો.

ગાંધીજી સહિત બધા નેતાઓની આગલી મધરાતે જ ધરપકડ  કરી લેવાઈ અને ટ્રેનમાં બેસાડી દેવાયા. ચિંચવડ સ્ટેશને ગાંધીજી અને બીજા કેટલાકને યરવડા જેલમાં લઈ જવાના હતા તે ઊતર્યા. પોલીસના રિપોર્ટ પ્રમાણે પૂના સ્ટેશને ટ્રેન રોકાવાની નહોતી પણ રહસ્યભરી રીતે ત્યાં સિગ્નલ ન મળતાં ટ્રેન રોકાઈ. એ સાથે જ જવાહરલાલ અને શંકરરાવ દેવ ટ્રેનની બારીઓમાંથી અંદર ઘૂસી ગયા પણ પોલીસના DIGએ એમને અટકાવ્યા. નહેરુ અને દેવ બહુ ગુસ્સામાં હતા અને પોલીસ સાથે થોડી ધક્કામુક્કી પણ થઈ. સરવાળે, ટ્રેન વર્કિંગ કમિટીના બધા સભ્યો સાથે શાંતિથી અહમદનગર પહોંચી ગઈ.

આ બાજુ, સવાર પડતાં જ લોકોમાં કોંગ્રેસ નેતાઓની ધરપકડના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા. લોકો ગોવાલિયા ટેંક મેદાનમાં એકઠા થવા લાગ્યા હતા (પછી એનું નામ બદલીને ઑગસ્ટ ક્રાન્તિ મેદાન રાખવામાં આવ્યું). પરંતુ કોઈ નેતાઓ તો હતા નહીં એટલે કોંગ્રેસના યુવાનોએ આ જવાબદારી સંભાળી લીધી. ઉષાબેન મહેતા એ વખતે ૨૨ વર્ષનાં હતાં; એમણે ત્રિરંગો લહેરાવ્યો. ઠેરઠેર ઉશ્કેરાયેલાં ટોળાંઓ નીકળી પડ્યાં અને સરકારી બિલ્ડિંગો અને રેલવેની સંપત્તિને નુકસાનથી બચાવવા પોલીસને બે દિવસ સુધી તો કેટલાંયે ઠેકાણે લાઠીચાર્જ કરવો પડ્યો. દસમીએ પોલીસના ગોળીબારમાં છ જણ માર્યા ગયા. મદ્રાસ પ્રાંતમાં તેનાલી રેલવે સ્ટેશને ટોળાએ માલસામાનના શેડ લૂંટી લીધા, તાર-ટેલીફોન લાઇનો કાપી નાખી, બે ટ્રેનોને સળગાવી નાખી. લખનઉ, કાનપુર, મુંબઈ, નાગપુર, અમદાવાદ વગેરે ઔદ્યોગિક શહેરોમાં ભારે અશાંતિ હતી. બિહારમાં શાંતિ નહોતી, પટનાના રેલવે સ્ટેશનની ભારે ખાનાખરાબી થઈ. અલ્હાબાદ, બનારસ, કલકત્તા, ઢાકા વગેરે શહેરોમાં ભારે ઊકળાટ હતો. ક્લકત્તા અને ઢાકામાં તો પોલીસે ગોળીબાર પણ કર્યો. સરકારનો આરોપ હતો કે કોંગ્રેસ હવે સીધી રીતે વિદ્યાર્થીઓને ભાંગફોડ માટે ઉશ્કેરે છે. તોડફોડનું નિશાન સંદેશ સેવાઓ અને ટ્રેન સેવાઓ હતી.

૧૪મી ઑગસ્ટે ઉષાબેન અને એમના સાથીઓ વિઠ્ઠલભાઈ ઝવેરી. ચંદ્રકાન્ત ઝવેરી,અને બાબુભાઈ ઠક્કરે એક રેડિયો સ્ટેશન શરૂ કર્યું. શિકાગો રેડિયોના માલિક નાનકા મોટવાણીએ એના માટે ઉપકરણો આપ્યાં અને પોતાના ટેકનિશિયનોને રેડિયો સ્ટેશન ચલાવવાની જવાબદારી સોંપી. ૨૭મી ઑગસ્ટે ઉષાબેનના અવાજમાં કોંગ્રેસ રેડિયોનાં પ્રસારણો શરૂ થયાં. કોંગ્રેસના નેતાઓ રામ મનોહર લોહિયા, અચ્યુત પટવર્ધન, પુરુષોત્તમ ત્રિકમદાસ વગેરે પણ એમને મદદ કરતા. પોલીસથી બચવા રેડિયો સ્ટેશનને એક જગ્યાએથી બીજે લઈ જવું પડતું. અંતે નવેમ્બરમાં પોલીસે આ સ્ટેશન પકડી પાડ્યું. ઉષાબેન અને એમના સાથીઓને ચાર વર્ષની કેદની સજા થઈ.

વાઇસરૉય લિન્લિથગો દરરોજ હિંદ માટેના બ્રિટિશ પ્રધાન લૉર્ડ ઍમરીને રિપોર્ટ મોકલતો તેમાં બધે ઠેકાણે સ્થિતિ કાબૂમાં હોવાનું લખતો પણ તે સાથે નવાં સ્થળોએ તોફાન ફાટી નીકળવાના સમાચાર પણ આપવા પડતા હતા. પાંચમી સપ્ટેમ્બરના એના રિપોર્ટમાં માહિતી આપી છે કે આખા દેશમાં ૬૫ પોલીસ ચોકીઓ પર ભીડે હુમલા કર્યા તેમાં ૪૦ ચોકીઓ સદંતર નાશ પામી, ૩૪૦ના જાન ગયા અને ૬૦૦ ઘાયલ થયા.અને હજી આંદોલનને એક મહિનો પણ પૂરો નહોતો થયો. આ ઘટનાઓમાં ૨૮ પોલીસ કર્મચારીઓ પણ માર્યા ગયા.

સરકારે વિદ્રોહને દબાવી દેવા માટે ૫૭ લશ્કરી બટાલિયનો ઉતારી. જનતાને નાથવાની કોશિશમાં ૧૧ સૈનિકો અને બે હવાઈદળના કર્મચારીઓનાં મોત થયાં. ૨૮મી સપ્ટેમ્બરે ઓરિસ્સાના બાલાસોર જિલ્લાના એક ગામે પોલીસે ગોળીબાર કર્યો તેમાં ૨૯ જણ શહીદ થયા.

ઑક્ટોબરના અંતમાં વાયવ્ય સરહદ પ્રાંતમાં તોફાનો ફાટી નીકળ્યાં અને ખાન અબ્દુલ ગફ્ફાર ખાનને કેદ કરી લેવાયા. ફેબ્રુઆરી ૧૯૪૩ સુધીમાં ૪૦,૦૦૦ વ્યક્તિઓ જુદા જુદા કાયદા હેઠળ જેલોમાં હતી અને ૧૫૭ બોંબ કેસો પણ પકડાયા. સરકારી રિપોર્ટ પ્રમાણે કોંગ્રેસ પ્રેરિત તોફાનોમાં મુસ્લિમ વિદ્યાર્થીઓ કે મુસ્લિમ નેતાઓ નહોતા જોડાયા. પરંતુ હિન્દુ-મુસ્લિમ રમખાણ ન થયાં. મુસ્લિમ લીગે મુસલમાનોને આ આંદોલનથી દૂર રહેવા અપીલ કરી હતી. કમ્યુનિસ્ટો પણ આંદોલનમાં કોંગ્રેસ સાથે નહોતા અને એમણે મુંબઈમાં મિલો ફરી ચાલુ થાય તેમાં સરકારને મદદ કરી.

એક ગુપ્ત AICCની ઑફિસ પણ શરૂ થઈ, એણે ‘કરો યા મરો’ના ગાંધીજીના સ્લોગન સાથે ૧૨ મુદ્દાનો કાર્યક્ર્મ લોકોને આપ્યો. કોંગ્રેસનું લક્ષ્ય વહીવટીતંત્રને સંપૂર્ણ ખોરવી નાખવાનું હતું એટલે વિદ્યાર્થીઓ, વેપારીઓ, ખેડૂતો, મજૂરો, એમ બધા વર્ગો માટે ભૂગર્ભ AICCએ જુદી જુદી અપીલો બહાર પાડી.

જયપ્રકાશ નારાયણ

૧૯૪૨ની નવમી નવેમ્બરની રાતે લોકો દિવાળી ઉજવવામાં મગ્ન હતા ત્યારે બિહાર (હવે ઝારખંડ)ના હઝારીબાગની સેંટ્રલ જેલની દીવાલ કૂદીને જયપ્રકાશ નારાયણ ભાગી છૂટ્યા. ત્યાંથી એ વારાણસી થઈને યુરોપિયન વેશમાં મુંબઈ પહોંચ્યા અને ભૂગર્ભમાં રહીને ઑગસ્ટ ક્રાન્તિનું સંચાલન કરનારા કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોને મળ્યા. જે. પી. સમાજવાદી હતા અને ગાંધીજીના અત્યંત પ્રિય સાથીઓમાં હતા પણ અહિંસાની બાબતમાં એમના ગાંધીજી સાથે મતભેદ હતા. જે. પી. માનતા કે સામાજિક પરિવર્તન માટે મર્યાદિત હિંસા જરૂરી બની જતી હોય છે. એમણે “દેશમાં કોઈક સ્થળેથી” કેટલાંય નિવેદનો બહાર પાડ્યાં અને યુક્ત પ્રાંતમાં છૂપા વેશે ફરીને ‘ભારત છોડો’ આંદોલનને ફેલાવ્યું. સરકારે એમને પકડવા માટે પાંચ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું પણ જે. પી. વિશે બાતમી આપવા કોઈ આગળ ન આવતાં સરકારે ઇનામની રકમ દસ હજાર રૂપિયા કરી દીધી.

તે પછી એમણે બિહાર અને નેપાલની સરહદે ‘ફ્રીડમ બ્રિગેડ’ની રચના કરી પણ નેપાલી સત્તાએ એમને અને રામ મનોહર લોહિયાને ભીંસમાં લીધા. સામસામે ગોળીઓની રમઝટ ચાલી પણ જે. પી. અને લોહિયા ફરી એક વાર પોલીસને હાથતાળી દઈને ભાગી છૂટ્યા.

જનતા સરકારો

યુક્ત પ્રાંતમાં બલિયા, ગઢવાલ, બિહારમાં મૂંગેર, મધ્ય પ્રાંતમાં નાગપુર અને મુંબઈ પ્રાંતમાં સાતારામાં જનતા સરકારો બની પણ સરકારે સશસ્ત્ર પોલીસ દળો મોકલીને એમને ધ્વસ્ત કરી નાખી. એક માત્ર બંગાળના મિદનાપુર જિલ્લાની જનતા સરકાર માથાના દુખાવા જેવી નીવડી. લાખો લોકો એના સમર્થનમાં અડગ હતા એટલે સરકાર આર્મી કે પોલીસનો બહુ ઉપયોગ કરે તો એને પોતાને જ નુકસાન થાય તેમ હતું. જાપાન આ વિસ્તારમાં ત્રાટકશે એવી બીકમાં સરકારે ૧૯૪૨ના ઍપ્રિલથી જ ત્યાં દમનકારી પગલાં લેવાનું શરૂ કર્યું હતું. લોકોની સાઇકલો સહિત ઘરવખરી પણ જપ્ત કરી લેવાઈ હતી, ચોખાની આખી ઊપજની જિલ્લાની બહાર નિકાસ થઈ જતી હતી. લોકોના હાથમાં પૈસા નહોતા અને તેમ છતાં ભાવો ચડતા જતા હતા એટલે લોકોમાં સરકાર સામે ભારે રોષ હતો જ. ઑગસ્ટ ક્રાન્તિ શરૂ થયાના એક મહિના પછી આઠમી સપ્ટેમ્બરે એક વેપારી ચોખાની નિકાસ કરવાની કોશિશ કરતો હતો ત્યારે એને રોકવા બે હજારની ભીડ ત્યાં એકઠી થઈ ગઈ. પોલીસે એને વીખેરવા ગોળીબાર કરતાં ત્રણ ગામવાસીઓ માર્યા ગયા. તે પછી પોલીસે છ ગામોમાં ઝડતી લીધી અને ૨૦૦ જણને પકડી લીધા.

