Martyrs of Indian Freedom Struggle – 59 -The Salt Satyagragha and Its Nation-wide Ramifications-2

મીઠાનો સત્યાગ્રહ અને એની દેશવ્યાપી અસરો (૨)

મીઠાનો કાયદો તોડ્યા પછી બીજા જ દિવસે ગાંધીજીએ દેશની જનતાને બીજું આહ્વાન કર્યું અને બીજા મોરચા ખોલ્યાઃ દારૂનાં પીઠાં સામે પિકેટિંગ કરો, વિદેશી કપડાંની હોળી કરો, ખાદી પહેરો અફીણના અડાઓ પર છાપા મારો. એમણે વિદ્યાર્થીઓને શાળા-કોલેજો છોડવા, સરકારી નોકરોને રાજીનામાં આપી દેવા અને અસ્પૃશ્યતા વિરુદ્ધ આંદોલન શરૂ કરવા હાકલ કરી.

એક એક દિવસ પસાર થતો ગયો તેમ લોકોનું જોશ વધતું ગયું. જવાહરલાલ નહેરુના શબ્દોમાં દિવસોદિવસ દેશમાં ગરમી વધતી જતી હતી. હવે સરકાર જુદા જુદા પ્રાંતમાં જુદી જુદી રીતે લોકોને દબાવવાના પ્રયાસ કરવા લાગી. આખા દેશમાં સરકારે ધાર્યું નહોતું તેથી વધારે લોકો આ આંદોલનમાં જોડાયા. સરકારના અંદાજ પ્રમાણે આખા દેશમાં પચાસ લાખ લોકોએ સત્યાગ્રહમાં ભાગ લીધો અને સાઠ હજારથી વધારે માણસોની ધરપકડ થઈ. ગુજરાતમાં ઠેરઠેર ઘણા આગેવાનોની ધરપકડો થઈ. ગાંધીજીના બીજા પુત્ર રામદાસ ગાંધી પણ પકડાઈ ગયા. કરાંચી, મુંબઈ, મદ્રાસ બધે જ અહિંસક કાનૂનભંગની જ્વાળાઓ ભડકી ઊઠી. લોકો પોલીસની લાઠીઓ ખમતા રહ્યા અને જેલો ભરતા રહ્યા…ન પક્ડ્યા તો માત્ર એક મૂળ ગુનેગાર ગાંધીને!

જવાહરલાલ નહેરુ

નહેરુ પોતાની આત્મકથામાં લખે છેઃ

ઓચિંતોમીઠુંશબ્દ રહસ્યમય બની ગયો હતો, એ હવે શક્તિનો દ્યોતક શબ્દ હતો. સાદા મીઠાને લઈને રાષ્ટ્રીય આંદોલન ચલાવવાનો વિચાર બહુ ગળે નહોતો ઊતરતોપણ અમારી પાસે દલીલો માટે સમય નહોતો કારણ કે ઘટનાઓ બહુ ઝડપથી બનતી હતીઆખા દેશમાં, શહેરો અને ગામડાંઓમાં વાતનો વિષય માત્ર મીઠું કેમ બનાવાય, તે જ હતો. અમને તો એના વિશે કંઈ ખબર નહોતી એટલે અમે મીઠું કેમ બને તે વાંચી કાઢ્યું, એનાં ચોપાનિયાં વહેંચ્યાં અને અંતે કંઈક, ખાઈ ન શકાય એવું થોડુંઘણું મીઠું બનાવવામાં સફળ રહ્યા, જે અમે વિજય મળ્યાની નિશાની તરીકે દેખાડ્યું અને એ મનફાવતી કિંમતે વેચ્યું પણ ખરું. અમારું મીઠું સારું હતું કે ખરાબ, એ વાતનો કંઈ અર્થ નહોતો, અમે મીઠાનો કાયદો તોડ્યો હતો અને એમાં અમે સફળ થયા હતા. લોકોનો ઉત્સાહ દાવાનળ જેવો હતો, એ અમે જોયું ત્યારે થોડી શરમ આવી કે ગાંધીજીએ જ્યારે પહેલી વાર આ સૂચન કર્યું ત્યારે અમે શંકાઓ જાહેર કરી હતી. અમને એ માણસની લાખોને પ્રભાવિત કરીને એમને સંગઠિતપણે વર્તતા કરી દેવાની કુનેહનું આશ્ચર્ય થયું

નહેરુ પોતે ૧૪મી ઍપ્રિલે પકડાઈ ગયા. એ જ દિવસે જેલમાં જ એમના પર કેસ ચાલ્યો. સત્યાગ્રહીઓએ ગુનો તો કબૂલવાનો જ હતો. નહેરુને છ મહિનાની કેદની સજા થઈ.

જવાહરલાલ નહેરુનાં માતા સ્વરૂપરાણી દેવી

જે લોકો મીઠું બનાવી ન શક્યા તે ગાંધીજીએ જાહેર કરેલા નવા કાર્યક્રમ પ્રમાણે પરદેશી કપડાંની હોળી કરવા લાગ્યા. સ્ત્રીઓ દારૂનાં પીઠાંઓ સામે પિકેટિંગ કરવા લાગી. એક બાજુથી દારૂ પીવા આવતા અસભ્ય લોકો અને બીજી બાજુથી પીઠાના માલિકો, બન્ને બાજુની સતામણી સહીને સ્ત્રીઓ ગાંધીજીના અહિંસક આંદોલનને આગળ વધારતી રહી. મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગ કે શ્રીમંત કુટુંબોની સ્ત્રીઓ તો કદી ઘરની બહાર નીકળી નહોતી તે હવે જાહેર રસ્તાઓ પર ઝનૂની દારૂડિયાઓનાં અપમાનો અને ગાળો સહન કરવા લાગી. જેમ કે, જવાહરલાલ નહેરુનાં માતા સ્વરૂપરાણી દેવી અલ્હાબાદમાં એક સરઘસ પર ત્યારે પોલીસે લાઠીચાર્જ કરતાં ઘાયલ થયાં અને બેભાન થઈ ગયાં. આખા દેશમાં આ સમાચાર વાયુવેગે ફેલાઈ જતાં લોકો ગુસ્સાથી ઊકળી ઊઠ્યા.

કેરળમાં પય્યન્નુર સત્યાગ્રહ

કેરળના મલબાર પ્રદેશનું પય્યન્નુર મીઠાના સત્યાગ્રહનું મુખ્ય કેન્દ્ર હતું. ૧૩મી ઍપ્રિલે કે. કેલપ્પનના નેતૃત્વ હેઠળ ૩૨ સ્વયંસેવકોની જુદી જુદી ત્રણ ટુકડીઓએ કોળીકોડ (કલીકટ)થી કૂચ શરૂ કરી. ૧૯મીએ બીજું એક ગ્રુપ પાલક્કાડથી ઊપડ્યું. એ જ રીતે બીજાં બે ગ્રુપ પણ નીકળ્યાં, રસ્તામાં ગામેગામ એમના સ્વાગત માટે ઊમટી પડ્યાં. આંદોલન એક ઉત્સવ બની ગયું કારણ કે લોકો મનથી સ્વાધીન બની ગયા હતા.

૨૩મીનો સૂર્યોદય થયો ત્યારે કેલપ્પન એમના સાથીઓ સાથે સમુદ્રકાંઠે ગયા, થોડું મીઠું ઉપાડ્યું અને મીઠાના કાયદાનો ભંગ કર્યો.  હજારો લોકો એમને જોવા માટે એકઠા થયા હતા. સત્યાગ્રહીઓ પોલીસની હાજરીને અવગણીને ત્યાં જ પાણી ઉકાળવા લાગ્યા. પોલીસ અધિકારી આમૂ માટે આ મોટું અપમાન હતું. એના માણસો સત્યાગ્રહીઓ પર તૂટી પડ્યા. લાઠીઓના માર ખાતાં ખાતાં. સત્યાગ્રહીઓ “ભારત માતા કી જય” અને “ગાંધીજી કી જય” પોકારતા રહ્યા. કેલપ્પન ‘કેરળના ગાંધી’ તરીકે ઓળખાય છે.

વેદારણ્યમમાં સત્યાગ્રહ

મીઠાનો સત્યાગ્રહ શરૂ થયા પછી એક મહિનામાંચક્રવર્તી રાજગોપાલાચારી મદ્રાસ કોંગ્રેસના પ્રમુખ બન્યા અને એમણે પહેલું કામ મદ્રાસ પ્રાંતમાં મીઠાના સત્યાગ્રહનું કર્યું. એ કન્યાકુમારીમાં સત્યાગ્રહ કરવા માગતા હતા કારણ કે ત્યાં અરબી સમુદ્ર, હિન્દી મહાસાગર અને બંગાળનો ઉપસાગર ભેગા થાય છે. પણ કોંગ્રેસે એવું નક્કી કર્યું હતું કે માત્ર બ્રિટિશ અંકુશ હેઠળના પ્રદેશમાં જ આ આંદોલન ચલાવવું. કન્યાકુમારી ત્રાવણકોરના દેશી રાજ્યમાં હતું; એટલે તાંજોર (તંજાવ્વૂર) જિલ્લાનું વેદારણ્યમ નામનું નાનું ગામ પસંદ કરવામાં આવ્યું. ત્યાં મીઠું બનાવવાનું કારખાનું પણ હતું.

રાજાજીએ પણ ૧૫૦ માઇલનો રૂટ બનાવ્યો. સત્યાગ્રહમાં ભાગ લેવા માટે એમને હજારેક અરજીઓ મળી હતી, તેમાંથી એમણે ૯૮ જણને પસંદ કર્યા. એમાં રુક્મિણી લક્ષ્મીપતિ અને કે. કામરાજ નાદર, એમ. ભક્તવત્સલમ અને રાજાજીના પુત્ર સી. આર. નરસિમ્હમ પણ હતા.

મદ્રાસ સરકારે સત્યાગ્રહીઓને દબાવી દેવા ઘણા પ્રયત્ન કર્યા. જિલ્લા કલેક્ટરે હુકમ બહાર પાડ્યો કે સત્યાગ્રહીઓને ખાવાનું આપશે તેને છ મહિનાની સજા કરાશે. છાપાંઓના તંત્રીઓને પણ સત્યાગ્રહના સમાચાર છાપવાની મનાઈ કરી અને નિશાળિયાં બાળકોનાં માતાપિતાઓને એમનાં સંતાનો સત્યાગ્રહમાં ન પડે તેનું ધ્યાન રાખવાની ચેતવણી આપી.

૧૨મી ઍપ્રિલે ૯૮ સત્યાગ્રહીઓ ત્રિચિનાપલ્લી (હવે તિરુચિરાપલ્લી)માં રાજાજીને ઘરે એકઠા થયા અને બીજા દિવસે સવારે પાંચ વાગ્યે એમની યાત્રા શરૂ થઈ. રસ્તામાં એમને એક ગામે ધર્મશાળામાં પણ ઊતરવાની છૂટ ન મળી. જો કે એમને રાતવાસો કરવા કે જમવાની સગવડ આપનારા નીકળી આવ્યા. પણ એમને કલેક્ટરે છ-છ મહિના માટે કેદની સજા કરી. તે પછી લોકો ડરવા લાગ્યા. આમ છતાં લોકો મદદ કરવા તો તૈયાર જ હતા. હવે એમણે ભોજનનાં પેકેટ ઝાડ પર બાંધી દેવાનું શરૂ કર્યું. બીજી બાજુ. બ્રિટિશ સિપાઈઓનો લોકોએ બહિષ્કાર કર્યો. એમને કોઈ ખાવાપીવાનું ન આપે, માલ વેચવા તૈયાર ન થાય. પોલિસમાં કામ કરતા હિન્દીઓએ પોતાની ડ્યૂટી છોડી દીધી અને તે એટલે સુધી કે વાળંદ સરકારી નોકરના વાળ પણ ન કાપી આપે!

૨૮મી ઍપ્રિલે સત્યાગ્રહીઓ વેદારણ્યમ પહોંચ્યા. રાજાજીએ  ૩૦મી ઍપ્રિલે સત્યાગ્રહ કર્યો. રાજાજી અને બીજા ૧૬ જણ બે માઇલ ચાલીને મીઠાના અગર પાસે પહોંચ્યા ત્યારે ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ પોલીસ ટુકડી લઈને પહોંચ્યો અને એમને રોકી લીધા. રાજાજીની ધરપકડ કરી લેવાઈ. કામરાજ પણ પકડાયા. એમના પર લોકોને મીઠાનો કાયદો તોડવા માટે ઉશ્કેરવાનો આક્ષેપ હતો. રુક્મિણી લક્ષ્મીપતિને એક વર્ષની સજા થઈ. સવિનય કાનૂનભંગના આંદોલનમાં જેલમાં જનારાં એ પહેલાં મહિલા હતાં.

બીજા દિવસે લોકોએ દુકાનો બજારો બંધ રાખી. પોલીસના અત્યાચારો સામે નમતું આપ્યા વિના વેદારણ્યમમાં લોકોએ ઠેકઠેકાણે મીઠું બનાવ્યું.

૦૦૦

સંદર્ભઃ દાંડી કૂચથી શરૂ થયેલા ઘટના ચક્રના અંતિમ પ્રકરણના અંતે સંદર્ભ સૂચિ આપવાનું ધાર્યું છે.

Martyrs of Indian Freedom Struggle – 58 -The Salt Satyagragha and Its Nation-wide Ramifications-1

મીઠાનો સત્યાગ્રહ અને એની દેશવ્યાપી અસરો (૧)

૧૯૩૦ની ૧૨મી માર્ચે ગાંધીજીએ સાબરમતી આશ્રમથી કૂચ શરૂ કરી. ગાંધીજીએ ચીવટપૂર્વક આશ્રમવાસીઓને પસંદ કર્યા હતા. સ્ત્રીઓ જવા માગતી હતી પણ ગાંધીજીએ કહ્યું કે સ્ત્રીઓને આગળ કરવાથી પોલીસ સંયમ રાખશે અને એનું ખરું રૂપ સામે નહીં આવે. એ તો પુરુષોના બચાવ માટે સ્ત્રીઓનો ઢાલ તરીકે ઉપયોગ કરવા જેવું હતું. ૨૪૧ માઇલની યાત્રામાં રોજ દસથી પંદર માઇલ પગપાળા ચાલવાનું હતું.

પહેલી ટુકડીમાં પ્રદેશવાર લોકોની સંખ્યા આ પ્રમાણે હતીઃ ગુજરાતના ૩૨, મહારાષ્ટ્રના ૧૩, યુક્ત પ્રાંતના ૭. કચ્છના ૬. પંજાબના ૩, સિંધનો ૧, કેરળના ૪, રાજપુતાના (હવે રાજસ્થાન)ના ૩, આંધ્ર પ્રદેશનો ૧, કર્ણાટકનો ૧. મુંબઈના ૨, તમિલનાડુનો ૧, બિહાર, બંગાળ અને ઉત્કલ (હવે ઓડીશા), દરેકમાંથી એક, ઉપરાંત ફીજીનો એક (મૂળ યુક્ત પ્રાંતનો) અને નેપાળનો ૧. જાતિવાર ગણતરી કરતાં બે મુસલમાન, એક ખ્રિસ્તી, અને ૨ અસ્પૃશ્યો હતા.

ગુજરાતમાંથી ગાંધીજી ઉપરાંત બીજા ૩૧નાં નામ આ પ્રમાણે છેઃ છગનલાલ જોશી, જયંતી પારેખ, રસિક દેસાઈ, વિઠ્ઠલ, હરખજી, તનસુખ ભટ્ટ, કાંતિ ગાંધી, છોટુભાઈ પટેલ, વાલજીભાઈ દેસાઈ, પન્નાલાલ ઝવેરી, અબ્બાસ, પૂંજાભાઈ શાહ, સોમાભાઈ, હસમુખરામ, રામજીભાઈ વણકર, દિનકરરાવ, ભાનુશંકર, રાવજીભાઈ પટેલ, શિવાભાઈ, શંકરભાઈ, જશભાઈ, હરિદાસ વરજીવન ગાંધી, ચીમનલાલ, રમણીકલાલ મોદી, હરિદાસ મજુમદાર, અંબાલાલ પટેલ, માધવલાલ, લાલજી, રત્નજી, મણિલાલ ગાંધી (ગાંધીજીના પુત્ર); અને પુરાતન બૂચ. કચ્છમાંથી પૃથ્વીરાજ આસર, માધવજીભાઈ, નારણજીભાઈ. મગનભાઈ વોરા, ડુંગરસીભાઈ અને જેઠાલાલ જોડાયા.

(અહીં ગુજરાત-કચ્છનાં બધાં નામો આપવાનો ઉદ્દેશ એ છે કે વાચકોમાંથી કોઈ દાંડીકૂચમાં ગાંધીજીના સહયાત્રીઓના વંશવારસ પણ હોઈ શકે છે અને કદાચ એમનો અંગત ઇતિહાસ જાણવા મળે).

૧૦મી તારીખે, સરદાર પટેલની ધરપકડ થઈ તે જ દિવસે આશ્રમમાં ત્રણ હજાર માણસો પ્રાર્થના માટે આવ્યાં. ગાંધીજીએ લાંબું ભાષણ કરીને લોકોને ખાસ સંદેશ આપ્યોઃ

“…હિન્દુસ્તાનનાં સાત લાખ ગામડાંમાંથી દસ દસ માણસ પણ જો મીઠું પકવવા નીકળી પડે તો આ રાજ શું કરી શકેહજી કોઈ પણ બાદશાહ એવો નથી જન્મ્યો કે જેને વગર કારણે કોઈને તોપને ગોળે ચડાવ્યા હોય.એમ શાંતિથી કાનૂનભંગ કરીને આપણે સહેજે સરકારને કાયર કાયર કરી મૂકી શકીએ એમ છીએ…”

૧૧મીએ દસ હજાર માણસ એકઠાં થયાં. ગાંધીજીએ પોતે પકડાઈ જાય તે પછી પણ સત્યાગ્રહીઓની અખંડ ધારા વહેતી રાખવા અપીલ કરી, એટલું જ નહીં, આંદોલન ચલાવવાના જુદા જુદા રસ્તા પણ દેખાડ્યાઃ

“…જે જે ઠેકાણે મીઠાના કાયદાનો ભંગ કરી શકાય તે તે ઠેકાણે શરૂ થઈ જવો જ જોઈએ… આ ભંગના ત્રણ રસ્તા છેજ્યાં મીઠું સહેજે પકવી શકાય ત્યાં પકવવું એ ગુનો છેએ જેઓ લઈ જશે અને વેચશે તે ગુનો કરશેઅને જકાત વિનાનું મીઠું વેચાતું લેનાર પણ ગુનો કરશેમીઠાનો કાયદો તોડવાનો આ સહેલામાં સહેલો રસ્તો છેપણ આ એક જ કામ કરીને બેસી રહેવાનું નથીપણ જ્યાં સ્થાનિક કાર્યકર્તા હોયકોંગ્રેસની બંધી ન હોયકાર્યકર્તામાં આત્મ વિશ્વાસ હોય ત્યાં જેમને જે યુક્તિ સૂઝે તે ઉપયોગમાં લઈ શકે છેમારી એક જ શરત છેશાંતિ અને સત્યને માર્ગે સ્વરાજ મેળવવાની પ્રતિજ્ઞા કરેલી છે તેનું પાલન કરીને જેને જે કરવું હોય તે કરવાની છૂટ છે…”

ગાંધીજીને સાંભળવા માટે નડિયાદમાં પચીસ હજારની ભીડ એકઠી થઈ ગઈ. પરંતુ માત્ર નડિયાદ નહીં, બધે ઠેકાણે એ જ દશા હતી. નવસારી અને સૂરતમાં રાજગોપાલાચારી આવ્યા અને એમણે રાજદ્રોહના ગુના વિશે છણાવટ કરી કે કાયદો નિયમ વિરુદ્ધ થાય તેવી અપવાદરૂપ ઘટના માટે છે પણ બધા જ લોકો એ ગુનો કરતા હોય તો એમના માટે એ કાયદો નથી રહી શકતો. એમણે કહ્યું કે હજારો માણસો રોજ સભાઓમાં આવે છે તેનો અર્થ એ થયો કે બધાને રાજદ્રોહનો રોગ લાગુ પડ્યો છે, એમને શી સજા થઈ શકે?

શક્તિ સામે સત્યની લડાઈ

પાંચમી એપ્રિલે ગાંધીજીએ એક સંદેશ આપીને શક્તિ સામે સત્યની લડાઈ’માં આખી દુનિયાનો સાથ માગ્યો અને છઠ્ઠી ઍપ્રિલની સવારે આશરે બે હજાર સાથીઓ સાથે સમુદ્રમાં સ્નાન કર્યું. અને – મુંબઈના ગવર્નરના તારમાં જણાવ્યા પ્રમાણે – સ્નાન પછી એમણે પોતાના ઉતારા પાસેથી મીઠું ઉપાડ્યું અને જાહેર કર્યું કે પોતે મીઠાનો કાયદો તોડ્યો છેતે પછી એમણે દેશને હાકલ કરીઃ મુઠ્ઠી તૂટે, પણ મીઠું ન છૂટે !

ગાંધીજીએ લગભગ બે તોલા (૨૦ ગ્રામમીઠું ઉપાડીને જાતે જ સાફ કર્યુંઆ મીઠું પછી લીલામમાં વેચાયુંજે અમદાવાદના એક મિલમાલિક શેઠ રણછોડદાસ શોધને  ૫૨૫ રૂપિયામાં ખરીદી લીધું !

મુંબઈના ગવર્નરે લંડનમાં ગૃહ પ્રધાનને એ જ દિવસે કરેલા તારમાં આની વધારે વિગતો આપી તે પ્રમાણે ગાંધીજીના સાથીઓ પાંચ-છની ટુકડીઓ બનાવીને સમુદ્રનું પાણી મોટા અગરમાં ઉકાળવા માટે લઈ આવ્યા. ગવર્નર કહે છે કે દાંડીથી ત્રણ માઇલ દૂર આટ ગામેથી ૧૫ મણ ગેરકાનૂની મીઠું પણ જપ્ત કરવામાં આવ્યું. (એક મણ = ૪૦ શેર = લગભગ ૩૬ કિલો).

અને તે સાથે જ આખા દેશમાં ખૂણેખૂણે લોકો મીઠું બનાવતા થઈ ગયા. સમુદ્રમાંથી પાણી ભરીને લઈ જાય અને ઘરે બનાવેલી ભઠ્ઠી પર પાણી ઉકાળીને મીઠું અલગ તારવે. બીજા વેચવા લાગ્યા તો ઘણા ખરીદવા લાગ્યા. આખો દેશ ગુનો કરવા થનગનતો હતો..