બીજી બાજુ બંગાળ સરકારે જાપાની આક્રમણનો મુકાબલો કરવા સ્થાનિક લોકોમાંથી પાંચ હજારને પસંદ કરીને ‘વિદ્યુત વાહિની’ બનાવી હતી; હવે એના સભ્યો બ્રિટિશ સરકાર સામેની લડતમાં જોડાયા. એમણે અસંખ્ય પોલીસ ચોકીઓને બાળી નાખી, કેટલાયે સરકારી નોકરોને કેદ કરી લીધા અને એમની પાસેથી બ્રિટિશ સરકાર માટે કામ ન કરવાનાં વચનો લીધાં, તે પછી એમને ઘર સુધીની રેલવેની મુસાફરીનાં ભાડાં આપીને છોડ્યા.

૨૯મી સપ્ટેમ્બરે પોલીસે ગોળીબાર કરીને એક ભીડને સરઘસાકારે મિદનાપુર શહેર ભણી જતાં રોકી દીધી. એ જ દિવસે વિદ્યુત વાહિનીના વોલંટિયરો પચાસ હજારના સરઘસની આગેવાની લઈને સૂતાહાટા પોલિસ ચોકી પર ત્રાટક્યા.

૧૭મી ડિસેમ્બરે તામ્રલિપ્તમાં રાષ્ટ્રીય સરકારની રચના કરવામાં આવી. સતીશચંદ્ર સામંત એના પહેલા ‘સરમુખત્યાર’ બન્યા. તે પછીની ૨૬મી જાન્યુઆરીએ – કોંગ્રેસના સંકલ્પ દિને – સૂતાહાટા, નંદીગ્રામ, તામલૂક અને મહીષાદલમાં પણ રાષ્ટ્રીય સરકારો બની. તામ્રલિપ્ત સરકારે ડાકુઓ, ચોરો, દુકાળ, ચેપી રોગો, મુલ્કી અને ફોજદારી કેસો, નિશાળો, સૈનિકો, પોલીસ વગેરે અનેક વિષયો માટે ખાસ ખાતાં શરૂ કર્યાં. આ સરકાર બે વર્ષ સુધી કામ કરતી રહી. ત્યાં બ્રિટિશ હકુમતનું નામનિશાન પણ નહોતું રહ્યું.

પરંતુ ૧૯૪૨ના ઑક્ટોબરમાં મિદનાપુર જિલ્લો ભયંકર વાવાઝોડાનો શિકાર બન્યો. આનો લાભ લઈને બ્રિટિશ સરકારે ત્યાં મોટી સંખ્યામાં પોલિસો મોકલ્યા. તે પછી ત્યાં દિવસે પોલિસ રાજ અને રાતે સ્વરાજ જેવી સ્થિતિ રહી.

‘ભારત છોડો’ આંદોલનના શરૂઆતના દિવસોમાં જ સરકાર હાંફી ગઈ હતી. નેતાઓને પકડી લેવાથી જનતા દબાઈ નહીં અને ગાંધીજીએ આદેશ આપ્યો હતો તેમ પહેલાંના સત્યાગ્રહથી અલગ પ્રકારનું આંદોલન બની ગયું હતું.

Martyrs of Indian Freedom Struggle – 62 – Non-vilolent Khudai Khitamgars of Badshah Khan

બાદશાહ ખાનના અહિંસક પઠાણો

Chandra Singh Garhwali ગાંધીજીના અહિંસક સવિનય કાનૂન ભંગનો જ્વલંત દાખલો તો હિન્દુસ્તાનને છેડે ઉત્તર-પશ્ચિમ છેડે આવેલા પેશાવરમાં મળ્યો. પઠાણો એટલે કે પખ્તૂનોનો આ પ્રાંત. હિન્દુસ્તાનના કોઈ પણ ભાગ કરતાં – બીજા મુસલમાનો કરતાં પણ – પઠાણોના નીતિનિયમો જુદા. પઠાણોમાં કબીલાઓ વચ્ચેનો ઝઘડો પેઢીઓ સુધી ચાલે. પઠાણ મિત્ર માટે બધું હોમી દેવા તૈયાર થાય પણ બદલો લેવાની વાત આવે ત્યારે એનું વેર કદીયે શમે નહીં. એમના નીતિ નિયમો એટલે ‘પખ્તૂનવાલી’. એમાં હિંસા તો બહુ સામાન્ય વાત. આ હિંસક કોમને અહિંસક બનાવીને રાષ્ટ્રજીવનમાં જોડીને તદ્દન જુદી – અહિંસાની – દિશામાં લઈ જનારા ખાન અબ્દુલ ગફ્ફાર ખાન ઉર્ફે બાદશાહ ખાન (પખ્તૂન નામ બાચા ખાન) અને એમની સંસ્થા ખુદાઈ ખિદમતગાર. બાદશાહ ખાને એમના માટે લાલ ખમીસનો યુનિફૉર્મ પસંદ કર્યો હતો એટલે ખુદાઈ ખિદમતગારોને ‘લાલ ખમીસ દળ’ તરીકે પણ ઓળખવામાં આવતા. ગાંધીજીના સવિનય કાનૂન ભંગના આંદોલનમાં એમનો ફાળો અનોખો રહ્યો.

બાદશાહ ખાન

બાદશાહ ખાનના પરિવારને પેઢીઓથી સત્તા સાથે વેર રહ્યું હતું. એમના પરદાદાને અફઘાનિસ્તાનના શાસક દુર્રાનીએ ફાંસીએ લટકાવી દીધા હતા. તે પછી અંગ્રેજોએ દુર્રાની પર વિજય મેળવીને પોતાની આણ સ્થાપી ત્યારે બાદશાહ ખાનના દાદા અન્યાયની સામે લડતા. પિતા પણ આધુનિક વિચારોના હતા અને બાળકોને શિક્ષણ આપવાના હિમાયતી હતા. આનો લાભ બાદશાહ ખાનના મોટા ભાઈ, ડૉ. ખાન સાહેબ (ખાન અબ્દુલ જબ્બાર ખાન)ને મળ્યો. (ડૉ. ખાન સાહેબ ૧૯૩૭ અને ૧૯૪૬માં કોંગ્રેસની સાથે રહીને નૉર્થ વેસ્ટ ફ્રંટિયરના પ્રીમિયર બન્યા).

બાદશાહ ખાન દિલ્હી, કલકતા, લખનઉ વગેરે સ્થળોની મુલાકાત લઈને બહુ પ્રભાવિત થયા. એમણે પાછા જઈને પખ્તૂનોને એમના રૂઢિગત પછાત સંસ્કારો છોડીને રાષ્ટ્રજીવનમાં આવવા સમજાવ્યા અને ખુદાઈ ખિદમતગાર સંગઠનની સ્થાપના કરી. એમાં એમણે શિક્ષણ ઉપરાંત રાજકીય અન્યાયો સામે લડવા પર ભાર મૂક્યો. લાહોરમાં કોંગ્રેસના અધિવેશન વખતે એ ગાંધીજીના ગાઢ સંપર્કમાં આવ્યા. લાહોરમાં જ કોંગ્રેસે પૂર્ણ સ્વતંત્રતાનો ઠરાવ પસાર કર્યો.

 પેશાવરમાં અહિંસક પઠાણો પર ગોળીબાર

ગાંધીજીએ ૬ઠ્ઠી ઍપ્રિલે દાંડીમાં મીઠાના કાયદાનો ભંગ કર્યો તે પછી આખા દેશમાં અંગ્રેજ હકુમત સામે વિરોધનો જુવાળ ઊઠ્યો હતો. ૨૩મી ઍપ્રિલે બાદશાહ ખાને ઉસ્માનઝાઈમાં જાહેર સભાને સંબોધન કર્યું અને લોકોને અંગ્રેજી રાજની સામે લડવા માટે ખુદાઈ ખિદમતગારમાં સામેલ થવાનું એલાન કર્યું. તે પછી અસંખ્ય લોકોએ અંગ્રેજી રાજને હટાવવાની પ્રતિજ્ઞા લીધી. સભા પછી એ પેશાવર જતા હતા ત્યારે રસ્તામાં જ પોલીસે એમની ધરપકડ કરી લીધી.

આ સમાચાર મળતાં કિસ્સા ખ્વાની બજારમાં મોટું ટોળું એકઠું થઈ ગયું. લોકોમાં આવેશ બહુ હતો પણ અહિંસાની પ્રતિજ્ઞા લીધી હોવાથી કોઈ પાસે હથિયાર નહોતાં. બાદશાહ ખાન પોતાની આત્મકથામાં લખે છે કે બ્રિટિશ સેનાએ કેપ્ટન રૅકિટની આગેવાની હેઠળ ગઢવાલી રેજિમેન્ટના સૈનિકોની એક ટુકડી મોકલી. એમની સાથે બખ્તરબંધ ગાડીઓ પણ હતી. સૈનિકો આવ્યા ત્યારે હિન્દુઓ, શીખો અને મુસલમાનોએ ખભે ખભા મિલાવીને માનવ દીવાલ બનાવી દીધી. પરંતુ અંગ્રેજી ફોજે પોતાની રણગાડીઓ સીધી જ માનવ દીવાલ પર હંકારી દીધી. આમાં કેટલાય ચગદાઈ મર્યા. ઓચિંતા જ એક જુવાનિયાએ એક રણગાડીને આગ લગાડી દીધી. એ આગ ચારે રણગાડીઓને ભરખી ગઈ. પછી સૈનિકોએ ચારે બાજુએ આંધળો ગોળીબાર કર્યો. કેટલીયે લાશો ઢળી. ઘણાયે પઠાણોએ તેમ છતાં મચક ન આપી. મુખમાં અલ્લાહનું નામ અને બગલમાં કુરાન દબાવીને મોતને ભેટ્યા.

ફરી મે મહિનાની ૩૧મીએ પોલીસે નિર્દોષો પર ગોળીબાર કર્યો અને એક શીખ સરદાર ગંગા સિંઘનાં બે બાળકોને મારી નાખ્યાં. એમની પત્નીને પણ ગોળી વાગી. બાદશાહ ખાન અને બીજા નેતાઓ જેલમાં હતા ત્યારે પઠાણો પર અત્યાચારો ચાલુ રહ્યા. એમનો ચૌદ વર્ષનો પુત્ર વલી ખાન સ્કૂલમાંથી છૂટીને ખુદાઈ ખિદમતગારની ઑફિસે જતો હતો પણ અંગ્રેજોએ ઑફિસનો કબજો કરી લીધો હતો. એક સૈનિકે વલી ખાનને જોઈને એને બેયોનેટથી વીંધી નાખવા નિશાન લીધું ત્યારે એક મુસલમાન સિપાઈએ વચ્ચે હાથ દઈને એને બચાવી લીધો. (વલી ખાન પછી પાકિસ્તાનની એસેંબ્લીમાં ચુંટાયા અને છેવટ સુધી પખ્તૂનોના અધિકારો માતે લડતા રહ્યા.