૦૦૦

સંદર્ભઃ દાંડી કૂચથી શરૂ થયેલા ઘટના ચક્રના અંતિમ પ્રકરણના અંતે સંદર્ભ સૂચિ આપવાનું ધાર્યું છે.

Martyrs of Indian Freedom Struggle – 57 – A Tale of Two Tribal Movements

આદિવાસી વિદ્રોહની બે કથાઓ

આ લેખ શરૂ કરતાં પહેલાં એક ભૂલ બદલ ક્ષમા માગવાનું જરૂરી છે. ઘટનાક્રમમાં આ બન્ને વિદ્રોહોની કથા ચોરી ચૌરાથી પહેલાં અને ગદર પછી છે, પણ એ શરતચૂક થઈ છે. જાગ્રત મન તો આદિવાસીઓના સંગ્રામનું મૂલ્ય જરાય ઓછું નથી આંકતું પણ સુષુપ્ત મન કદાચ અંદરના શિક્ષિત, શહેરી મધ્યમ વર્ગીય માણસની ટેવોથી મુક્ત નથી થયું એટલે જ આ બન્ને ઘટનાઓ ક્રમમાં હોવા છતાં લખવાનું રહી ગયું. ચાલો, જાગ્યા ત્યાંથી સવાર.

૦૦૦

રાજસ્થાન અને ગુજરાતમાં ભીલોનો બળવો;

ભીલો

કોંગ્રેસની સ્થાપના પછી દેશમાં ત્રણ મોટા જન સંહાર થયા. જલિયાંવાલા બાગની ઘટનાથી આપણે પરિચિત જ છીએ. તે પછી કિસ્સા ખ્વાની બજારમાં  અહિંસક પઠાણો  પર બેફામ ગોળીબાર. પણ સૌથી પહેલો નરસંહાર ગુજરાત અને રાજસ્થાનની સરહદે બાંસવાડા જિલ્લાના માનગઢના પહાડોમાં થયો. અંગ્રેજો અને દેશી રાજાઓએ મળીને ૧૫૦૦ ભીલોને મોતને ઘાટે ઉતારી દીધા. આજે પણ ભીલો એને માનગઢ ધામ તરીકે ઓળખે છે.

આ આંદોલનના નેતા ગોવિંદ ગુરુ પોતે ભીલ નહોતા, એ લંબાડા (વણઝારા) હતા પણ અંગ્રેજો અને રાજાઓ સાથે મળીને શોષણ કરતા હતા તે એમનાથી જોઈ શકાયું નહીં. ભીલોએ મહારાણા પ્રતાપની સેનામાં ભારે કૌવત દેખાડ્યું હતું પણ એમનો ગૌરવશાળી ઇતિહાસ હવે શોષકોના પગ તળે ચગદાવા લાગ્યો હતો. એમના સ્વાભિમાન પર સતત હુમલા થતા હતા.

ગોવિંદ ગુરુએ પહેલાં તો એમનામાં સામાજિક સુધારા શરૂ કર્યા. દારૂ ન પીવો, માંસાહાર છોડવો, સ્ત્રીઓનું સન્માન કરવું, ચોરી ન કરવી, વગેરે.

ધીમે ધીમે ગુજરાત અને રાજસ્થાનના ભીલો એમના ઉપદેશોને માનતા થઈ ગયા. એમણે ગીતો પણ રચ્યાં:

अंग्रेजिया नई मानू. नई मानूं
हरि ना शरणा में गुरु गोविंद बोल्या
जांबू (देश) में जामलो (जनसमूह)
जागे है, अंग्रेजिया नई मानू. नई मानूं।।

(અંગ્રેજોને હું નહીં માનું. જંબુદેશમાં લોકો હવે જાગી ગયા છે. અંગ્રેજોને હું નહીં માનું…)

એમનું બીજું એક ગીત છે, જેમાં એમણે કહ્યું છે કે ભૂરિયા (અંગ્રેજો) જમીન લઈ લેવા આવ્યા છેઃ

दिल्ली रे दक्कण नू भूरिया, आवे है महराज।
मगरे झंडो नेके आवे है महराज।
नवो-नवो कानून काढे है महराज।।
दुनियां के लेके लिए आवे है महराज।
जमीं नु लेके लिए है महराज।।

હવે આદિવાસીઓ સંગઠિત થવા લાગ્યા અને એમના શોષક કોણ છે તે સમજવા લાગ્યા. ૧૮૮૩માં એમણે આદિવાસીઓ માટે સંપ સભાની સ્થાપના કરી. ૧૯૦૩માં એનું પહેલું સંમેલન મળ્યું ભીલોમાં જાગૃતિ આવી હતી. દેશી રાજાઓ પહેલાં એમની પાસે વેઠમજૂરી કરાવતા પણ હવે ભીલોએ એના માટે ચોખ્ખી ના પાડી દીધી. એમણે દારૂ છોડ્યો એટલે પીઠાં બંધ પડ્યાં અને સરકારની આવક ઘટવા લાગી. એમણે હવે ઉધાર લેવાનું બંધ કરી દીધું એટલે શાહુકારોની કમાણી પણ બંધ પડી. દેશી રાજાઓને ડર લાગવા માંડ્યો કે આટલી સશક્ત જાતિ જાગી જશે તો ક્યાંક એમનાં રાજપાટ ઝુંટવી ન લે!

૭મી ડિસેમ્બર, ૧૯૦૮ના રોજ સંપ સભાનું વાર્ષિક અધિવેશન  માનગઢ ધામ ખાતે યોજાયું હતું. જેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. ફરી ૧૯૧૩માં, ગોવિંદ ગુરુના નેતૃત્વમાં માનગઢમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ એકઠા થયા. તેમના વિરોધીઓએ એવી અફવા ફેલાવી કે આદિવાસીઓ રજવાડાઓ કબજે કરવાની તૈયારી કરી રહ્યા છે.

તે સમયે ગુજરાત બોમ્બે પ્રાંત હેઠળ હતું.૧૦ નવેમ્બર ૧૯૧૩ના રોજ બોમ્બે પ્રાંતની સેના ટેકરી પાસે પહોંચી પણ ભીલોએ અંગ્રેજ ફોજને પીછેહઠ કરવા ફરજ પાડી. ટેકરીથી દૂર લશ્કર થંભી ગયું. ૧૨મી નવેમ્બરે એક ભીલ પ્રતિનિધિ ટેકરી પરથી નીચે આવ્યો અને ભીલોનો માંગણી પત્ર સેનાના ઊપરીને સોંપ્યો પરંતુ સમાધાન ન થઈ શક્યું. કરારના અભાવે, ડુંગરપુર અને બાંસવાડાના રજવાડાઓએ અમદાવાદના કમિશનરને જાણ કરી કે જો “સંપ સભા”ના ભીલોને જલ્દી દબાવવામાં નહીં આવે, તો તેઓ તેમના રાજ્યને લૂંટી લેશે અને પોતાનું રાજ્ય સ્થાપશે.  અંગ્રેજ અધિકારીઓએ મેવાડ છાવણીમાંથી સેનાને બોલાવી. આ સેના ૧૭મીએ માનગઢ પહોંચી અને પહોંચતાની સાથે જ ગોળીબાર શરૂ કરી દીધો. કુલ પંદરસો મૃતદેહો એક પછી એક પડ્યા. ગોવિંદ ગુરુને પગમાં ગોળી વાગી હતી. તેઓ ત્યાં પડી ગયા. એમની ધરપકડ કરવામાં આવી. કેસ ચાલ્યો તેમાં એમને ફાંસીની સજા ફટકારવામાં આવી. પરંતુ બાદમાં ફાંસીની સજાને આજીવન કેદમાં બદલી દેવામાં આવી. સારા આચરણને કારણે તેમને ૧૯૨૩માં મુક્ત કરવામાં આવ્યા. તેમની મુક્તિ પછી, તેઓ ગુજરાતના પંચમહાલ જિલ્લાના કંબોઇ ગામમાં રહેવા લાગ્યા. જીવનના અંતિમ દિવસો સુધી તેઓ લોકકલ્યાણના કાર્યોમાં વ્યસ્ત રહ્યા. ત્યાં ૧૯૩૧માં તેમનું અવસાન થયું.

આજે પણ માનગઢ ટેકરીના પથ્થરો પર પંદરસો આદિવાસીઓની શહાદત કોતરેલી છે. ભીલોએ જે ધૂણી પ્રગટાવી તે આજે પણ જીવંત છે.

ઝારખંડમાં ટાના ભગત આંદોલન

બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થવાની અસર છોટા નાગપુર (હવે ઝારખંડ)માં પણ દેખાઈ. અહીં વટાળ પ્રવૃત્તિમાં માત્ર બ્રિટિશ મિશનરીઓ નહીં, જર્મની અને ઑસ્ટ્રિયાના મિશનરીઓ પણ સક્રિય હતા. વિશ્વયુદ્ધમાં બ્રિટન અને જર્મની સામસામે હતાં. આદિવાસીઓમાં જર્મન મિશનરીઓનો પ્રભાવ વધારે હતો. એમ મનાય છે કે જર્મન મિશનરીઓ એમના આદિવાસી અનુયાયીઓની બહુ મોટી સંખ્યાનો લાભ લઈને કંઈ અળવીતરાં ન કરે એટલા માટે બ્રિટિશ મિશનરીઓએ ટાના ભગત આંદોલન શરૂ કરાવ્યું. પરંતુ ટાના ભગત આંદોલન મુખ્યત્વે બ્રિટિશ સરકારની વિરુદ્ધ રહ્યું. એમાં ખાસ કરીને મુંડા અને ઉરાંવ આદિવાસી જોડાયા.

ટાના ભગત આંદોલનની શરૂઆત જતરા ભગત નામના એક વીસ-પચીસ વર્ષના યુવકે કરી. એણે જાહેર કર્યું કે એને ‘ધર્મેશ’ (ભગવાન)નાં દર્શન થયાં અને ભગવાને આદેશ આપ્યો છે કે ઉરાંવ આદિવાસીઓ હવેથી માત્ર  ભગવાનની ભક્તિ કરશે

મતિયાવ (ભૂતપ્રેત) ની પૂજા વગેરે બંધ કરી દેશે. દરેક જણે સાદું જીવન જીવવાનું છે, માંસ, દારુ, નાચગાન, આભૂષણો છોડવાનાં છે. જતરા ભગતના આદેશોમાં વૈષ્ણવ અને કબીરપંથીઓની અસર સ્પષ્ટ દેખાય છે.

જતરા ભગતે આ સાથે જ ઉપદેશ આપ્યો કે ઉરાંવ કાયમી  ખેતજમીન નહીં ખેડે અને એમની પરંપરાગત ઝૂમ ખેતી કરશે( આ પ્રકારની ખેતીમાં એક જગ્યાએ ઝાડઝાંખરાં બાળીને ખેતી કરાય છે, બીજા વર્ષે એ જમીનને પડતર રહેવા દેવાય છે કે જેથી એનાં રસકસ સચવાઈ રહે, દરેક પ્રદેશમાં એનાં જુદાં જુદાં નામ હોય છે). ઉરાંવને જમીનદારો કે સરકારના કર ચુકવવાની પણ મનાઈ કરી. થોડા જ વખતમાં  દૂર દૂરના આદિવાસીઓ પણ એના અનુયાયી બની ગયા. હવે માત્ર ઉરાંવ જ નહીં બીજા આદિવાસીઓ પણ ભળ્યા. આમ ભૂતપ્રેતમાં આસ્થા હટાવવા માટે શરૂ થયેલું આંદોલન હવે આર્થિક બની ગયું. સત્તાધારીઓ અને જમીનદારો આદિવાસીઓને કૂલી સમજતા પણ હવે આદિવાસીઓ કૂલીગીરી કરવાની ના પાડતા થઈ ગયા. જતરાના ઉપદેશમાં ઉપભોગવાદ માટે જગ્યા નહોતી. એટલે એવાં કામો છોડવાનું આદિવાસીઓ માટે સહેલું થઈ ગયું.