કિસ્સા ખ્વાની બજારની જેમ બીજો હત્યાકાંડ ટકર શહેરમાં થયો. ખુદાઈ ખિદમતગારની ઑફિસો બાળી નાખવાનું તો સામાન્ય બની ગયું હતું.

આના પછી બાદશાહ ખાન રીતસર કોંગ્રેસમાં જોડાયા. સ્થાનિક અંગ્રેજ સત્તાવાળાઓએ એમને રોકવા માટે ઘણાંય વચનો આપ્યાં પણ એમણે પાકો નિશ્ચય કરી લીધો હતો.

કોંગ્રેસની તપાસ સમિતિ

ખુદાઈ ખિદમતગાર હવે કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા એટલે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ મોતીલાલ નહેરુએ કિસ્સા ખ્વાની બજારના ગોળીબારની તપાસ માટે વિઠ્ઠલભાઈ પટેલના પ્રમુખપદે તપાસ સમિતિ બનાવી. સમિતિ ત્યાં ગઈ, પણ ઍટૉક બ્રિજ પર પોલીસે એમને રોકી લીધા. તે પછી વિઠ્ઠલભાઈ અને એમના સાથીઓ ત્યાંથી રાવલપીંડી ગયા અને કેટલાય દિવસ રહીને લોકોને મળ્યા અને એમની જુબાનીઓ નોંધી. સમિતિ સમક્ષ ૩૭ મુસ્લિમ અને ૩૩ હિન્દુ સાક્ષીઓ ઉપસ્થિત થયા અને સરકારના દાવાઓને ખોટા પાડ્યા. આમાંથી એક રામચંદ હતો એ ચાલી, બેસી કે ઊઠી શક્તો નહોતો. એના પરથી અંગેજ સૈનિકોએ બખ્તરબંધ ગાડી ચલાવી દીધી હતી અને તે પછી ગોળીબાર થયો તેમાં એને ચાર ગોળીઓ વાગી હતી. સદ્‍ભાગ્યે એ જીવતો રહી ગયો. સમિતિ સમક્ષ એની જુબાની બહુ અગત્યની  રહી. એક સાક્ષીએ કહ્યું કે અહીં નિવેદન આપ્યા પછી એને જેલમાં મોકલી દેવાશે કારણ કે એના ગામમાં સત્તાવાળાઓએ જાહેરાત કરી હતી કે જે કોઈ કોંગ્રેસની સમિતિ સમક્ષ જુબાની આપવા રાવલપીંડી જશે તેને અપરાધી માની લેવાશે. બીજા એક સાક્ષીએ કહ્યું કે એ સરકારી સમિતિ સમક્ષ નિવેદન નોંધાવવા નહોતો ગયો કારણ કે એ સરકારી સમિતિ પર વિશ્વાસ રાખવા તૈયાર નહોતો. એણે કહ્યું કે કોંગ્રેસની સમિતિ સમક્ષ આવવાને કારણે એને ગોળીએ દઈ દેવાશે તો પણ પરવા નથી.

રિપોર્ટે અંગ્રેજ સરકારના અત્યાચારને છતો કરી દીધો. સરકારે રિપોર્ટ પ્રકાશિત ન થાય તેના માટે એના પર પ્રતિબંધ મૂકી દીધો પણ એની કેટલીયે નકલો અમેરિકા અને ઇંગ્લૅંડ પહોંચી ગઈ હતી એટલે લોકો સમક્ષ સત્ય પ્રગટ થઈ ગયું.

કિસ્સા ખ્વાની બજારનો હત્યાકાંડ અગિયાર વર્ષ પહેલાના જલિયાંવાલા બાગ હત્યાકાંડની નવી આવૃત્તિ જેવો હતો. અને અહિંસક સત્યાગ્રહના ઇતિહાસનું કે લોકોના બલિદાનનું જ્વલંત ઉદાહરણ છે.

ખુદાઈ ખિદમતગાર અને કોંગ્રેસ સાથે મળીને ઉત્તર-પશ્ચિમ પ્રાંતમાં છેક ૧૯૪૭ સુધી સંઘર્ષ ચલાવતાં રહ્યાં. પરંતુ બાદશાહ ખાન પાકિસ્તાનમાં જોડાવા નહોતા માગતા. એમની લોકમત લેવાની માગણી પર કોંગ્રેસે કંઈ ધ્યાન ન આપ્યું. એ અંતે બહુ દુઃખી હતા અને એમણે ગાંધીજીને કહ્યું કે તમે અમને ભૂખ્યા વરૂઓ સામે ફેંકી દીધા છે.

ભારતની આઝાદીના સંઘર્ષમાં બાદશાહ ખાનની ભૂમિકા કદી ભૂલી શકાય તેમ નથી.

ગઢવાલી સૈનિકોનો દેશપ્રેમ

કિસ્સા ખ્વાની બજારમાં ગઢવાલી સૈનિકોએ ગોળીઓ ચલાવવાની ના પાડી. બાદશાહ ખાન પોતાની આત્મકથામાં તેનો ખાસ ઉલ્લેખ કરીને એમની દેશભક્તિને દાદ આપે છે. આ મહાન ઘટના પર નજર નાખીએઃ

કેપ્ટન રેકિટે પહેલાં તો ગઢવાલી ટુકડીના નેતા ચંદ્ર સિંઘ ભંડારી (ગઢવાલી) ને ફાયરિંગ શરૂ કરવાનો હુકમ આપ્યો પણ એમણે શસ્ત્રવિરામનો હુકમ આપ્યો. બધા ગઢવાલી સૈનિકોએ બંદુકો નીચી કરી દીધી. એમને કૅપ્ટન રૅકિટને કહી દીધું કે અમે નિઃશસ્ત્ર લોકો પર ગોળી નહીં ચલાવીએ. એટલે જે ખૂના મરકી થઈ તે અંગ્રેજ સૈનિકોને હાથે જ થઈ. તરત જ ચંદ્ર સિંઘ અને એમની ટુકડીનાં હથિયારો લઈ લેવાયાં અને બધાને નજરકેદ રખાયા. એમના પર રાજદ્રોહનો કેસ ચાલ્યો અને કોઈ કારણે મોતની સજાને બદલે જનમટીપની સજા અપાઈ. એમના બીજા ૧૬ સાથીઓને પણ લાંબી સજાઓ થઈ. ૩૯ જણને નોકરીમાંથી કાઢી મુકાયા.

ચંદ્ર સિંઘને ઍબટાબાદ, ડેરા ઇસ્માઈલ ખાન, બરૈલી, નૈનીતાલ, લખનઉ, અલ્મોડા અને ધેરાદૂનની જેલોમાં રાખવામાં આવ્યા અને ૧૧ વર્ષ પછી એ છૂટ્યા. બધી જેલોમાં એમણે ઘણા અત્યાચારો સહ્યા. એ બેડીઓને મર્દોનું ઘરેણું કહેતા.

જેલોમાં એમને ઘણા દેશભક્તોને મળવાની તક મળી. લખનઉ જેલમાં સુભાષબાબુને મળ્યા. જેલમાંથી છૂટ્યા પછી એ થોડો વખત અલ્હાબાદમાં નહેરુને ઘરે આનંદ ભવનમાં રહ્યા અને પછી ગાંધીજીના વર્ધા આશ્રમમાં રહેવા ચાલ્યા ગયા. ક્વિટ ઇંડિયા ચળવળ વખતે એમને સાત વર્ષની સજા થઈ. જેલમાં એ કમ્યુનિસ્ટોના સંપર્કમાં આવ્યા અને આજીવન કમ્યુનિસ્ટ રહ્યા. ૧૯૫૨માં એ વિધાનસભાની ચૂંટણી લડ્યા પણ હારી ગયા.

પઠાણોએ એમનું ઋણ હંમેશાં યાદ રાખ્યું. દેશના ભાગલા થયા ત્યારે એમના પિતા ક્વેટા (કોયટા)માં રહેતા હતા. પરંતુ તેઓ ચંદ્રસિંહનાં માતાપિતા છે તે જાણીને એક પઠાણ એમને ભારતની સરહદ સુધી સહીસલામત પહોંચાડી ગયો.

૦૦૦

સંદર્ભઃ

૧.My Life and Struggle (Autobiography) Khan Abdul Ghaffar Khan

૨. http://www.merapahadforum.com/personalities-of-uttarakhand/chandra-singh-garhwali-”/

૩. Peshawar Inquiry Report.

Martyrs of Indian Freedom Struggle – 61 – The Salt Satyagragha and Its Nation-wide Ramifications – 4

મીઠાનો સત્યાગ્રહ અને એની દેશવ્યાપી અસરો (૪)

ગાંધીજીને માત્ર સમુદ્રમાં મીઠું પકવવાથી સંતોષ નહોતો. ખાસ કરીને સરકારે એવો દાવો કર્યો કે સત્યાગ્રહ અસરકારક નહોતો રહ્યો અને મોટી ભીડ તો એમને જોવા માટે સમુદ્રકાંઠે એકઠી થઈ હતી.  આથી એમણે હવે બીજો દાવ ખેલવાનું નક્કી કર્યું. ધરાસણામાં મીઠું બનાવવાનું કારખાનું હતું. એમણે આ કારખાનું બંધ કરાવવા માટે સત્યાગ્રહ કરવાનું એલાન કર્યું! ગાંધીજી સરકારને જલદ પગલાં લેવાની ફરજ પાડતા હતા!

દાંડીના દરિયેથી મીઠું ઉપાડ્યા પછી ચાર અઠવાડિયે એમણે વાઇસરૉયને પત્ર લખીને ધરાસણાના મીઠાના કારખાના પર ‘દરોડો’ પાડવાનો પોતાનો નિર્ણય જણાવ્યો. તે પછી તરત એમની ધરપકડ કરી લેવાઈ. નહેરુ, સરદાર પટેલ વગેરે બીજા નેતાઓને પણ પકડી લેવાયા.

પરંતુ ધરાસણાના કારખાના પર હલ્લો બોલવાની યોજના ચાલુ રહી. ગાંધીજીએ ૭૬ વર્ષના વયોવૃદ્ધ અબ્બાસ તૈયબજીને એની નેતાગીરી સોંપી અને એમની સાથે કસ્તૂરબાને ગોઠવ્યાં. પણ બન્ને ધરાસણા પહોંચે તે પહેલાં જ એમની ધરપકડ કરી લેવાઈ અને ત્રણ-ત્રણ મહિનાની સજા આપવામાં આવી.

એમના પછી સરોજિની નાયડુ અને મૌલાના અબૂલ કલામ આઝાદ પર સત્યાગ્રહીઓને દોરવણી આપવાની જવાબદારી આવી. બધી તૈયારી થઈ ગઈ હતી. માર પડવાની જ હતી પણ સામે હાથ ઉગામવાનો નહોતો. એટલે મોટી સંખ્યામાં સત્યાગ્રહીઓ ઘાયલ થવાના હતા. આથી ડૉક્ટરી સારવારની વ્યવસ્થા પણ કરી લેવાઈ. સ્ટ્રેચરો, ખાટલા વગેરે પણ મંગાવી લેવાયાં.

પહેલા દિવસે તો સત્યાગ્રહીઓ કારખાના તરફ ગયા. પોલીસે એમને ધકેલી દીધા કે પકડી લીધા. તે પછી બધા એ જ જગ્યાએ ૨૮ કલાક બેઠા રહ્યા. હવે એમણે વ્યૂહ બદલ્યો અને અગરોની આસપાસ કાંટાળા તારની વાડો બનાવી હતી તે તોડવાનું શરૂ કર્યું, તે સાથે જ સિપાઈઓ એમના પર તૂટી પડ્યા.  કોઈનાં માથાંફૂટ્યાં તો કોઈના પગ. લોહી એટલું વહ્યું કે સ્ટ્રેચરો ઓછાં પડ્યાં.