સરકારે જતરા સામે કામમાં આડે આવવા બદલ કેસ કર્યો અને બે વરસની સજા કરી. તે દરમિયાન એની પત્નીએ આંદોલનનું નેતૃત્વ સંભાળ્યું. ૧૯૧૫માં સજા પૂરી થતાં જતરા પાછો આવ્યો ત્યારે એ આંદોલનથી દૂર થઈ ગયો અને એક કોંટ્રૅક્તરને ત્યાં નોકરીએ લાગી ગયો. પણ જેલવાસ દરમિયાન એને રોગ લાગુ પડી ગયો હતો અને એનું થોડા જ વખતમાં મૃત્યુ થઈ ગયું.

જતરા પછી બીજા પણ ભગવાનનો આદેશ લઈને આવ્યા અને આંદોલન સંપૂર્ણપણે અંગ્રેજોની વિરુદ્ધ થઈ ગયું. ઉરાંવ હવે જર્મનીના વિજયનાં ગીતો બનાવતા થઈ ગયા. એમણે ‘જર્મન બાબા’ માટે ભજનો પણ બનાવ્યાં. એવામાં દુકાળ પડ્યો અને આદિવાસીઓ બીજે હિજરત કરવા લાગ્યા.

દરમિયાન સરગૂજાના નાના રજવાડામાં બળવો થઈ ગયો એમાં ૫૩ માણસ માર્યા ગયા. આ બળવો કિશન અને ઉરાંવ આદિવાસીઓએ કર્યો હતો. એમનો હેતુ બ્રિટન માટે દેશમાં અંધાધૂંધી ફેલાવવાનો હતો. જો કે એમણે હિંસાનો માર્ગ પહેલી વાર લીધો હતો. હિંસાચારમાં ઉરાંવનો ફાળો ઓછો રહ્યો તે ટાના ભગત આંદોલનનો પ્રભાવ ગણાય.

ધીરે ધીરે ભગત આંદોલનમાં નવા નેતા આવ્યા એમણે જતરા ભગતે આચારવિચાર માટે નક્કી કરેલાં ધોરણો હળવાં બનાવ્યાં, આંદોલન પણ રાષ્ટ્રીય આંદોલન તરફ ઢળવા લાગ્યું અને અંતે ગાંધીજીની રાંચીની એક મુલાકાત પછી પૂરેપૂરું ગાંધીજીના આંદોલનમાં ભળી ગયું.

૦૦૦

સંદર્ભઃ

૧. લેખક જનાર્દન ગોંડ https://www.forwardpress.in/2020/04/history-mangarh-bhil-tribes-hindi/

૨. https://en.themooknayak.com/bahujan-nayak/govind-guru-legacy-of-a-tribal-icon-and-freedom-fighter-in-rajasthan

૩. સંજય કુમાર – Kumar, S. THE TANA BHAGAT MOVEMENT IN CHOTANAGPUR (1914-1920). Proceedings of the Indian History Congress, 69, 723-731. https://www.jstor.org/stable/44147236

Martyrs of Indian Freedom Struggle – 56. – The Women Revolutionary Associates of Masterda

માસ્ટરદાની મહિલા સાથીઓ

બંગાળની યુવાન પેઢી પર માસ્ટરદાની મોહિની એવી છવાયેલી હતી કે દેશની સ્વાધીનતા માટે એમના નામે ફના થઈ જવા માટે યુવાન છોકરા કે છોકરી તત્પર હતાં. છોકરીઓએ ગજબ બહાદુરી દેખાડી.

એમાં પણ સનસનાટીભરી હત્યા તો તિપેરાના જિલ્લા મૅજિસ્ટ્રેટ સી. બી. જી. સ્ટીવન્સની હતી. સ્કૂલમાં ભણતી બે પંદર-સોળ વર્ષની છોકરીઓ, શાંતિસુધા ઘોષ અને સુનીતિ ચૌધરી સ્વીમિંગ ક્લબ માટે મદદ માગવા સ્ટીવન્સને મળવા ગઈ. એમણે પોતાનાં નામ ‘ઈલા સેન’ અને ‘મીરા દેવી’ લખ્યાં. સ્ટીવન્સે બન્નેને અંદર બોલાવી. બન્નેએ અંદર જતાંવેંત ગોળીઓ છોડવાનું શરૂ કરી દીધું. સ્ટીવન્સ બચવા માટે પાસેના રૂમ તરફ ભાગ્યો પણ એને છાતીમાં ગોળી વાગી હતી એટલે એ ત્યાં જ ઢળી પડ્યો. બે જણે છોકરીઓને પકડી લીધી. રૉબર્ટ રીડ લખે છે કે એ કોમિલ્લા ગયો અને સ્ટીવન્સના અંતિમ સંસ્કારમાં જોડાયો. તે પછી એ જેલમાં શાંતિ અને સુનીતિને મળવા ગયો. બન્ને છોકરીઓએ પોતે જે કર્યું તેના માટે અફસોસ પણ ન દેખાડ્યો. એમની ત્રીજી સાથી પ્રફુલ્લા નાંદીને પોલીસે ઘરમાં જ નજરકેદ કરી લીધી. પરંતુ એને દાક્તરી મદદની જરૂર હતી જે બરાબર ન મળતાં પાંચ વર્ષ પછી એનું અવસાન થયું. શાંતિ અને સુનીતિને જનમટીપની સજાઓ થઈ પણ ૧૯૩૯માં આમ-માફી મળતાં બન્ને બહાર આવી. શાંતિસુધા પછી કોંગ્રેસમાં જોડાયાં. પશ્ચિમ બંગાળાની વિધાન પરિષદ અને વિધાનસભામાં પણ ચુંટાયાં. ૧૯૮૯માં એમનું અવસાન થયું.

સુનીતિ  જેલમાંથી બહાર આવ્યાં ત્યારે માત્ર ૨૨ વર્ષનાં હતાં પછી એમણે અભ્યાસ આગળ વધાર્યો અને MBBS થયાં. ૧૯૮૮માં એમનું અવસાન થયું.

આ ઘટના પછી દોઢ મહિને એક ૧૮ વર્ષની છોકરી બીના દાસ પિસ્તોલ સાથે કલકત્તા યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં ઘૂસી ગઈ. ગવર્નર સ્ટેન્લી જૅક્સન યુનિવર્સિટીના ચાન્સેલર તરીકે પદવીઓનું વિતરણ કરતો હતો.  બીનાએ એના પર ગોળીઓ છોડી. જૅક્સન જૂનો ક્રિકેટર હોવાથી બાઉંસર સામે તરત નમી જવાનું જાણતો હતો એટલે બચી ગયો. તે પછી વાઇસ ચાન્સેલર હસન સુહરાવર્દી (મુસ્લિમ લીગના નેતા) એ વચ્ચે આવીને ગવર્નરને બચાવી લીધો. બીનાની હૉસ્ટેલના રૂમની ઝડતી લેતાં સ્ટીવન્સની હત્યા કરનાર છોકરીઓ શાંતિ અને સુનીતિના ફોટા મળ્યા. બીનાએ એની સામે કામ ચાલ્યું ત્યારે કોર્ટમાં કહ્યું કે વ્યક્તિ જૅક્સન સામે એને કંઈ વાંધો નહોતો, એને ગવર્નર જૅક્સન પર ગોળી છોડી હતી. જૅક્સનની જગ્યાએ બીજો કોઈ હોત તો પણ એણે એને મારવાની કોશિશ કરી હોત! બીનાને પણ જનમટીપ મળી પણ ૧૯૩૯માં એને છોડી મૂકવામાં આવ્યાં. તે પછી એ ક્રાન્તિકારી જ્યોતિષ ચંદ્ર ભૌમિકને પરણ્યાં અને ૧૯૪૨માં ક્વિટ ઇંડિયા આંદોલનમાં એમને ત્રણ વર્ષની સજા થઈ તે પછી એમણે શિક્ષિકા તરીકે જીવન ગાળ્યું. એમની સામાજિક સેવાઓ માટે એમને પદ્મશ્રી પણ અપાયો. પતિના અવસાન પછી ઋષિકેશમાં એકલાં રહેતાં હતાં. ૧૯૮૬માં રસ્તાને કિનારે એમનું અવસાન થયું ત્યારે એમની ઓળખ કરનાર કોઈ નહોતું. ઘણા દિવસો પછી એક વખતના શિક્ષણ મંત્રી ત્રિગુણ સેને એમના દેહની ઓળખ આપી.

બે છોકરીઓ, કલ્પના દત્તા અને પ્રીતિલતા વડ્ડેદાર, પ્રાથમિક શાળાથી સાથે હતી. જો કે પ્રીતિ કલ્પના કરતાં એક વર્ષ આગળ હતી. બન્નેની આર્થિક સ્થિતિમાં પણ ફેર હતો. કલ્પનાનું ઘર સુખી હતું, પણ પ્રીતિલતાના પિતાજી ક્લાર્ક હતા અને પગારમાં ચાર સંતાનોનો ઉછેર કરવામાં જ મુશ્કેલી પડતી હતી. નાની ઉંમરે જ પ્રીતિલતા માતાની હાજરી હોવા છતાં ઘર ચલાવતાં. પિતા પોતાનો પગાર એમના જ હાથમાં મૂકતા. બન્ને બહેનપણીઓ ટેનિસ રમતાં રમતાં ક્યારે ક્રાન્તિકારીઓની પાર્ટીમાં સામેલ થઈ ગઈ તે કુટુંબીઓને ખબર પણ ન પડી. પ્રીતિલતા ભણવામાં સારાં હતાં અને કલકત્તા યુનિવર્સિટીમાં જવા માગતાં હતાં પણ ઢાકા યુનિવર્સિટીમાં જવું પડ્યું. કલ્પના ક્લકત્તા યુનિવર્સિટીમાં ગયાં.

ચિતાગોંગ આર્મરી પરના હુમલા વખતે જ પ્રીતિલતા પાર્ટીમાં આવી ગયાં હતાં પણ માસ્ટરદાને મળ્યાં નહોતાં. પરંતુ આર્મરી પરના હુમલા પછી ક્રાન્તિકારીઓ જલાલા-બાદની ટેકરીઓમાં છુપાયા હતા તેમાં પ્રીતિલતા પણ હતાં આપણે જોયું કે માસ્ટરદા સૈનિકોએ જલાલાબાદની ટેકરીઓ પર હુમલો કર્યો ત્યારે જ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. એમની સાથે નિર્મલ સેન અને પ્રીતિલતાને પણ એ લેતા ગયા હતા.રોકાયા હતા પણ ઓચિંતા જ પોલીસે છાપો મારતાં નિર્મલ સેન માર્યા ગયા અને પ્રીતિલતા એકલાં જ ભાગી નીકળ્યાં. પછી એક ક્રાન્તિકારી હુમલામાં એ સખત ઘવાયાં અને મોતને પોતે જ બોલાવી લીધું

૨૪ની સપ્ટેમ્બર ૧૯૩૨, શનિવાર. પહાડતલી રેલવે ઑફિસર્સ ક્લબ સ્ટેશન પાસે જ હતી. દર શનિવારે રેલવેના યુરોપિયન અધિકારીઓ ત્યાં એકઠા થતા અને મોજમસ્તી કરતા. પણ એ રાત મોજમસ્તીની નહોતી. રાતે નવ વાગ્યે ઓચિંતા બોંબધડાકા થયા અને ચીસાચીસ થઈ પડી. પંદર મિનિટ પછી ક્લબમાં શાંતિ છવાઈ ગઈ, માત્ર ઘાયલોના કણસવાના અવાજો ઊઠતા હતા. પ્રીતિલતા વડ્ડેદારની આગેવાની નીચે આઠ નવલોહિયા ક્રાન્તિકારીઓએ સફળ હુમલો કર્યો હતો અને બધા હેમખેમ પાછા આવી ગયા હતા, એક માત્ર પ્રીતિલતા સિવાય. એમની છાતીમાં અણીદાર કરચો ઘૂસી ગઈ હતી, પહેરેલું શર્ટ લોહી-લોહી થઈ ગયું હતું. એ આગળ ડગલું ભરી શકે તેમ નહોતાં. એમણે ગજવામાંથી પોટેશિયમ સાઇનાઇડની ગોળી કાઢીને ચાવી લીધી. ક્લબથી માત્ર દસેક મીટરના અંતરે એમનો દેહ મળી આવ્યો. દેશ માટે ઘણા જુવાનોએ ફાંસીના ફંદાને વહાલો ગણ્યો પણ ક્રાન્તિકારી પરાક્રમમાં જાતે જ મોતને ભેટનાર પહેલાં મહિલા તરીકેનું માન પ્રીતિલતા વડ્ડેદારને ફાળે જાય છે.

તે વખતે કલ્પના જેલમાં હતાં. માસ્ટરદા અને તારકેશ્વર દસ્તીદાર પકડાયા ત્યારે એ પણ પકડાઈ ગયાં. એ જ કેસમાં માસ્ટરદા અને તારકેશ્વરને મોતની સજા થઈ પણ કલ્પનાની ઉંમર માત્ર ૧૮ વર્ષની હતી એટલે ફાંસીથી બચી ગયાં, પણ આજીવન કેદ મળી. જો કે છ વર્ષ પછી ૧૯૩૯માં એ આમ-માફી હેઠળ બહાર આવ્યાં. જેલજીવન દરમિયાન એ કમ્યુનિસ્ટોના સંપર્કમાં આવ્યાં હતાં અને વ્યક્તિગત વીરતાને સ્થાને સામુદાયિક ચેતના જગાવવા માટે વિચારતાં થઈ ગયાં હતાં. એમણે ૧૯૪૨ની ક્વિટ ઇંડિયા મૂવમેંટમાં પણ ભાગ લીધો અને એમાં ત્રણ વર્ષની કારાવાસની સજા થઈ. તે પછી એ બહાર આવ્યાં અને કમ્યુનિસ્ટ પાર્ટીના એ વખતના જનરલ સેક્રેટરી પી. સી. જોશી સાથે પરણ્યાં, પતિ તો કમાતા નહોતા પણ કલ્પનાએ ક્લકતાના ઇંડિયન સ્ટેટિસ્ટિકલ ઇંસ્ટીટ્યૂટમાં નોકરી કરી લીધી. નિવૃત્તિ પછી પણ એ સામાજિક કાર્યોમાં સક્રિય રહ્યાં. ૧૯૯૫માં એમનું પણ અવસાન થતાં માસ્ટરદાનાં અંતિમ અનન્ય સાથીએ પણ વિદાય લીધી.

આ મહાન સન્નારીઓને સલામ. બંગાળમાં ૧૯૩૦ના દાયકામાં જે સશસ્ત્ર ક્રાન્તિકારી આંદોલન થયું તેમાં માસ્ટરદાની ભૂમિકા બહુ મહત્ત્વની રહી. ઘણાય વીરોનાં નામ અહીં રહી ગયાં છે, કારણ કે ઇતિહાસ એટલો ફેલાયેલો છે કે બધું એક જ સ્રોતમાંથી નથી મળી શક્યું. પરંતુ એ તમામ વીરો અને વીરાંગનાઓ, જેમણે પ્રાણ ન આપ્યા હોય તો પણ બહુ મોટાં બલિદાન આપ્યાં, ક્રાન્તિકારીઓને આશરો આપવાના કે એમના સંદેશાઓની આપ-લે કરવાના અપરાધમાં સાવિત્રી દેવી, સુહાસિની ગાંગુલી અને બીજી અનેક મહિલાઓને ચાર-ચાર વર્ષની સજાઓ થઈ, એ સૌને વંદન કરીએ. જેમનો ઉલ્લેખ રહી ગયો હોય તે સૌની ક્ષમાયાચના સાથે આ ચિત્તાગોંગના અધ્યાયને અહીં સમાપ્ત કરીએ છીએ.

000

સંદર્ભઃ

૧.Years of Change in Bengal and Assam. સર રૉબર્ટ રીડ, ૧૯૬૬.

૨. Gentlemanly Terrorists: Political Violence and the Colonial State in India. દુર્વા ઘોષ ગૂગલ બુક્સ

૩. Chitttagong Armoury Raiders – કલ્પના દત્ત. ( આ પુસ્તક કલ્પનાજીએ પોતે જ લખ્યું છે. પાછલી જિંદગીમાં એમણે ‘દત્તા’ને બદલે ‘દત્ત’ લખવાનું શરૂ કર્યું હતું. આ પુસ્તક મૂળ ૧૯૪૬માં પ્રકાશિત થયું.

બધી તસવીરો બિનવ્યાવસાયિક હેતુ માટે ઇંટરનેટ પરથી લીધી છે. આ ઉપરાંત કેટલીયે વેબસાઇટો પણ જોઈ છે જેની સૂચી નીચે આપી છેઃ

    1. culturalindia.net
    2. indiafacts.org
    3. thebetterindia.com/155824/
    4. www.thebetterindia.com/181498/
    5. mythicalindia.com/features-page/
    6. thedailystar.net
    7. myind.net
    8. self.gutenberg.org
    9. historica.fandom.com
    10. feminisminindia.com

Martyrs of Indian Freedom Struggle – 55. Chittagong armoury raid – 2

માસ્ટરદાની આગેવાની હેઠળ ચિત્તાગોંગના શસ્ત્રાગાર પર હુમલો  (૨)

ચિત્તાગોંગના ક્રાંતિકારીઓમાંથી જે કોઈ પકડાઈ ગયા હતા તેમની સામે કેસ ચાલ્યો અને ૧ માર્ચ ૧૯૩૨ના રોજ ચુકાદો આવ્યો. ૧૨ જણને તરીપાર કરવામાં આવ્યા, ૩૨ નિર્દોષ ઠર્યા અને બાકીનાને બે-ત્રણ વર્ષની સજાઓ થઈ. સૌથી નાના ૧૪ વર્ષના સુબોધ રાયને જનમટીપની સજા થઈ.

આ બાજુ માસ્ટરદા ક્યાં છે તે કોઈ જાણતું નહોતું. એ પોતાનાં સ્થાન બદલતા રહેતા હતા અને જે કંઈ કામ મળે તે કરીને કામ ચલાવતા હતા. ક્યારેક એ ખેડૂત બની જતા તો ક્યારેક દૂધવાળાના વેશમાં દૂધ વેચવા નીકળતા. એમને જાણનારા લોકો ભારે જોખમ ઉઠાવીને એમના ભોજન અને રહેવાસની વ્યવસ્થા કરતા. એમના માથા સાટે પોલીસે દસ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.

સૂર્ય સેન એ વખતે એક નેત્ર સેન નામની વ્યક્તિને ઘરે સંતાયા હતા. પણ એણે દસ હજાર રૂપિયાની લાલચમાં એમને પકડાવી દીધા. જો કે નેત્ર સેન દસ હજાર રૂપિયાની મઝા માણી ન શક્યો. એક વાર એ જમતો હતો ત્યારે એક ક્રાન્તિકારી નેત્ર સેનને ઘરે આવ્યો અને લાંબા છરાથી એનું ગળું રહેંસી નાખ્યું. એની પત્નીની નજર સામે આ બન્યું પણ એણે પોલીસને ક્રાન્તિકારીનું નામ ન કહ્યું.

હવે ક્રાન્તિકારીઓ માસ્ટરદાને જેલમાંથી છોડાવવાની તરકીબો શોધવા લાગ્યા. યુગાંતર પાર્ટીની ચિત્તાગોંગ શાખાના પ્રમુખ તારકેશ્વર દસ્તીદારે એની યોજના ઘડી, પણ એ પાર પાડી શકાય તે પહેલાં જ પોલિસને એની જાણ થઈ ગઈ અને તારકેશ્વર દસ્તીદાર, કલ્પના દત્તા અને બીજા કેટલાયની પોલીસે ધરપકડ કરી લીધી.

સૂર્ય સેન અને તારકેશ્વર દસ્તીદારને કોર્ટે મોતની સજા કરી. ૧૯૩૪ની ૧૨મી જાન્યુઆરીએ બન્ને વીરોને ફાંસી આપી દેવાઈ.

પછી મળેલી માહિતી મુજબ માસ્ટરદા પર પોલીસે જુલમ ગુજારીને એમના દાંત તોડી નાખ્યા હતા, હથોડા મારીને હાથપગ ભાંગી નાખ્યા હતા. રિપોર્ટ પ્રમાણે એ બેહોશ હતા તેમ છતાં ફાંસીએ લટકાવી દેવાયા. જેલના અધિકારીઓને એમની લાશો કુટુંબીજનોને સોંપતાં ડર લાગ્યો એટલે કશા જ અંતિમ સંસ્કાર વિના બે ટ્રંકમાં લાશો ઠાંસીને બંગાળના ઉપસાગરમાં ફેંકી દીધી. માસ્ટરદા અને એમના સાથીઓના આપણે ઋણી છીએ.

૦૦૦

સરકારના અત્યાચારો અને ક્રાન્તિકારીઓના હુમલા: ડાયનેમાઇટ કેસ

૧૯૩૧ના જૂનમાં ચિત્તાગોંગમાં આખું ડાયનેમાઇટનું નેટવર્ક પકડાઈ ગયું. લોકો ક્રાન્તિકારીઓની શક્તિથી પ્રભાવિત થઈ ગયા અને પોલીસ માટે આ શરમની વાત હતી. તરત જ ચિત્તાગોંગ આર્મરીના કેસમાં જેમને જામીન મળ્યા હતા કે જે નિર્દોષ છૂટ્યા હતા એવા પાંચ જણને ફરી પકડી લેવામાં આવ્યા અને એમના પર જુલમો ગુજારવામાં આવ્યા, તો પણ એમણે પાર્ટીનું કોઈ રહસ્ય છતું ન કર્યું. આમ છતાં એમની છૂટીછવાઈ વાતોના તાર સાંધવામાં જેલના સત્તાવાળાઓ સફળ રહ્યા. આ સમાચાર બહાર પહોંચતાં આ કેદીઓ સુધી કેમ પહોંચવું તે મોટો સવાલ હતો. એમણે ખરેખર કંઈ કહ્યું હતું કે નહીં તે જાણવું જરૂરી હતું. આથી એક રસ્તો કાઢવામાં આવ્યો અને આર્મરી હુમલાના એક સાથી અનંતા સિંઘ જાતે જ પોલીસને શરણે થઈ ગયા. હવે એ જેલમાં વિદ્રોહીઓને મળી શકતા હતા!