અમેરિકન પત્રકાર વેબ મિલર આ ઘટનાનો સાક્ષી હતો. એણે રિપોર્ટ મોકલ્યા તે પહેલા દિવસે તો પ્રગટ ન થયા, કારણ કે બ્રિટિશ સરકારે સેન્સરશિપ લાગુ કરી દીધી હતી. મિલરે સેન્સરશિપ હોવાનું જાહેર કરી દેવાની ધમકી આપી તે પછી એમનો પહેલો રિપોર્ટ છપાયો. તે સાથે જ દુનિયામાં ૧૩૫૦ છાપાંઓમાં આ સમાચાર ચમક્યા અને દુનિયામાં અરેરાટી  ફેલાઈ ગઈ. નિર્દોષ, અહિંસક સત્યાગ્રહીઓ પર હુમલાની ઠેકઠેકાણે ભારે ટીકા થવા લાગી. મિલરે રિપોર્ટ આપ્યો કે,

“હું જ્યાં ઊભો હતો ત્યાં મને સત્યાગ્રહીની ખોપરી પર લોખંડ ચડાવેલી લાઠીનો પ્રહાર સંભળાતો હતો. મને ઊબકા આવવા લાગ્યા. જોનારાના મોઢામાંથી આહ અને ઓહ નીકળી જતાં હતાં પણ એક પણ સત્યાગ્રહીએ સામે હાથ ન ઉગામ્યો. ઘાયલોને લેવા માટેનાં સ્ટ્રેચરો ઓછાં પડ્યાં એટલે  સ્વયંસેવકો એમને કામળામાં ઊંચકીને લઈ જવા લાગ્યા. કામળા પણ લોહી નીતરતા હતા. ત્યાંથી એમને  પ્રાથમિક સારવાર પછી હૉસ્પિટલ લઈ જવાતા હતા. હૉસ્પિટલમાં મેં ઘાયલોની સંખ્યા ગણી. ૩૨૦ ઘાયલ થયા હતા.  કેટલાયને પોલીસે ગુપ્તાંગો પર લાતો મારી હતી. એ પીડાથી કણસતા હતા. બે સત્યાગ્રહીઓનાં ત્યાં જ મૃત્યુ થયાં.”

સરદાર વલ્લભભાઈનાં માતા

મીઠાના સત્યાગ્રહનું કેન્દ્રસ્થાન દાંડી રહ્યું, પરંતુ ગુજરાતમાં બીજાં આંદોલનો પણ થવા લાગ્યાં. ખાસ કરીને સૂરતનો બારડોલી જિલ્લો અને ભરૂચનો જંબુસર જિલ્લો મોખરે રહ્યાં. બારડોલીમાં ગામડાંમાં ખેડૂતોએ જમીન મહેસૂલ ન આપવાનું આંદોલન ચલાવ્યું. પોલીસના અત્યાચારનો સપાટો સરદાર વલ્લભભાઈનાં એંસી વર્ષનાં માતાને પણ લાગ્યો. એ રાંધતાં હતાં ત્યારે સિપાઈઓ એમના રસોડામાં ઘૂસી ગયા અને બધું ઢોળી નાખ્યું, માટીનાં વાસણો ફોડી નાખ્યાં અને જે કંઈ વાસણો મળ્યાં તેમાં કેરોસીન ભરી દીધું. સરદાર એ વખતે હજી જેલમાં જ હતા.

ધોલેરા સત્યાગ્રહ

૬ એપ્રિલ, ૧૯૩૦ના રોજ અમૃતલાલ શેઠના નેતૃત્વ હેઠળ ૨૧ સત્યાગ્રહીઓની ટુકડી સમુદ્રની ખાડી પાસે પહોંચી અને ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ની ઘોષણા સહિત, પોલીસોની હાજરીમાં મીઠું ઉપાડી કાયદાભંગ કર્યો. બધા સત્યાગ્રહીઓની ધરપકડ કરી, તેમની પાસેથી બળજબરીથી મીઠું પડાવી લીધું. તેમને થોડો સમય કસ્ટમ હાઉસમાં બેસાડી રાખી, છોડી દેવામાં આવ્યા. અમૃતલાલ શેઠ પર કેસ ચલાવી અઢી વર્ષની સજા કરવામાં આવી. બળવંતરાય મહેતાની સરદારી હેઠળ મોટી સંખ્યામાં સત્યાગ્રહીઓની ટુકડી ૧૩ એપ્રિલની સવારે નીકળી. તેણે મીઠું ઉપાડી કાયદાભંગ કર્યો. બળવંતરાયની ધરપકડ કરી, ધંધૂકામાં કેસ ચલાવી બે વર્ષની સજા કરવામાં આવી. આશરે દોઢ મહિનાની સક્રિય લડતમાં મણિશંકર ત્રિવેદી, દેવીબહેન પટ્ટણી, ભીમજીભાઈ સુશીલ, વજુભાઈ શાહ, મોહનલાલ મહેતા (સોપાન) જેવા અગ્રણીઓને જેલમાં મોકલવા છતાં લડતનો જુસ્સો ચાલુ રહેવાથી પોલીસે ધોલેરા, ધંધૂકા, બરવાળા અને રાણપુરની સત્યાગ્રહની છાવણીઓ પર છાપા મારી, છાવણીઓ કબજે કરવાથી ધોલેરાના સ્મશાનમાં છાવણી શરૂ કરી. કુલ આઠ મહિના સુધી સત્યાગ્રહ ચાલુ રાખવામાં આવ્યો. આ દરમિયાન સત્યાગ્રહીઓ ઉપર પોલીસોએ અમાનવીય અત્યાચારો ગુજાર્યા.

૧૯૩૦ના ગુજરાતના શહીદો

સવિનય કાનૂન ભંગનું આંદોલન તે પછી પણ ચાલતું રહ્યું. આખા દેશમાં પોલીસના દમનને કારણે અસંખ્ય લોકોએ જાન ગુમાવ્યા.  આપણે બધાને અંજલિ આપીએ. અહીં ૧૯૩૦નાગુજરાતના શહીદોનાં નામ જેટલાં મળી શક્યાં તેટલાં આપ્યાં છે, કારણ કે પોલીસના રેકૉર્ડમાં હોય – જેમનાં મૃત્યુ સ્થળ પર જ થયાં હોય અથવા જેલમાં થયાં હોય તેમનાં નામ જ મળી શકે. ઘણાને બહુ ખરાબ હાલતમાં છોડી મૂક્યા હોય અને પાછળથી એમનાં ઘરે મૃત્યુ થયાં હોય. એમની માહિતી એકઠી કરવાનું બહુ કપરું કામ છે. એ સૌની ક્ષમા માગી લઈએ.

૧. બાપુરાવ અંગાપુરકર – ગામ કરાડી (જિ. નવસારી). પ્રાથમિક શાળાના શિક્ષક. ધરપકડ પછી પોલિસના અત્યાચારને કારણે શહીદ થયા.

૨. ભાઇલાલ દાજીભાઈ પટેલ – ગામ પતીજ, જિ. ખેડા. ધરાસણાના સત્યાગ્રહી. એમને પોલીસે લાઠીઓ મારી. લાતો મારી. એ બેહોશ થઈ ગયા અને અર્ધા કલાકમાં જ એમનું મૃત્યુ થઈ ગયું.

૩. ભાણ ખેપુ હુલ્લા – મૂળ મહારાષ્ટ્રના સોલાપુરના, પણ સૂરત જિલ્લાના કિસ્મોડા ગામે રહેતા હતા. ધરાસણા સત્યાગ્રહમાં જોડાયા અને ગંભીર ઈજાઓનો ભિગ બન્યા. ૧૦મી જૂને એમનું મૃત્યુ થયું.

૪. ગોરધનભાઈ રણછોડભાઈ – ભરૂચ. મે અને જુલાઈ દરમિયાન સવિનય કાનૂન ભંગનાં આંદોલનોમાં સક્રિય રહ્યા. વિદેશી કપડાંની હોળી, દારૂના પીઠાં પર પિકેટિંગ, મીઠાનો સત્યાગ્રહ વગેરેમાં ભાગ લેતા હતા.  એમની ધરપક્ડ પછી સાબરમતી જેલમાં મોકલી દેવાયા. ત્યાં બીમાર પડ્યા અને મૃત્યુ પામ્યા.

૫. હરિલાલ શાહ – મૂળ મુંબઈના, પણ સૂરતમાં રહેતા હતા. ધરાસણા સત્યાગ્રહમાં જોડાયા. પોલીસના લાઠી પ્રહારમાં મૃત્યુ પામ્યા.

૬. ઈશ્વરલાલ વૈરાગીવાળા – આંદોલનમાં ભાગ લેવાને કારણે બે વર્ષની સખત કેદની સજા આપીને વિસાપુર જેલમાં મોકલી દેવાયા. ત્યાં એમની તબીયત લથડી એટલે અહમદનગર લઈ જવાયા. ત્યાં ૭ ડિસેમ્બર ૧૯૩૨ના રોજ હૉસ્પિટલમાં મૃત્યુ થયું.

૭.જેઠાભાઈ પટેલ – ગામ જલસામ, જિ, ખેડા. સાબરમતી જેલમાં પોલીસના અત્યાચારને કારણે ૯મીડિસેમ્બર ૧૯૩૨ના રોજ એમનું મૃત્યુ થયું.

૮.  જેઠાલાલ જાયેડભાઈ – ખેડા જિલ્લો.  ૧૯૩૨માં ગેરકાનૂની ઠરાવેલું કોંગ્રેસનું સાહિત્ય એમની હોટેલમાંથી મળ્યું. કારાવાસ અને દંડની સજા મળી. જેલમાં ગંભીર બીમારી લાગુ પડી અને ૧૯૩૨માં મૃત્યુ પામ્યા.

૯. મનસુખલાલ – ગોધરા, જિલ્લો પંચમહાલ. ૧૯૩૧માં ધરપકડ થઈ. જેલમાં ગંભીર બીમારીનો શિકાર બન્યા અને અમદાવાદની એક હૉસ્પિટલમાં ખસેડ્યા, ત્યાં એમનું મૃત્યુ થયું.

૧૦. નરહરિભાઈ પટેલ – ગામ ઊદ, જિલ્લો ખેડા. ૧૯૩૧માં ગામમાં મીઠાનો સત્યાગ્રહ કર્યો. પોલીસે ગોળીબાર કરતાં સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું.

૧૦. નરુથ નાથ – (નામ સ્પષ્ટ નથી) – ગામ કોસ્મોડા, જિ. સૂરત. ધરાસણા સત્યાગ્રહમાં જોડાયા. પોલીસના મારથી ઘાયલ. ૧૩મી જૂન ૧૯૩૦ના મૃત્યુ થયું.

૧૧. રતિલાલ વૈદ્ય – ગામ ધોલેરા, જિ. અમદાવાદ. ઉંમર ૧૬ વર્ષ. મે અને જુલાઈ દરમિયાન સવિનય કાનૂન ભંગમાં સક્રિય રહ્યા. એમને પકડીને યરવડા જેલમાં મોકલી દેવાયા. ત્યાં ભારે સખત મજૂરીને કારણે મૃત્યુ પામ્યા.

૧૨. ત્રંબકલાલ – સરખેજ (અમદાવાદ)ના રહેવાસી. ઉંમર વર્ષ ૧૮. આંદોલનમાં સક્રિય. સાબરમતી જેલમાં  ૧૯૩૦ના ઑગસ્ટમાં મૃત્યુ થયું.