એમણે એ  કેદી યુવાનોને ધરપત આપી અને ખાતરી કરી લીધી કે એમાંથી કોઈએ કોઈ વાત બહાર નહોતી પાડી.

બીજી બાજુ, પોલીસ અધિકારી ક્રેગને મારવાના પ્રયાસમાં એક બંગાળી અધિકારી માર્યો ગયો હતો કારણ કે ક્રેગની જગ્યાએ એ ગયો હતો. આ કેસમાં બે યુવાનો, રામકૃષ્ણ બિશ્વાસ અને કાલીપદા ચક્રવર્તીને સજા થઈ. રામકૃષ્ણને ફાંસી આપી દેવાઈ અને કાલીપદાને દેશનિકાલની સજા થઈ.

અત્યાચારો એટલી હદ સુધી વધી ગયા કે લોકોનો ટેકો મળવાનો સવાલ જ ન હોય. હુમલા પછી એક મહિને કેટલાંયે ગામોમાં પોલિસે ક્રાન્તિકારીઓને પકડવા માટે છાપા માર્યા. એમણે ઘરોમાં ઘૂસીને લોકોને માર્યા અને ઘરવખરીની તોડફોડ કરી. આના પછી જ્યારે બંગાળના આઠ અગ્રગણ્ય નેતાઓની ટીમ આ ગામોની તપાસ માટે ગઈ તો સત્ય બહાર આવ્યું કે લોકો તો ગાંધીજીના મીઠાના સત્યાગ્રહને અનુસરીને મીઠું બનાવતા હતા.

બદલામાં ક્રાન્તિકારીઓએ વીણી વીણીને અંગ્રેજ અધિકારીઓને મારી નાખવાનું શરૂ કર્યું. આ પ્રવૃત્તિ ૧૯૩૭ સુધી ચાલી. ૧૯૩૨ની ૩૦મી એપ્રિલે મિદનાપુર જિલ્લાના કલેક્ટરને એક ક્રાન્તિકારીએ ગોળીથી ઉડાવી દીધો. જો કે, ક્રાન્તિકારી ત્યાં જ પકડાઈ ગયો. ૧૯૩૦ના ઑગસ્ટમાં જ કોલકાતાના પોલીસ વડા લૉમૅનને ઢાકામાં મારી નાખ્યો અને એની જગ્યાએ આવેલા ટેગર્ટ પર હુમલો થયો. લૉમૅનની હત્યા કરનાર વિદ્યાર્થી બિનૉયકૃષ્ણ બસુએ આઠમી ડિસેમ્બરે બાદલ ગુપ્ત અને દિનેશચંદ્ર ગુપ્ત સાથે મળીને રાઇટર્સ બિલ્ડિંગ પર છાપો માર્યો અને જેલોના ઇન્સ્પેક્ટર જનરલ એન. એસ. સિમ્પસનની ઑફિસમાં જઈને એને મળવાની પરવાનગી માગી. એમને અંદર જવાની છૂટ મળતાં એ અંદર ગયા અને સિમ્પસન માથું ઊંચું કરીને એમને જુએ તેનાથી પહેલાં જ એના પર ગોળીઓ વરસાવી અને પછી બેફામ ગોળીબાર કરતા ભાગ્યા. એક અધિકારી ટાઉનસેન્ડે પોતાના રૂમમાંથી એમને ભાગતા જોયા અને એમનો રસ્તો રોકવા ખુરશી ફેંકી, પણ બિનૉય અને એના સાથીઓની ગોળી છુટી અને એના ગળામાં ખૂંપી ગઈ. નેલસને એક ક્રાન્તિકારીને પકડ્યો પણ એને જાંઘમાં ગોળી વાગી. ત્રણેય ક્રાન્તિકારીઓ નેલસનના રૂમમાં હતા ત્યારે નાયબ ઇન્સ્પેક્ટર જનરલ ત્યાં પહોંચ્યો. ત્રણમાંથી બિનૉયે ઝેર ખાઈ લીધું હતું, બાદલને માથામાં ગોળી વાગી હતી, એ મરવાનો હતો. ત્રીજા દિનેશ ગુપ્તાને ડોકમાં ગોળી લાગી હતી. એ પકડાઈ ગયો. એના પર કામ ચાલ્યું અને એને ફાંસી આપી દેવાઈ.

તે પછી ૧૯૩૧ના માર્ચમાં મિદનાપુરના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જેમ્સ પેડીને કોઈએ મારી નાખ્યો. તપાસમાં જણાયું કે એની હત્યાની યોજનામાં વીસેક જણ સામેલ હતા, પણ ગામમાંથી કોઈ સાક્ષી ન મળ્યો.

ક્રાન્તિકારીઓને પાસેના હિજલી કૅમ્પમાં રાખવામાં આવ્યા હતા. ત્યાં એમણે બળવો કર્યો. પેડીની જગ્યાએ આવેલા નવા કલેક્ટર આર. ડગ્લસે આ બળવાને દબાવી દીધો પણ થોડા જ દિવસોમાં એની પણ હત્યા થઈ ગઈ. એ જ વર્ષના જુલાઈમાં અલીપુર કોર્ટમાં જજ ગાર્લિકને મોતને ઘાટે ઉતારી દીધો અને ઑગસ્ટમાં ચિતાગોંગના કેસની તપાસ કરનાર ઇન્સ્પેક્ટર અહેસાનુલ્લાહ ખાન પણ માર્યો ગયો. ઑક્ટોબરમાં મૈમનસિંઘ જિલ્લામાં આઈ. સી. એસ. અધિકારી એલ. જી. ડર્નો પર હુમલો થયો. એ તો બચી ગયો પણ એણે એક આંખ ગુમાવી. બીજા જ દિવસે યુરોપિયન ઍસોસિએશનના એક નેતા ઍડવર્ડ વિલિયર્સ પર ક્રાન્તિકારીઓએ હુમલો કર્યો પણ એ નજીવી ઈજાઓ સાથે બચી ગયો.

ચિત્તાગોંગના ક્રાન્તિકારીઓમાં ઘણી યુવાન સ્ત્રીઓ પણ હતી. આવતે અઠવાડિયે એમની કથા.

000

સંદર્ભઃ

૧.Years of Change in Bengal and Assam. સર રૉબર્ટ રીડ, ૧૯૬૬.

૨. Gentlemanly Terrorists: Political Violence and the Colonial State in India. દુર્વા ઘોષ ગૂગલ બુક્સ

૩. Chitttagong Armoury Raiders – કલ્પના દત્ત. (આ પુસ્તક કલ્પનાજીએ પોતે જ લખ્યું છે. પાછલી જિંદગીમાં એમણે ‘દત્તા’ને બદલે ‘દત્ત’ લખવાનું શરૂ કર્યું હતું. આ પુસ્તક મૂળ ૧૯૪૬માં પ્રકાશિત થયું.

બધી તસવીરો બિનવ્યાવસાયિક હેતુ માટે ઇંટરનેટ પરથી લીધી છે. આ ઉપરાંત કેટલીયે વેબસાઇટો પણ જોઈ છે જેની સૂચી નીચે આપી છેઃ

  1. culturalindia.net
  2. indiafacts.org
  3. thebetterindia.com/155824/
  4. www.thebetterindia.com/181498/5. mythicalindia.com/features-page/
  5. thedailystar.net
  6. myind.net
  7. self.gutenberg.org
  8. historica.fandom.com
  9. feminisminindia.com

Martyrs of Indian Freedom Struggle – 54. Chittagong armoury raid -1

માસ્ટરદાની આગેવાની હેઠળ ચિત્તાગોંગના શસ્ત્રાગાર પર હુમલો  (૧)

એક બાજુ, ભગતસિંઘ, રાજગુરુ અને સુખદેવ પર ખટલો ચાલતો હતો, ગાંધીજીની દાંડી યાત્રા હજી સમાપ્ત જ થઈ હતી એ જ અરસામાં ૧૮મી ઍપ્રિલ ૧૯૩૦ના રોજ માસ્ટરદા સૂર્ય સેનની સરદારી હેઠળ કૉલેજ અને સ્કૂલના છોકરાઓએ ચિત્તાગોંગમાં શસ્ત્રાગાર પર હુમલો કરીને દેશભરમાં ખળભળાટ મચાવી દીધો.

સૂર્ય સેન એક સ્કૂલમાં શિક્ષક હતા. પહેલાં તો એ કોંગ્રેસમાં જોડાયા હતા અને ૧૯૨૦માં ગાંધીજીના અસહકાર આંદોલનમાં સક્રિય હતા પણ ચૌરીચૌરાના બનાવ પછી ગાંધીજીએ આંદોલન રોકી દીધું  તે એમને  ન ગમ્યું અને માત્ર શસ્ત્રોને માર્ગે જ આઝાદી મળશે એમ માનતા થઈ ગયા. તે પછી એમણે અંગ્રેજો વિરુદ્ધ એમણે સ્કૂલ અને કૉલેજના વિદ્યાર્થીઓને સંગઠિત કરવાનું શરૂ કર્યું અને ઇંડિયન રીપબ્લિકન આર્મીની રચના કરી. એમણે એલાન કર્યું: ભારતના યુવાનોને માથે ક્રાન્તિનું એક મહાન કાર્ય આવી પડ્યું છે. આપણા રાષ્ટ્રનાં અરમાન અને અપેક્ષાઓને સંતોષવાનું દેશભક્તિપૂર્ણ કાર્ય કરવાની જવાબદારી પાર પાડવાનું ગૌરવ આપણને ચિત્તાગોંગવાસીઓને મળે છે.”

માસ્ટરદાએ એકઠા કરેલા યુવાનોમાં ગણેશ ઘોષ, લોકનાથ બાલ, નિર્મલ સેન, અંબિકા ચક્રવર્તી, નરેશ રાય, વિનોદ બિહારી ચૌધરી, તારકેશ્વર દસ્તીદાર, શશાંક દત્તા, અર્ધેન્દુ દસ્તીદાર, હરિગોપાલ બાલ (ટેગરા), અનંતા સિંઘ, જીવન ગોસ્વામી. આનંદ પ્રસાદ ગુપ્ત, પ્રીતિલતા વોડેદાર, કલ્પના દત્તા, સુબોધ રાય, દેવી પ્રસાદ ગુપ્ત અને બીજા ઘણા યુવાનો હતા.

માસ્ટરદા અને એમના ભાઈ તારકેશ્વર દસ્તીદારનું સાહસિક કૃત્ય કાકોરીમાં ટ્રેન લૂંટવાના નિષ્ફળ બનાવ પછીની આ એક બહુ જ સફળ કાર્યવાહી હતી. ઇંડિયન રીપબ્લિક આર્મીની વ્યૂહરચના એ હતી કે બૅંકો લૂંટવી, સરકારી તિજોરી લૂંટવી, ચિત્તાગોંગને કલકતાથી વીખૂટું પાડી દેવા માટે રેલવે સેવાઓ ખોરવી નાખવી, તાર-ટપાલ ઑફિસો પર હુમલા કરવા અને શસ્ત્રાગારો પર હુમલા કરવા.

***

રાજશાહી ડિવીઝનનો કમિશનર સર રૉબર્ટ રીડ વાઘના શિકારે જવાની તૈયારી કરતો હતો ત્યારે એને સમાચાર મળ્યા કે ચિત્તાગોંગ આર્મરી પર વિદ્રોહીઓએ હુમલો કર્યો છે. રૉબર્ટ રીડનો રિપોર્ટ જોઈએઃ ૧૮મી ઍપ્રિલ ૧૯૩૦, ગૂડ ફ્રાઇડેના દિવસે લાંબા વખતથી બંગાળ પ્રાંતમાં સુષુપ્ત પડેલું બંગાળી ત્રાસવાદી આંદોલન ખૂબ તીવ્રતાથી સક્રિય થયું. અત્યાચાર લગભગ ગાંધીએ મુંબઈના કાંઠે દાંડીમાં મીઠાનો કાયદો તોડવા સાથે શરૂ કરેલા સવિનય કાનૂનભંગને પગલે શરૂ થયોઆર્મરી પરનો છાપો બંગાળમાં ત્રાસવાદી પાર્ટીએ કરેલો સૌથી મોટો બળવો હતો અને બહુ કાળજીથી એની યોજના બની હતી.”

રીડના જણાવ્યા પ્રમાણે વિદ્રોહીઓએ ચાર ટુકડીઓ બનાવી હતી. એ બધા એ રાતે કોંગ્રેસ પાર્ટીની ઑફિસે એકઠા થયા. ગણેશ ઘોષના નેતૃત્વ હેઠળ છ વિદ્રોહીઓની એક ટુકડીએ પોલીસના શસ્ત્રાગાર (આર્મરી) પર હુમલો કરવાનો હતો. બીજી ટૂકડીની જવાબદારી લોકનાથ બાલને સોંપાઈ હતી, એમની સાથે દસ જણ હતા. એમણે સહાયક લશ્કરી દળના શસ્ત્રાગાર પર હુમલો કરવાનો હતો. ત્રીજી ટુકડીએ યુરોપિયનોની ક્લબ પર છાપો મારવાનો હતો અને ચોથી ટુકડીએ ટેલીફોન એક્સચેન્જ અને ટેલીગ્રાફ ઑફિસને નષ્ટ કરવાનાં હતાં.

ક્લબ પર હુમલો કરનારી ટુકડી ત્યાં પહોંચી ત્યારે ક્લબ ખાલી હતી એટલે એ ટુકડી બીજી કોઈ ટુકડી સાથે ભળી ગઈ. પોલીસ આર્મરી પર પચાસ માણસોએ હુમલો કર્યો. એમણે ત્યાંના સંત્રીને ગોળીએ દીધો અને તલવારો, પિસ્તોલો પોતાના કબ્જામાં લઈ લીધી. એ જ વખતે એકાદ માઇલ દૂર બીજી ટુકડીએ આર્મરીના સહાયક દળના શસ્ત્રાગાર પર હુમલો કર્યો. આમાં એક સાર્જન્ટ-મેજર અને બે સિપાઈ માર્યા ગયા. તે પછી વિદ્રોહીઓએ આર્મરીનો દરવાજો તોડી નાખ્યો અને રાઇફલો, પિસ્તોલો અને કારતુસો લઈ લીધાં. પણ બન્ને હુમલામાં કોઈ મોટો જથ્થો હાથ ન લાગ્યો.

ટેલિગ્રાફ ઑફિસ પર ગયેલી ટુકડીએ ઑફિસને ધ્વસ્ત કરી નાખી. તે પછી એમણે ચિત્તાગોંગને ‘સ્વતંત્ર’ જાહેર કર્યું અને બધા પોલીસ લાઇનમાં એકઠા થયા. અહીં ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ જે. સી. ફાર્મરને સમાચાર મળી ગયા હતા એટલે એણે બંદર પરની નાની હથિયારબંધ ટુકડીને એક તોપ સાથ બોલાવી લીધી હતી. એના તોપમારા પછી વિદ્રોહીઓ શહેરની બહાર જલાલાબાદની ટેકરીઓના જંગલમાં સંતાઈ ગયા.

અહીં એ ત્રણ દિવસથી થાક્યાપાક્યા, ખાધાપીધા વગર પડ્યા હતા. પ્રભાષ પાલને એમણે પહેરા માટે રાખ્યો હતો. ત્યાંથી એક ટ્રેન પસાર થતી. એનું ત્યાં સ્ટેશન નહોતું પણ એ ઊભી રહી. પ્રભાષને કંઈક વિચિત્ર લાગ્યું. એણે જોયું કે ટ્રેનમાંથી ઇન્ફન્ટ્રીના સૈનિકો ઊતર્યા. પ્રભાષે બીજા બધાને સાવધાન કરી દીધા.  આ જોઈને માસ્ટરદાએ  તરત લોકનાથ બાલને ‘સર્વાધિનાયક” બનાવ્યા અને પોતે નિર્મલ સેન અને પ્રીતિલતા વોડેદાર સાથે ત્યાંથી નીકળી ગયા.

ટેકરીઓ પર હવે ક્રાન્તિકારીઓ અને ઇન્ફન્ટ્રીના ગોરખા સૈનિકો વચ્ચે ઘમસાણ યુદ્ધ ખેલાયું. ક્રાન્તિકારીઓ મચક આપતા નહોતા. પણ એમની બંદુકો હવે જામ થવા માંડી હતી. તેલ તો હતું નહીં. એટલે એમણે પોતાના ઘાયલ સાથીઓના લોહીનો ઉપયોગ ઊંઝણ તરીકે કર્યો. પોલીસ દળ પણ થાકવા લાગ્યું હતું. એંસી ગોરખા સૈનિકો માર્યા ગયા હતા અને ક્રાન્તિકારીઓને રાતના અંધારામાં પકડી શકાય તેમ નહોતું એટલે સાંજ પડતાં, રીડના શબ્દોમાં શહેરની ભયભીત વસ્તીના રક્ષણ માટે ટુકડીને પાછી બોલાવી લેવાઈ.

તે પછી ક્રાન્તિકારીઓ ટેકરીઓ પરથી નીચે આવ્યા. એમના ૧૨ સાથીઓ વીરમૃત્યુને ભેટ્યા હતા. વળી બીજી સવારે પોલીસ પાર્ટીએ હુમલો કરતાં કેટલાયે વિદ્રોહીઓના જાન ગયા કે પકડાઈ ગયા. આ હુમલામાં કુલ ૬૫ ક્રાન્તિકારીઓ હતા.

આ બાજુ, પ્રીતિલતા અને નિર્મલ સેન ઢાલગટ ગામમાં છુપાઈ ગયાં અને બે પોલીસ અધિકારીઓ અહેસાનુલ્લાહ ખાન અને ચાર્લ્સ જ્‍હોનસનને મારી નાખવાની યોજના બનાવતાં હતાં પણ અહેસાનુલ્લાહને ખબર મળી ગયા.. પોલીસે એમના છુપાવાના સ્થળ પર હુમલો કર્યો. નિર્મલ ઝપાઝપી માટે તૈયાર હતા પણ કંઈ કરે તે પહેલાં જ એ ગોળીનો શિકાર બની ગયા. એ માસ્ટરદાના નાના ભાઈ હતા. એમના મૃત્યુ પછી પ્રીતિલતા એકલાં જ ભાગી છૂટ્યાં. ચિત્તાગોંગના પોલીસ શસ્ત્રાગાર પર હુમલો કરવાની યોજનામાં માસ્ટરદાને પ્રીતિલતાની બહુ મદદ મળી હતી.

ક્રાન્તિકારીઓમાંથી કેટલાક ચંદ્રનગર પહોંચી ગયા હતા. ચંદ્રનગર અને પોંડીચેરી એ વખતે ફ્રેન્ચ નિયંત્રણમાં હતાં. પરંતુ કલકત્તાનો પોલીસ કમિશનર ટેગર્ટ ફ્રાન્સના વહીવટદારનો મિત્ર હતો એટલે ટેગર્ટ ચંદ્રનગર જઈ શક્યો અને ત્યાં બધા ક્રાન્તિકારીઓને ફ્રાન્સની મદદથી શોધીને મારી નાખ્યા.

ચાર મહિના પછી, ઑગસ્ટમાં ટેગર્ટ કલકત્તાના ડલહૌઝી ચોકમાંથી જતો હતો ત્યારે એના પર બોંબ ફેંકાયો પણ એ બચી ગયો. એ જ મહિનાના અંતમાં કલકત્તાના બે પોલીસ ઑફિસરો લૉસન અને હૉડસન ઢાકામાં કોઈ પોલીસ ઑફિસરને મળવા ગયા ત્યારે એમના પર ક્રાન્તિકારીઓએ હુમલો કર્યો. લૉસન માર્યો ગયો પણ હૉડસન લાંબા વખત સુધી પથારી ભેગો થઈ ગયો. લૉસનના મૃત્યુ પછી ક્રેગ ઇન્સ્પેક્ટર જનરલ બન્યો. એના પર પણ હુમલો કરવાની ક્રાન્તિકારીઓની યોજના હતી, એમણે હુમલો કર્યો પણ ક્રેગને બદલે એક બંગાળી પોલીસ ઑફિસર છટકાની જગ્યાએ આવ્યો અને ક્રાન્તિકારીઓની બંદૂકોનું નિશાન બની ગયો.

ચિત્તાગોંગના વીરોની ગાથા હજી આગળ ચાલશે.

૦૦૦

સંદર્ભઃ

૧.Years of Change in Bengal and Assam. સર રૉબર્ટ રીડ, ૧૯૬૬. (archive.org પરથી ૧૪ દિવસ માટે વાંચવા માટે લઈ શકાશે).

૨.culturalindia.net

  1. indiafacts.org

૪. thebetterindia.com/155824/

૫. mythicalindia.com/features-page/

૬. thedailystar.net

૭. myind.net

૮. self.gutenberg.org

૯. historica.fandom.com

Martyrs of Indian Freedom Struggle – 53. Death sentence to Bhagat Singh, Rajguru and Sukhdev

ભગત સિંઘ, રાજગુરુ અને સુખદેવને ફાંસી

લાહોર કાવતરા કેસ ચાલતો હતો તે દરમિયાન જ સૌંડર્સની હત્યામાં પણ ભગત સિંઘનો હાથ હોવાનું પોલીસે શોધી કાઢ્યું હતું. આમ કેસ હવે વધારે જટિલ બની ગયો હતો. આ ગુનામાં ઘણી ધરપકડો થઈ, જેમાં શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપર પણ હતા. ભગત સિંઘ તો જેલમાં જ હતા, એમની નવા અપરાધ માટે ફરી ધરપકડ કરવામાં આવી.

લૉર્ડ અર્વિને ૧૯૩૦ના મે મહિનાની પહેલી તારીખે એક વટહુકમ બહાર પાડીને આ કેસ ટ્રાઇબ્યુનલ સમક્ષ ચલાવવાનો આદેશ આપી દીધો. હવે ટ્રાઇબ્યુનલના હુકમ સામે માત્ર પ્રીવી કાઉંસિલમાં જ અપીલ થઈ શકે એવો આદેશ હતો. જે. કોલ્ડસ્ટ્રીમ આગા હૈદર અને જી. સી. હિલ્ટન ત્રણ ન્યાયાધીશ હતા.