૧૩. ત્રિવિક્રમ – ગામ જંબુસર (ભરૂચ). મે અને જુલાઈ દરમિયાન કેટલાય કાર્યક્રમોમાં ભાગ લીધો. ઑગસ્ટ ૧૯૩૦માં સાબરમતી જેલમાં મૃત્યુ.

૧૪. વિઠ્ઠલભાઈ દલ્લુભાઈ પટેલ – નવસારીના વતની. અંભેટી (બારડોલી તાલુકો)માં રાષ્ટ્રીય શાળાના શિક્ષક. ૧૯૩૦ના જંગલ સત્યાગ્રહમાં ભાગ લીધો. તે પછી મીઠાનો સત્યાગ્રહ પણ કર્યો. એ વખતે પોલીસના મારથી ગંભીર ઈજા પામ્યા અને ૧૯૩૦ની ૨૩મી ઍપ્રિલે મૃત્યુ થયું.

—–

(મીઠાના સત્યાગ્રહને પગલે પગલે – પણ અલગ રીતે – પઠાણોની અહિંસક વીરતા  અને એક સત્યાગ્રહી આર્મી ઑફિસર ચંદ્ર સિંહ ગઢવાલીની કથા માટે વિશે જાણવા આગામી ૬૧મા પ્રકરણની રાહ જૂઓ).

૦૦૦

પ્રકરણ ૫૭, ૫૮, ૫૯ અને ૬૦ માટેના સંદર્ભની સૂચિઃ

(લેખકની આ પહેલાંની ‘ભારતની ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ’ શ્રેણીના ભાગ ૩નાં પ્રકરણ ૪૮થી ૫૧માં આ સંદર્ભોનો ઉપયોગ કર્યો છે).

૧. Martys of India, Vol 4 (Maharashtra, Gujarat, Sindh)

૨. Centenary History of Indian National Congress Part II -1919-1935 edited by B. N. Pandey

૩. Natives beaten down by police in India salt bed raid – Webb Miller’s report

૪. મહાદેવભાઈની ડાયરી ભાગ ૧૨, નવજીવન ટ્રસ્ટ

૫. મહાદેવભાઈની ડાયરી  ભાગ ૧૩, નવજીવન ટ્રસ્ટ

૬. https://www.mkgandhi.org/civil_dis/dandi_march.htm

૭. https://upsctree.com/history-dharasana-satyagraha/

૮. (મહેબૂબ દેસાઈ – https://gujarativishwakosh.org/ધોલેરા)

૯. An Autobiography – Jawaharlal Nehru Chapter 29 page no. 209. First Edition April 1936.

૧૦. http://www.researchguru.net/volume/Volume%2012/Issue%202/RG144.pdf

૧૧. https://www.thehindu.com/news/national/tamil-nadu/when-rajaji-defied-the-salt-law/article11629453.ece

૧૨. India’s Struggle for Independence. Bipan Chandra et el. 1857 – 1947.

૧૩. Deshapriya Jatindra Mohan Sengupta (Makers of India series) by Padmini Seengupta, Publications Division, Government of India.

૧૪. Does Anyone Remember Abbas Tyabji?By Anil Nauriya (લેખકના અંગત સંગ્રહમાંથી)

૧૫. https://100years.upi.com/sta_1930-05-21.html

0૦૦

Martyrs of Indian Freedom Struggle – 60 -The Salt Satyagragha and Its Nation-wide Ramifications-3

પૂર્વ ભારતમાં સવિનય કાનૂન ભંગ

પૂર્વ ભારત, એટલે કે બિહાર, પંજાબ, હરિયાણામાં સમુદ્ર નથી. ચારે બાજુ જમીન છે એટલે ત્યાં મીઠું પકવવાનો સવાલ જ ઊભો ન થાય. બિહારમાં ના-કરની લડાઈમાં ગામડાંના લોકોએ ચોકીદારું’ એટલે કે ચોકીદારોનો પગાર ચુકવવાની સાફ ના પાડી દીધી. આ ચોકીદારોને લોકો સરકારના જાસૂસ માનતા. ભાગલપુર જિલ્લાના બીહપુરની કોંગ્રેસ ઑફિસ પર પોલીસે કબજો કરી લીધો. આના વિરોધમાં ત્યાં લોકો રોજેરોજ ટોળે મળીને વિરોધ કરવા લાગ્યા. અંતે રાજેન્દ્રપ્રસાદ અને અબ્દુલ બારી પટનાથી બીહપુર આવ્યા. એ વખતે કોંગ્રેસ ઑફિસ સામે જબ્બરદસ્ત ભીડ એકઠી થઈ. પોલીસે એને વીખેરવા લાઠીચાર્જ કર્યો તેમાં રાજેન્દ્રબાબુ ઘાયલ થયા. આના પછી બિહારના કોઈ પણ ગામમાં પોલીસને જવાનું મુશ્કેલ બની ગયું. લોકો એમને ગામમાં ઘૂસવા જ નહોતા દેતા.

નેલી અને યતીન્દ્ર મોહન સેનગુપ્તા

ઍપ્રિલની ૧૨મીએ કલકત્તામાં કૉર્નવૉલિસ સ્ટ્રીટ પર લોકોએ પ્રતિબંધિત સાહિત્ય જાહેરમાં વાંચવાનો કાર્યક્રમ બનાવ્યો અને ઘણાએ ધરપકડ વહોરી લીધી. મેયર યતીન્દ્ર મોહન સેનગુપ્તાને આ ખબર પડી ત્યારે એ પણ ત્યાં પહોંચી ગયા. ત્યાં એમણે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો ત્યાં સુધી પોલીસે દરમિયાનગીરી ન કરી પણ તે પછી એમણે પ્રતિબંધિત સાહિત્ય વાંચવાની કોશિશ કરી ત્યારે એમને પકડી લીધા. એ ૨૫મી સપ્ટેમ્બરે છૂટ્યા.

આ પહેલાં જવાહરલાલ નહેરુ પકડાઈ ગયા હતા અને એમને સ્થાને યતીન્દ્ર મોહનબાબુને કોંગ્રેસના કામચલાઉ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. આથી એ આખા દેશમાં ફરવા લાગ્યા. આ દરમિયાન અમૃતસરમાં જલિયાંવાલા બાગની એક મીટિંગમાં એમને ફરી પકડી લેવાયા અને નવ મહિનાની સજા કરીને દિલ્હીની જેલમાં મોકલી દેવાયા. દિલ્હીમાં એમનાં પત્ની નેલી સેનગુપ્તા અને અરુણા આસફ અલીએ પણ સ્ત્રીઓની એક સભામાં ભાષણ કરતાં એમને પણ રાજદ્રોહના આરોપસર સજા કરવામાં આવી. યતીન્દ્ર મોહન તે પછી ઇંગ્લૅંડથી પૅરિસ થઈને ઈટાલિયન જહાજમાં પાછા ફરતા હતા ત્યારે બ્રિટિશ પોલિસે એમને ગેરકાનૂની રીતે પકડી લીધા અને ભારત લઈ આવ્યા અને કોઈ પણ આરોપ વિના જેલમાં નાખી દીધા.

નેલી સેનગુપ્તા

એ વખતે સરકારે કોંગ્રેસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. એટલે કોંગ્રેસના પ્રમુખ બને તેને પકડી લેવાતા. એ વર્ષે કલકત્તામાં અધિવેશન મળ્યું તેમાં નેલી સેનગુપ્તાને કોંગ્રેસ પ્રમુખ બનાવવામાં આવ્યાં. એમણે કોંગ્રેસનો કાર્યક્રમ જાહેર કરવાનો હતો. પણ એના માટે ક્યાં સભા મળશે તે ખાનગી રાખવામાં આવ્યું. પોલીસે આખા કલકત્તામાં જાપ્તો ગોઠવ્યો પણ સાંજે ચાર વાગ્યે ધરમતલ્લા સ્ટ્રીટમાં બ્યૂગલ વાગ્યાં. નેલી ત્યાં પહોંચી ગયાં હતાં! પોલીસ ખાતું આ સ્થળ બાબતમાં ગાફેલ રહ્યું હતું. તે પછી પોલિસનું ધાડું ટ્રક ભરીને આવ્યું અને બેફામ લાઠીચાર્જ કર્યો અને નેલી સેનગુપ્તાને પકડીને લઈ ગયા.

૦૦૦

સંદર્ભઃ દાંડી કૂચથી શરૂ થયેલા ઘટના ચક્રના અંતિમ પ્રકરણના અંતે સંદર્ભ સૂચિ આપવાનું ધાર્યું છે.

Martyrs of Indian Freedom Struggle – 59 -The Salt Satyagragha and Its Nation-wide Ramifications-2

મીઠાનો સત્યાગ્રહ અને એની દેશવ્યાપી અસરો (૨)

મીઠાનો કાયદો તોડ્યા પછી બીજા જ દિવસે ગાંધીજીએ દેશની જનતાને બીજું આહ્વાન કર્યું અને બીજા મોરચા ખોલ્યાઃ દારૂનાં પીઠાં સામે પિકેટિંગ કરો, વિદેશી કપડાંની હોળી કરો, ખાદી પહેરો અફીણના અડાઓ પર છાપા મારો. એમણે વિદ્યાર્થીઓને શાળા-કોલેજો છોડવા, સરકારી નોકરોને રાજીનામાં આપી દેવા અને અસ્પૃશ્યતા વિરુદ્ધ આંદોલન શરૂ કરવા હાકલ કરી.

એક એક દિવસ પસાર થતો ગયો તેમ લોકોનું જોશ વધતું ગયું. જવાહરલાલ નહેરુના શબ્દોમાં દિવસોદિવસ દેશમાં ગરમી વધતી જતી હતી. હવે સરકાર જુદા જુદા પ્રાંતમાં જુદી જુદી રીતે લોકોને દબાવવાના પ્રયાસ કરવા લાગી. આખા દેશમાં સરકારે ધાર્યું નહોતું તેથી વધારે લોકો આ આંદોલનમાં જોડાયા. સરકારના અંદાજ પ્રમાણે આખા દેશમાં પચાસ લાખ લોકોએ સત્યાગ્રહમાં ભાગ લીધો અને સાઠ હજારથી વધારે માણસોની ધરપકડ થઈ. ગુજરાતમાં ઠેરઠેર ઘણા આગેવાનોની ધરપકડો થઈ. ગાંધીજીના બીજા પુત્ર રામદાસ ગાંધી પણ પકડાઈ ગયા. કરાંચી, મુંબઈ, મદ્રાસ બધે જ અહિંસક કાનૂનભંગની જ્વાળાઓ ભડકી ઊઠી. લોકો પોલીસની લાઠીઓ ખમતા રહ્યા અને જેલો ભરતા રહ્યા…ન પક્ડ્યા તો માત્ર એક મૂળ ગુનેગાર ગાંધીને!

જવાહરલાલ નહેરુ

નહેરુ પોતાની આત્મકથામાં લખે છેઃ

ઓચિંતોમીઠુંશબ્દ રહસ્યમય બની ગયો હતો, એ હવે શક્તિનો દ્યોતક શબ્દ હતો. સાદા મીઠાને લઈને રાષ્ટ્રીય આંદોલન ચલાવવાનો વિચાર બહુ ગળે નહોતો ઊતરતોપણ અમારી પાસે દલીલો માટે સમય નહોતો કારણ કે ઘટનાઓ બહુ ઝડપથી બનતી હતીઆખા દેશમાં, શહેરો અને ગામડાંઓમાં વાતનો વિષય માત્ર મીઠું કેમ બનાવાય, તે જ હતો. અમને તો એના વિશે કંઈ ખબર નહોતી એટલે અમે મીઠું કેમ બને તે વાંચી કાઢ્યું, એનાં ચોપાનિયાં વહેંચ્યાં અને અંતે કંઈક, ખાઈ ન શકાય એવું થોડુંઘણું મીઠું બનાવવામાં સફળ રહ્યા, જે અમે વિજય મળ્યાની નિશાની તરીકે દેખાડ્યું અને એ મનફાવતી કિંમતે વેચ્યું પણ ખરું. અમારું મીઠું સારું હતું કે ખરાબ, એ વાતનો કંઈ અર્થ નહોતો, અમે મીઠાનો કાયદો તોડ્યો હતો અને એમાં અમે સફળ થયા હતા. લોકોનો ઉત્સાહ દાવાનળ જેવો હતો, એ અમે જોયું ત્યારે થોડી શરમ આવી કે ગાંધીજીએ જ્યારે પહેલી વાર આ સૂચન કર્યું ત્યારે અમે શંકાઓ જાહેર કરી હતી. અમને એ માણસની લાખોને પ્રભાવિત કરીને એમને સંગઠિતપણે વર્તતા કરી દેવાની કુનેહનું આશ્ચર્ય થયું

નહેરુ પોતે ૧૪મી ઍપ્રિલે પકડાઈ ગયા. એ જ દિવસે જેલમાં જ એમના પર કેસ ચાલ્યો. સત્યાગ્રહીઓએ ગુનો તો કબૂલવાનો જ હતો. નહેરુને છ મહિનાની કેદની સજા થઈ.

જવાહરલાલ નહેરુનાં માતા સ્વરૂપરાણી દેવી

જે લોકો મીઠું બનાવી ન શક્યા તે ગાંધીજીએ જાહેર કરેલા નવા કાર્યક્રમ પ્રમાણે પરદેશી કપડાંની હોળી કરવા લાગ્યા. સ્ત્રીઓ દારૂનાં પીઠાંઓ સામે પિકેટિંગ કરવા લાગી. એક બાજુથી દારૂ પીવા આવતા અસભ્ય લોકો અને બીજી બાજુથી પીઠાના માલિકો, બન્ને બાજુની સતામણી સહીને સ્ત્રીઓ ગાંધીજીના અહિંસક આંદોલનને આગળ વધારતી રહી. મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગ કે શ્રીમંત કુટુંબોની સ્ત્રીઓ તો કદી ઘરની બહાર નીકળી નહોતી તે હવે જાહેર રસ્તાઓ પર ઝનૂની દારૂડિયાઓનાં અપમાનો અને ગાળો સહન કરવા લાગી. જેમ કે, જવાહરલાલ નહેરુનાં માતા સ્વરૂપરાણી દેવી અલ્હાબાદમાં એક સરઘસ પર ત્યારે પોલીસે લાઠીચાર્જ કરતાં ઘાયલ થયાં અને બેભાન થઈ ગયાં. આખા દેશમાં આ સમાચાર વાયુવેગે ફેલાઈ જતાં લોકો ગુસ્સાથી ઊકળી ઊઠ્યા.

કેરળમાં પય્યન્નુર સત્યાગ્રહ

કેરળના મલબાર પ્રદેશનું પય્યન્નુર મીઠાના સત્યાગ્રહનું મુખ્ય કેન્દ્ર હતું. ૧૩મી ઍપ્રિલે કે. કેલપ્પનના નેતૃત્વ હેઠળ ૩૨ સ્વયંસેવકોની જુદી જુદી ત્રણ ટુકડીઓએ કોળીકોડ (કલીકટ)થી કૂચ શરૂ કરી. ૧૯મીએ બીજું એક ગ્રુપ પાલક્કાડથી ઊપડ્યું. એ જ રીતે બીજાં બે ગ્રુપ પણ નીકળ્યાં, રસ્તામાં ગામેગામ એમના સ્વાગત માટે ઊમટી પડ્યાં. આંદોલન એક ઉત્સવ બની ગયું કારણ કે લોકો મનથી સ્વાધીન બની ગયા હતા.

૨૩મીનો સૂર્યોદય થયો ત્યારે કેલપ્પન એમના સાથીઓ સાથે સમુદ્રકાંઠે ગયા, થોડું મીઠું ઉપાડ્યું અને મીઠાના કાયદાનો ભંગ કર્યો.  હજારો લોકો એમને જોવા માટે એકઠા થયા હતા. સત્યાગ્રહીઓ પોલીસની હાજરીને અવગણીને ત્યાં જ પાણી ઉકાળવા લાગ્યા. પોલીસ અધિકારી આમૂ માટે આ મોટું અપમાન હતું. એના માણસો સત્યાગ્રહીઓ પર તૂટી પડ્યા. લાઠીઓના માર ખાતાં ખાતાં. સત્યાગ્રહીઓ “ભારત માતા કી જય” અને “ગાંધીજી કી જય” પોકારતા રહ્યા. કેલપ્પન ‘કેરળના ગાંધી’ તરીકે ઓળખાય છે.

વેદારણ્યમમાં સત્યાગ્રહ

મીઠાનો સત્યાગ્રહ શરૂ થયા પછી એક મહિનામાંચક્રવર્તી રાજગોપાલાચારી મદ્રાસ કોંગ્રેસના પ્રમુખ બન્યા અને એમણે પહેલું કામ મદ્રાસ પ્રાંતમાં મીઠાના સત્યાગ્રહનું કર્યું. એ કન્યાકુમારીમાં સત્યાગ્રહ કરવા માગતા હતા કારણ કે ત્યાં અરબી સમુદ્ર, હિન્દી મહાસાગર અને બંગાળનો ઉપસાગર ભેગા થાય છે. પણ કોંગ્રેસે એવું નક્કી કર્યું હતું કે માત્ર બ્રિટિશ અંકુશ હેઠળના પ્રદેશમાં જ આ આંદોલન ચલાવવું. કન્યાકુમારી ત્રાવણકોરના દેશી રાજ્યમાં હતું; એટલે તાંજોર (તંજાવ્વૂર) જિલ્લાનું વેદારણ્યમ નામનું નાનું ગામ પસંદ કરવામાં આવ્યું. ત્યાં મીઠું બનાવવાનું કારખાનું પણ હતું.

રાજાજીએ પણ ૧૫૦ માઇલનો રૂટ બનાવ્યો. સત્યાગ્રહમાં ભાગ લેવા માટે એમને હજારેક અરજીઓ મળી હતી, તેમાંથી એમણે ૯૮ જણને પસંદ કર્યા. એમાં રુક્મિણી લક્ષ્મીપતિ અને કે. કામરાજ નાદર, એમ. ભક્તવત્સલમ અને રાજાજીના પુત્ર સી. આર. નરસિમ્હમ પણ હતા.

મદ્રાસ સરકારે સત્યાગ્રહીઓને દબાવી દેવા ઘણા પ્રયત્ન કર્યા. જિલ્લા કલેક્ટરે હુકમ બહાર પાડ્યો કે સત્યાગ્રહીઓને ખાવાનું આપશે તેને છ મહિનાની સજા કરાશે. છાપાંઓના તંત્રીઓને પણ સત્યાગ્રહના સમાચાર છાપવાની મનાઈ કરી અને નિશાળિયાં બાળકોનાં માતાપિતાઓને એમનાં સંતાનો સત્યાગ્રહમાં ન પડે તેનું ધ્યાન રાખવાની ચેતવણી આપી.

૧૨મી ઍપ્રિલે ૯૮ સત્યાગ્રહીઓ ત્રિચિનાપલ્લી (હવે તિરુચિરાપલ્લી)માં રાજાજીને ઘરે એકઠા થયા અને બીજા દિવસે સવારે પાંચ વાગ્યે એમની યાત્રા શરૂ થઈ. રસ્તામાં એમને એક ગામે ધર્મશાળામાં પણ ઊતરવાની છૂટ ન મળી. જો કે એમને રાતવાસો કરવા કે જમવાની સગવડ આપનારા નીકળી આવ્યા. પણ એમને કલેક્ટરે છ-છ મહિના માટે કેદની સજા કરી. તે પછી લોકો ડરવા લાગ્યા. આમ છતાં લોકો મદદ કરવા તો તૈયાર જ હતા. હવે એમણે ભોજનનાં પેકેટ ઝાડ પર બાંધી દેવાનું શરૂ કર્યું. બીજી બાજુ. બ્રિટિશ સિપાઈઓનો લોકોએ બહિષ્કાર કર્યો. એમને કોઈ ખાવાપીવાનું ન આપે, માલ વેચવા તૈયાર ન થાય. પોલિસમાં કામ કરતા હિન્દીઓએ પોતાની ડ્યૂટી છોડી દીધી અને તે એટલે સુધી કે વાળંદ સરકારી નોકરના વાળ પણ ન કાપી આપે!

૨૮મી ઍપ્રિલે સત્યાગ્રહીઓ વેદારણ્યમ પહોંચ્યા. રાજાજીએ  ૩૦મી ઍપ્રિલે સત્યાગ્રહ કર્યો. રાજાજી અને બીજા ૧૬ જણ બે માઇલ ચાલીને મીઠાના અગર પાસે પહોંચ્યા ત્યારે ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ પોલીસ ટુકડી લઈને પહોંચ્યો અને એમને રોકી લીધા. રાજાજીની ધરપકડ કરી લેવાઈ. કામરાજ પણ પકડાયા. એમના પર લોકોને મીઠાનો કાયદો તોડવા માટે ઉશ્કેરવાનો આક્ષેપ હતો. રુક્મિણી લક્ષ્મીપતિને એક વર્ષની સજા થઈ. સવિનય કાનૂનભંગના આંદોલનમાં જેલમાં જનારાં એ પહેલાં મહિલા હતાં.

બીજા દિવસે લોકોએ દુકાનો બજારો બંધ રાખી. પોલીસના અત્યાચારો સામે નમતું આપ્યા વિના વેદારણ્યમમાં લોકોએ ઠેકઠેકાણે મીઠું બનાવ્યું.

૦૦૦

સંદર્ભઃ દાંડી કૂચથી શરૂ થયેલા ઘટના ચક્રના અંતિમ પ્રકરણના અંતે સંદર્ભ સૂચિ આપવાનું ધાર્યું છે.

Martyrs of Indian Freedom Struggle – 58 -The Salt Satyagragha and Its Nation-wide Ramifications-1

મીઠાનો સત્યાગ્રહ અને એની દેશવ્યાપી અસરો (૧)

૧૯૩૦ની ૧૨મી માર્ચે ગાંધીજીએ સાબરમતી આશ્રમથી કૂચ શરૂ કરી. ગાંધીજીએ ચીવટપૂર્વક આશ્રમવાસીઓને પસંદ કર્યા હતા. સ્ત્રીઓ જવા માગતી હતી પણ ગાંધીજીએ કહ્યું કે સ્ત્રીઓને આગળ કરવાથી પોલીસ સંયમ રાખશે અને એનું ખરું રૂપ સામે નહીં આવે. એ તો પુરુષોના બચાવ માટે સ્ત્રીઓનો ઢાલ તરીકે ઉપયોગ કરવા જેવું હતું. ૨૪૧ માઇલની યાત્રામાં રોજ દસથી પંદર માઇલ પગપાળા ચાલવાનું હતું.

પહેલી ટુકડીમાં પ્રદેશવાર લોકોની સંખ્યા આ પ્રમાણે હતીઃ ગુજરાતના ૩૨, મહારાષ્ટ્રના ૧૩, યુક્ત પ્રાંતના ૭. કચ્છના ૬. પંજાબના ૩, સિંધનો ૧, કેરળના ૪, રાજપુતાના (હવે રાજસ્થાન)ના ૩, આંધ્ર પ્રદેશનો ૧, કર્ણાટકનો ૧. મુંબઈના ૨, તમિલનાડુનો ૧, બિહાર, બંગાળ અને ઉત્કલ (હવે ઓડીશા), દરેકમાંથી એક, ઉપરાંત ફીજીનો એક (મૂળ યુક્ત પ્રાંતનો) અને નેપાળનો ૧. જાતિવાર ગણતરી કરતાં બે મુસલમાન, એક ખ્રિસ્તી, અને ૨ અસ્પૃશ્યો હતા.

ગુજરાતમાંથી ગાંધીજી ઉપરાંત બીજા ૩૧નાં નામ આ પ્રમાણે છેઃ છગનલાલ જોશી, જયંતી પારેખ, રસિક દેસાઈ, વિઠ્ઠલ, હરખજી, તનસુખ ભટ્ટ, કાંતિ ગાંધી, છોટુભાઈ પટેલ, વાલજીભાઈ દેસાઈ, પન્નાલાલ ઝવેરી, અબ્બાસ, પૂંજાભાઈ શાહ, સોમાભાઈ, હસમુખરામ, રામજીભાઈ વણકર, દિનકરરાવ, ભાનુશંકર, રાવજીભાઈ પટેલ, શિવાભાઈ, શંકરભાઈ, જશભાઈ, હરિદાસ વરજીવન ગાંધી, ચીમનલાલ, રમણીકલાલ મોદી, હરિદાસ મજુમદાર, અંબાલાલ પટેલ, માધવલાલ, લાલજી, રત્નજી, મણિલાલ ગાંધી (ગાંધીજીના પુત્ર); અને પુરાતન બૂચ. કચ્છમાંથી પૃથ્વીરાજ આસર, માધવજીભાઈ, નારણજીભાઈ. મગનભાઈ વોરા, ડુંગરસીભાઈ અને જેઠાલાલ જોડાયા.

(અહીં ગુજરાત-કચ્છનાં બધાં નામો આપવાનો ઉદ્દેશ એ છે કે વાચકોમાંથી કોઈ દાંડીકૂચમાં ગાંધીજીના સહયાત્રીઓના વંશવારસ પણ હોઈ શકે છે અને કદાચ એમનો અંગત ઇતિહાસ જાણવા મળે).

૧૦મી તારીખે, સરદાર પટેલની ધરપકડ થઈ તે જ દિવસે આશ્રમમાં ત્રણ હજાર માણસો પ્રાર્થના માટે આવ્યાં. ગાંધીજીએ લાંબું ભાષણ કરીને લોકોને ખાસ સંદેશ આપ્યોઃ

“…હિન્દુસ્તાનનાં સાત લાખ ગામડાંમાંથી દસ દસ માણસ પણ જો મીઠું પકવવા નીકળી પડે તો આ રાજ શું કરી શકેહજી કોઈ પણ બાદશાહ એવો નથી જન્મ્યો કે જેને વગર કારણે કોઈને તોપને ગોળે ચડાવ્યા હોય.એમ શાંતિથી કાનૂનભંગ કરીને આપણે સહેજે સરકારને કાયર કાયર કરી મૂકી શકીએ એમ છીએ…”

૧૧મીએ દસ હજાર માણસ એકઠાં થયાં. ગાંધીજીએ પોતે પકડાઈ જાય તે પછી પણ સત્યાગ્રહીઓની અખંડ ધારા વહેતી રાખવા અપીલ કરી, એટલું જ નહીં, આંદોલન ચલાવવાના જુદા જુદા રસ્તા પણ દેખાડ્યાઃ

“…જે જે ઠેકાણે મીઠાના કાયદાનો ભંગ કરી શકાય તે તે ઠેકાણે શરૂ થઈ જવો જ જોઈએ… આ ભંગના ત્રણ રસ્તા છેજ્યાં મીઠું સહેજે પકવી શકાય ત્યાં પકવવું એ ગુનો છેએ જેઓ લઈ જશે અને વેચશે તે ગુનો કરશેઅને જકાત વિનાનું મીઠું વેચાતું લેનાર પણ ગુનો કરશેમીઠાનો કાયદો તોડવાનો આ સહેલામાં સહેલો રસ્તો છેપણ આ એક જ કામ કરીને બેસી રહેવાનું નથીપણ જ્યાં સ્થાનિક કાર્યકર્તા હોયકોંગ્રેસની બંધી ન હોયકાર્યકર્તામાં આત્મ વિશ્વાસ હોય ત્યાં જેમને જે યુક્તિ સૂઝે તે ઉપયોગમાં લઈ શકે છેમારી એક જ શરત છેશાંતિ અને સત્યને માર્ગે સ્વરાજ મેળવવાની પ્રતિજ્ઞા કરેલી છે તેનું પાલન કરીને જેને જે કરવું હોય તે કરવાની છૂટ છે…”

ગાંધીજીને સાંભળવા માટે નડિયાદમાં પચીસ હજારની ભીડ એકઠી થઈ ગઈ. પરંતુ માત્ર નડિયાદ નહીં, બધે ઠેકાણે એ જ દશા હતી. નવસારી અને સૂરતમાં રાજગોપાલાચારી આવ્યા અને એમણે રાજદ્રોહના ગુના વિશે છણાવટ કરી કે કાયદો નિયમ વિરુદ્ધ થાય તેવી અપવાદરૂપ ઘટના માટે છે પણ બધા જ લોકો એ ગુનો કરતા હોય તો એમના માટે એ કાયદો નથી રહી શકતો. એમણે કહ્યું કે હજારો માણસો રોજ સભાઓમાં આવે છે તેનો અર્થ એ થયો કે બધાને રાજદ્રોહનો રોગ લાગુ પડ્યો છે, એમને શી સજા થઈ શકે?

શક્તિ સામે સત્યની લડાઈ

પાંચમી એપ્રિલે ગાંધીજીએ એક સંદેશ આપીને શક્તિ સામે સત્યની લડાઈ’માં આખી દુનિયાનો સાથ માગ્યો અને છઠ્ઠી ઍપ્રિલની સવારે આશરે બે હજાર સાથીઓ સાથે સમુદ્રમાં સ્નાન કર્યું. અને – મુંબઈના ગવર્નરના તારમાં જણાવ્યા પ્રમાણે – સ્નાન પછી એમણે પોતાના ઉતારા પાસેથી મીઠું ઉપાડ્યું અને જાહેર કર્યું કે પોતે મીઠાનો કાયદો તોડ્યો છેતે પછી એમણે દેશને હાકલ કરીઃ મુઠ્ઠી તૂટે, પણ મીઠું ન છૂટે !

ગાંધીજીએ લગભગ બે તોલા (૨૦ ગ્રામમીઠું ઉપાડીને જાતે જ સાફ કર્યુંઆ મીઠું પછી લીલામમાં વેચાયુંજે અમદાવાદના એક મિલમાલિક શેઠ રણછોડદાસ શોધને  ૫૨૫ રૂપિયામાં ખરીદી લીધું !

મુંબઈના ગવર્નરે લંડનમાં ગૃહ પ્રધાનને એ જ દિવસે કરેલા તારમાં આની વધારે વિગતો આપી તે પ્રમાણે ગાંધીજીના સાથીઓ પાંચ-છની ટુકડીઓ બનાવીને સમુદ્રનું પાણી મોટા અગરમાં ઉકાળવા માટે લઈ આવ્યા. ગવર્નર કહે છે કે દાંડીથી ત્રણ માઇલ દૂર આટ ગામેથી ૧૫ મણ ગેરકાનૂની મીઠું પણ જપ્ત કરવામાં આવ્યું. (એક મણ = ૪૦ શેર = લગભગ ૩૬ કિલો).

અને તે સાથે જ આખા દેશમાં ખૂણેખૂણે લોકો મીઠું બનાવતા થઈ ગયા. સમુદ્રમાંથી પાણી ભરીને લઈ જાય અને ઘરે બનાવેલી ભઠ્ઠી પર પાણી ઉકાળીને મીઠું અલગ તારવે. બીજા વેચવા લાગ્યા તો ઘણા ખરીદવા લાગ્યા. આખો દેશ ગુનો કરવા થનગનતો હતો..

૦૦૦

સંદર્ભઃ દાંડી કૂચથી શરૂ થયેલા ઘટના ચક્રના અંતિમ પ્રકરણના અંતે સંદર્ભ સૂચિ આપવાનું ધાર્યું છે.

Martyrs of Indian Freedom Struggle – 57 – A Tale of Two Tribal Movements

આદિવાસી વિદ્રોહની બે કથાઓ

આ લેખ શરૂ કરતાં પહેલાં એક ભૂલ બદલ ક્ષમા માગવાનું જરૂરી છે. ઘટનાક્રમમાં આ બન્ને વિદ્રોહોની કથા ચોરી ચૌરાથી પહેલાં અને ગદર પછી છે, પણ એ શરતચૂક થઈ છે. જાગ્રત મન તો આદિવાસીઓના સંગ્રામનું મૂલ્ય જરાય ઓછું નથી આંકતું પણ સુષુપ્ત મન કદાચ અંદરના શિક્ષિત, શહેરી મધ્યમ વર્ગીય માણસની ટેવોથી મુક્ત નથી થયું એટલે જ આ બન્ને ઘટનાઓ ક્રમમાં હોવા છતાં લખવાનું રહી ગયું. ચાલો, જાગ્યા ત્યાંથી સવાર.

૦૦૦

રાજસ્થાન અને ગુજરાતમાં ભીલોનો બળવો;

ભીલો

કોંગ્રેસની સ્થાપના પછી દેશમાં ત્રણ મોટા જન સંહાર થયા. જલિયાંવાલા બાગની ઘટનાથી આપણે પરિચિત જ છીએ. તે પછી કિસ્સા ખ્વાની બજારમાં  અહિંસક પઠાણો  પર બેફામ ગોળીબાર. પણ સૌથી પહેલો નરસંહાર ગુજરાત અને રાજસ્થાનની સરહદે બાંસવાડા જિલ્લાના માનગઢના પહાડોમાં થયો. અંગ્રેજો અને દેશી રાજાઓએ મળીને ૧૫૦૦ ભીલોને મોતને ઘાટે ઉતારી દીધા. આજે પણ ભીલો એને માનગઢ ધામ તરીકે ઓળખે છે.

આ આંદોલનના નેતા ગોવિંદ ગુરુ પોતે ભીલ નહોતા, એ લંબાડા (વણઝારા) હતા પણ અંગ્રેજો અને રાજાઓ સાથે મળીને શોષણ કરતા હતા તે એમનાથી જોઈ શકાયું નહીં. ભીલોએ મહારાણા પ્રતાપની સેનામાં ભારે કૌવત દેખાડ્યું હતું પણ એમનો ગૌરવશાળી ઇતિહાસ હવે શોષકોના પગ તળે ચગદાવા લાગ્યો હતો. એમના સ્વાભિમાન પર સતત હુમલા થતા હતા.

ગોવિંદ ગુરુએ પહેલાં તો એમનામાં સામાજિક સુધારા શરૂ કર્યા. દારૂ ન પીવો, માંસાહાર છોડવો, સ્ત્રીઓનું સન્માન કરવું, ચોરી ન કરવી, વગેરે.

ધીમે ધીમે ગુજરાત અને રાજસ્થાનના ભીલો એમના ઉપદેશોને માનતા થઈ ગયા. એમણે ગીતો પણ રચ્યાં:

अंग्रेजिया नई मानू. नई मानूं
हरि ना शरणा में गुरु गोविंद बोल्या
जांबू (देश) में जामलो (जनसमूह)
जागे है, अंग्रेजिया नई मानू. नई मानूं।।

(અંગ્રેજોને હું નહીં માનું. જંબુદેશમાં લોકો હવે જાગી ગયા છે. અંગ્રેજોને હું નહીં માનું…)

એમનું બીજું એક ગીત છે, જેમાં એમણે કહ્યું છે કે ભૂરિયા (અંગ્રેજો) જમીન લઈ લેવા આવ્યા છેઃ

दिल्ली रे दक्कण नू भूरिया, आवे है महराज।
मगरे झंडो नेके आवे है महराज।
नवो-नवो कानून काढे है महराज।।
दुनियां के लेके लिए आवे है महराज।
जमीं नु लेके लिए है महराज।।

હવે આદિવાસીઓ સંગઠિત થવા લાગ્યા અને એમના શોષક કોણ છે તે સમજવા લાગ્યા. ૧૮૮૩માં એમણે આદિવાસીઓ માટે સંપ સભાની સ્થાપના કરી. ૧૯૦૩માં એનું પહેલું સંમેલન મળ્યું ભીલોમાં જાગૃતિ આવી હતી. દેશી રાજાઓ પહેલાં એમની પાસે વેઠમજૂરી કરાવતા પણ હવે ભીલોએ એના માટે ચોખ્ખી ના પાડી દીધી. એમણે દારૂ છોડ્યો એટલે પીઠાં બંધ પડ્યાં અને સરકારની આવક ઘટવા લાગી. એમણે હવે ઉધાર લેવાનું બંધ કરી દીધું એટલે શાહુકારોની કમાણી પણ બંધ પડી. દેશી રાજાઓને ડર લાગવા માંડ્યો કે આટલી સશક્ત જાતિ જાગી જશે તો ક્યાંક એમનાં રાજપાટ ઝુંટવી ન લે!

૭મી ડિસેમ્બર, ૧૯૦૮ના રોજ સંપ સભાનું વાર્ષિક અધિવેશન  માનગઢ ધામ ખાતે યોજાયું હતું. જેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. ફરી ૧૯૧૩માં, ગોવિંદ ગુરુના નેતૃત્વમાં માનગઢમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ એકઠા થયા. તેમના વિરોધીઓએ એવી અફવા ફેલાવી કે આદિવાસીઓ રજવાડાઓ કબજે કરવાની તૈયારી કરી રહ્યા છે.

તે સમયે ગુજરાત બોમ્બે પ્રાંત હેઠળ હતું.૧૦ નવેમ્બર ૧૯૧૩ના રોજ બોમ્બે પ્રાંતની સેના ટેકરી પાસે પહોંચી પણ ભીલોએ અંગ્રેજ ફોજને પીછેહઠ કરવા ફરજ પાડી. ટેકરીથી દૂર લશ્કર થંભી ગયું. ૧૨મી નવેમ્બરે એક ભીલ પ્રતિનિધિ ટેકરી પરથી નીચે આવ્યો અને ભીલોનો માંગણી પત્ર સેનાના ઊપરીને સોંપ્યો પરંતુ સમાધાન ન થઈ શક્યું. કરારના અભાવે, ડુંગરપુર અને બાંસવાડાના રજવાડાઓએ અમદાવાદના કમિશનરને જાણ કરી કે જો “સંપ સભા”ના ભીલોને જલ્દી દબાવવામાં નહીં આવે, તો તેઓ તેમના રાજ્યને લૂંટી લેશે અને પોતાનું રાજ્ય સ્થાપશે.  અંગ્રેજ અધિકારીઓએ મેવાડ છાવણીમાંથી સેનાને બોલાવી. આ સેના ૧૭મીએ માનગઢ પહોંચી અને પહોંચતાની સાથે જ ગોળીબાર શરૂ કરી દીધો. કુલ પંદરસો મૃતદેહો એક પછી એક પડ્યા. ગોવિંદ ગુરુને પગમાં ગોળી વાગી હતી. તેઓ ત્યાં પડી ગયા. એમની ધરપકડ કરવામાં આવી. કેસ ચાલ્યો તેમાં એમને ફાંસીની સજા ફટકારવામાં આવી. પરંતુ બાદમાં ફાંસીની સજાને આજીવન કેદમાં બદલી દેવામાં આવી. સારા આચરણને કારણે તેમને ૧૯૨૩માં મુક્ત કરવામાં આવ્યા. તેમની મુક્તિ પછી, તેઓ ગુજરાતના પંચમહાલ જિલ્લાના કંબોઇ ગામમાં રહેવા લાગ્યા. જીવનના અંતિમ દિવસો સુધી તેઓ લોકકલ્યાણના કાર્યોમાં વ્યસ્ત રહ્યા. ત્યાં ૧૯૩૧માં તેમનું અવસાન થયું.

આજે પણ માનગઢ ટેકરીના પથ્થરો પર પંદરસો આદિવાસીઓની શહાદત કોતરેલી છે. ભીલોએ જે ધૂણી પ્રગટાવી તે આજે પણ જીવંત છે.

ઝારખંડમાં ટાના ભગત આંદોલન

બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થવાની અસર છોટા નાગપુર (હવે ઝારખંડ)માં પણ દેખાઈ. અહીં વટાળ પ્રવૃત્તિમાં માત્ર બ્રિટિશ મિશનરીઓ નહીં, જર્મની અને ઑસ્ટ્રિયાના મિશનરીઓ પણ સક્રિય હતા. વિશ્વયુદ્ધમાં બ્રિટન અને જર્મની સામસામે હતાં. આદિવાસીઓમાં જર્મન મિશનરીઓનો પ્રભાવ વધારે હતો. એમ મનાય છે કે જર્મન મિશનરીઓ એમના આદિવાસી અનુયાયીઓની બહુ મોટી સંખ્યાનો લાભ લઈને કંઈ અળવીતરાં ન કરે એટલા માટે બ્રિટિશ મિશનરીઓએ ટાના ભગત આંદોલન શરૂ કરાવ્યું. પરંતુ ટાના ભગત આંદોલન મુખ્યત્વે બ્રિટિશ સરકારની વિરુદ્ધ રહ્યું. એમાં ખાસ કરીને મુંડા અને ઉરાંવ આદિવાસી જોડાયા.

ટાના ભગત આંદોલનની શરૂઆત જતરા ભગત નામના એક વીસ-પચીસ વર્ષના યુવકે કરી. એણે જાહેર કર્યું કે એને ‘ધર્મેશ’ (ભગવાન)નાં દર્શન થયાં અને ભગવાને આદેશ આપ્યો છે કે ઉરાંવ આદિવાસીઓ હવેથી માત્ર  ભગવાનની ભક્તિ કરશે

મતિયાવ (ભૂતપ્રેત) ની પૂજા વગેરે બંધ કરી દેશે. દરેક જણે સાદું જીવન જીવવાનું છે, માંસ, દારુ, નાચગાન, આભૂષણો છોડવાનાં છે. જતરા ભગતના આદેશોમાં વૈષ્ણવ અને કબીરપંથીઓની અસર સ્પષ્ટ દેખાય છે.

જતરા ભગતે આ સાથે જ ઉપદેશ આપ્યો કે ઉરાંવ કાયમી  ખેતજમીન નહીં ખેડે અને એમની પરંપરાગત ઝૂમ ખેતી કરશે( આ પ્રકારની ખેતીમાં એક જગ્યાએ ઝાડઝાંખરાં બાળીને ખેતી કરાય છે, બીજા વર્ષે એ જમીનને પડતર રહેવા દેવાય છે કે જેથી એનાં રસકસ સચવાઈ રહે, દરેક પ્રદેશમાં એનાં જુદાં જુદાં નામ હોય છે). ઉરાંવને જમીનદારો કે સરકારના કર ચુકવવાની પણ મનાઈ કરી. થોડા જ વખતમાં  દૂર દૂરના આદિવાસીઓ પણ એના અનુયાયી બની ગયા. હવે માત્ર ઉરાંવ જ નહીં બીજા આદિવાસીઓ પણ ભળ્યા. આમ ભૂતપ્રેતમાં આસ્થા હટાવવા માટે શરૂ થયેલું આંદોલન હવે આર્થિક બની ગયું. સત્તાધારીઓ અને જમીનદારો આદિવાસીઓને કૂલી સમજતા પણ હવે આદિવાસીઓ કૂલીગીરી કરવાની ના પાડતા થઈ ગયા. જતરાના ઉપદેશમાં ઉપભોગવાદ માટે જગ્યા નહોતી. એટલે એવાં કામો છોડવાનું આદિવાસીઓ માટે સહેલું થઈ ગયું.

સરકારે જતરા સામે કામમાં આડે આવવા બદલ કેસ કર્યો અને બે વરસની સજા કરી. તે દરમિયાન એની પત્નીએ આંદોલનનું નેતૃત્વ સંભાળ્યું. ૧૯૧૫માં સજા પૂરી થતાં જતરા પાછો આવ્યો ત્યારે એ આંદોલનથી દૂર થઈ ગયો અને એક કોંટ્રૅક્તરને ત્યાં નોકરીએ લાગી ગયો. પણ જેલવાસ દરમિયાન એને રોગ લાગુ પડી ગયો હતો અને એનું થોડા જ વખતમાં મૃત્યુ થઈ ગયું.

જતરા પછી બીજા પણ ભગવાનનો આદેશ લઈને આવ્યા અને આંદોલન સંપૂર્ણપણે અંગ્રેજોની વિરુદ્ધ થઈ ગયું. ઉરાંવ હવે જર્મનીના વિજયનાં ગીતો બનાવતા થઈ ગયા. એમણે ‘જર્મન બાબા’ માટે ભજનો પણ બનાવ્યાં. એવામાં દુકાળ પડ્યો અને આદિવાસીઓ બીજે હિજરત કરવા લાગ્યા.

દરમિયાન સરગૂજાના નાના રજવાડામાં બળવો થઈ ગયો એમાં ૫૩ માણસ માર્યા ગયા. આ બળવો કિશન અને ઉરાંવ આદિવાસીઓએ કર્યો હતો. એમનો હેતુ બ્રિટન માટે દેશમાં અંધાધૂંધી ફેલાવવાનો હતો. જો કે એમણે હિંસાનો માર્ગ પહેલી વાર લીધો હતો. હિંસાચારમાં ઉરાંવનો ફાળો ઓછો રહ્યો તે ટાના ભગત આંદોલનનો પ્રભાવ ગણાય.

ધીરે ધીરે ભગત આંદોલનમાં નવા નેતા આવ્યા એમણે જતરા ભગતે આચારવિચાર માટે નક્કી કરેલાં ધોરણો હળવાં બનાવ્યાં, આંદોલન પણ રાષ્ટ્રીય આંદોલન તરફ ઢળવા લાગ્યું અને અંતે ગાંધીજીની રાંચીની એક મુલાકાત પછી પૂરેપૂરું ગાંધીજીના આંદોલનમાં ભળી ગયું.

૦૦૦

સંદર્ભઃ

૧. લેખક જનાર્દન ગોંડ https://www.forwardpress.in/2020/04/history-mangarh-bhil-tribes-hindi/

૨. https://en.themooknayak.com/bahujan-nayak/govind-guru-legacy-of-a-tribal-icon-and-freedom-fighter-in-rajasthan

૩. સંજય કુમાર – Kumar, S. THE TANA BHAGAT MOVEMENT IN CHOTANAGPUR (1914-1920). Proceedings of the Indian History Congress, 69, 723-731. https://www.jstor.org/stable/44147236

Design a site like this with WordPress.com
શરૂ કરો