પાંચમી તારીખે સુનાવણી શરૂ થઈ. ક્રાન્તિકારીઓ દરરોજ જોશભર્યાં ક્રાન્તિગીતો ગાતા અદાલતમાં આવતા. ભગત સિંઘે આ ટ્રાઇબ્યુનલ ગેરકાનૂની છે એવી દલીલ રજૂ કરવા માટે પંદર દિવસનો સમય માગ્યો. પણ એ માગણી ટ્રાઇબ્યુનલે ન માની. ટ્રાઇબ્યુનલની નીમણૂક ક્રાન્તિકારીઓની ભૂખહડતાલને કારણે થઈ એવું વટહુકમમાં જણાવ્યું હતું. આની સામે ભગત સિંઘે વાંધો લીધો. બીજા જ દિવસે વાઇસરૉય શિમલામાં હતો તેને પત્ર લખીને કહ્યું કે ભૂખહડતાલ સમાપ્ત થઈ ગઈ હતી એટલે તમારો હેતુ જુદો જ છે. તમારા વટહુકમો અમારી ભાવનાઓને દબાવી નહીં શકે. તમે થોડા માણસોને કચડવામાં સફળ થઈ જશો પણ આ રાષ્ટ્રને કચડી નહીં શકો. આ વટહુકમના સંદર્ભની વાત કરીએ તો અમે એને અમારી ભવ્ય સફળતા માનીએ છીએ.”

૨૪ ક્રાન્તિકારીઓનાં નામ લેવાયાં તેમાંથી ૧૬ પર કાર્યવાહી શરૂ થઈ, પણ બટુકેશ્વર દત્ત સામેના આરોપ પણ પછી પડતા મુકાયા. બાકીના ૧૫ હતાઃ સુખદેવ, ભગત સિંઘ, કિશોરી લાલ, દેસરાજ, પ્રેમદત્ત, જયદેવ કપૂર, શિવ વર્મા, મહાવીર સિંહ, યતીન્દ્રનાથ, અજયકુમાર ઘોષ, યતીન્દ્ર સાન્યાલ, વિજયકુમાર સિન્હા, શિવરામ રાજગુરુ, કુંદનલાલ અને કમલનાથ તિવારી.

૧૨મી તારીખે ભગત સિંઘ અને સાથીઓને હાથકડી પહેરાવીને કોર્ટમાં લાવવામાં આવ્યા, પણ હાથકડી સાથે જ બસમાંથી ઊતરવાનો એમણે ઇનકાર કરી દીધો. એમને બળજબરીથી ઉતારવાનો ટ્રાઇબ્યુનલે હુકમ કર્યો તો ક્રાન્તિકારીઓએ કોર્ટની કાર્યવાહીનો બહિષ્કાર જાહેર કર્યો. બપોરે જમવાના સમયે એમની હાથકડીઓ ખોલી નાખી પણ વળી પાછી લગાડી દેવાનો હુકમ થતાં ભગત સિંઘ અને સાથીઓએ એનો વિરોધ કર્યો. ટ્રાઇબ્યુનલના પ્રમુખ કોલ્ડસ્ટ્રીમે આથી ગુસ્સામાં હિન્દુસ્તાનીઓને ગાળો દઈને લાઠીઓથી ભગત સિંઘને પીટવાનો હુકમ કર્યો. જાહેર જનતા, પત્રકારો અને સાથીઓની નજર સામે પોલીસે ભગત સિંઘને લાઠી અને જોડાથી માર માર્યો. ભગત સિંઘે હિન્દી જજ આગા હૈદરનું નામ લઈને કહ્યું કે એ હિન્દુસ્તાની છે કે કેમ? આવો જજ શું ન્યાય કરવાનો? બીજા દિવસે આખા દેશે ભગત સિંઘ દિન મનાવ્યો, પરિણામે કોલ્ડસ્ટ્રીમને લાંબી રજા પર જવું પડ્યું., આગા હૈદરને હટાવી નાખ્યો અને નવી ટ્રાઇબ્યુનલ બની, જેમાં હિલ્ટન પ્રમુખ બન્યો અને જે. કે. ટેપ અને અબ્દુલ કાદિર નવા જજ બન્યા.

આ દરમિયાન ઘણા દેશભક્તોનું માનવું હતું કે બચાવ ન કરવાની હઠની કારણે સજાઓ થઈ છે. ભગત સિંઘના પિતા કિશન સિંઘ ગદર પાર્ટીના સક્રિય કાર્યકર્તા હતા. પુત્ર પોતાનો બચાવ નથી કરવા માગતો જાણીને એમને દુઃખ થયું અને પ્રીવી કાઉંસિલમાં અપીલ કરવાની એમણે તૈયારી કરી. ભગત સિંઘને આ પસંદ ન આવ્યું. એમણે પિતાને પત્ર લખીને પોતાનો સૈદ્ધાંતિક પક્ષ સમજાવ્યો અને પિતાના વલણ સાથે અસંમતિ દર્શાવી કે એમના આ પ્રયાસથી ક્રાન્તિકારી સાથીઓમાં એમની છાપ ખરાબ થઈ હોય તે શક્ય છે.૩૦મી સપ્ટેમ્બરે લખેલો પત્ર સરદાર કિશન સિંઘને ચોથી ઑક્ટોબરે મળ્યો.

સાતમી ઑક્ટોબર ૧૯૩૦ના રોજ ટ્રાઇબ્યુનલે પોતાનો ચુકાદો સંભળાવી દીધો. ભગતસિંઘ, રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા આપી, અને બીજાઓને પણ કોઈને આજીવન કેદ, કોઈને દસ વર્ષની મજૂરી સાથેની કેદ વગેરે સજાઓ કરી. ટ્રાઇબુનલે ‘ડેથ વૉરંટ’ પર સહીઓ કરીને ૧૭મી ઑક્ટોબરે ફાંસી આપવાની તારીખ નક્કી કરી. બીજા આરોપીઓમાંથી કુંદન લાલને સાત વર્ષની અને પ્રેમ દત્તને પાંચ વર્ષની વર્ષની સખત કેદની સજા થઈ. મહાવીર સિંઘ, કિશોરી લાલ, વિજય કુમાર સિંઘ, શિવ વર્મા, ગયા પ્રસાદ, જય દેવ અને કમલનાથ તિવારીને કાળા પાણીની સજા થઈ; અજય ઘોષ, જતીન્દ્ર નાથ સાન્યાલ અને દેસ રાજ નિર્દોષ ઠર્યા.

આખા દેશમાં હાહાકાર મચી ગયો. દેશના ખૂણેખૂણેથી ભગત સિંઘ, રાજગુરુ અને સુખદેવને બચાવી લેવાની માગણી ઊઠવા લાગી. એમની સજા સામે પ્રીવી કાઉંસિલમાં અપીલ કરવા માટે પંજાબમાં ‘ડિફેન્સ કમિટી’ની રચના કરવામાં આવી. ભગત સિંઘને આ પ્રયાસો પસંદ ન આવ્યા, પણ એક ફાયદો હતો કે Bhagat Singh v. The King Emperor કેસ ચાલે તો બ્રિટનની જનતાને સંદેશો મળે કે હિન્દુસ્તાનમાં અંગ્રેજોના શાસન સામે રોષ હતો અને હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિકન ઍસોસિએશન વિશે જનતા જાણતી થાય.

પ્રીવી કાઉંસિલ સમક્ષ એવી દલીલો રજુ કરવામાં આવી કે વાઇસરૉયે ટ્રાઇબ્યુનલની પુનર્રચના કરીને અપીલનો અધિકાર ઝુંટવી લીધો તે ગેરકાયદે હતું. વાઇસરૉયને દેશમાં અરાજકતા જેવું સંકટ હોય ત્યારે જ ટ્રાઇબ્યુનલ નીમવાનો અધિકાર મળે છે, પણ દેશમાં એવું કોઈ સંકટ નથી. પરંતુ પ્રીવી કાઉંસિલના બોર્ડે આ બધી દલીલો નકારી કાઢી અને ૧૯૩૧ની ૨૭મી ફેબ્રુઆરીએ ભગતસિંઘની અરજી કાઢી નાખી.

ગાંધીજી અને સુભાષબાબુ

આમ છતાં ભગત સિંઘ, રાજગુરુ અને સુખદેવને બચાવવાના પ્રયાસો ચાલુ રહ્યા. સુભાષ ચંદ્ર બોઝ એ દિવસોમાં મુંબઈમાં ગાંધીજીને મળ્યા અને એમણે પણ વાઇસરૉય અર્વિન સમક્ષ આ મુદ્દો રજૂ કરવા ગાંધીજીને આગ્રહ કર્યો. સુભાષ બાબુ એમના પુસ્તક The Indian Struggle – 1919 – 1928 માં લખે છે કે તે પછી ગાંધીજી અને સુભાષ બાબુ પોતે બન્ને એ જ ટ્રેનમાં મુંબઈથી દિલ્હી સાથે આવ્યા. દિલ્હી આવતાં એમને જે સમાચાર મળ્યા તે Bomb Shell જેવા હતા – સરકારે ફાંસી આપવાની નવી તારીખ ૨૪મી માર્ચ જાહેર કરી દીધી હતી. સુભાષ બાબુ લખે છે કે લૉર્ડ અર્વિન સાથે ગાંધીજીએ પહેલાં વાતચીત કરી હતી ત્યારે એમના પર અને બીજા બધા નેતાઓ પર એવી છાપ પડી હતી કે અર્વિન સજા મુલતવી રાખવા તૈયાર હતો. સૌએ એનો અર્થ એવો જ કર્યો હતો કે સજા રદ કરવી હોય તો જ મોકૂફ રાખવાની તૈયારી વાઇસરૉયે દેખાડી છે.

ગાંધીજીએ અર્વિનને ૨૩મીની સવારે જ પત્ર લખ્યો અને માણસ મોકલીને પહોંચાડ્યો. ગાંધીજીએ  લખ્યું કે પોતે અહિંસામાં માનતા હોવાથી મૃત્યુદંડની વિરુદ્ધ છે. ભગત સિંઘ, રાજગુરુ અને સુખદેવને ફાંસી ન આપવાનો આગ્રહ કરતાં એમણે કહ્યું કે એમને માફી આપવી એ દેશમાં શાંતિના હિતમાં હશે.”

આની અસર વાઇસરૉય પર ઉલ્ટી થઈ.  એને લાગ્યું કે ગાંધીજીએ  દેશમાં તોફાન ફાટી નીકળવાની ધમકી આપી છે. એક જ અઠવાડિયા પછી અર્વિનની મુદત પૂરી થતી હતી. એણે ઇંગ્લેંડ પાછા ફરવાનું હતું. એના એક વિદાય સમારંભમાં એણે કહ્યું કે એક શાંતિ દૂત આવું કહે એ અજંપો થાય એવી વાત હતી.

અમને ગોળીથી ઉડાડી દો”

આ પહેલાં, ૨૦મી માર્ચે ભગત સિંઘ, રાજગુરુ અને સુખદેવે પંજાબના ગવર્નરને પત્ર લખ્યો અને કહ્યું કે સાતમી ઑક્ટોબર ૧૯૩૦ના ટ્રાઇબ્યુનલે અમને ફાંસીએ લટકાવવાનો ચુકાદો આપ્યો તેમાં કહ્યું છે કે અમે ઇંગ્લૅંડના રાજા સામે યુદ્ધ આદર્યું હતું. આનો અર્થ એ થાય કે બ્રિટનના રાજા અને હિન્દુસ્તાનની જનતા વચ્ચે લડાઈ ચાલે છે, આવું કહીને સરકારે અમને માન આપ્યું છે. અને અમે એના સૈનિકો છીએ. આ લડાઈ હજી ચાલુ જ છે એટલે અને યુદ્ધકેદી માની લો.

જ્યાં સુધી અમારા દેશના ગરીબ ખેડૂતો અને મજૂરોનાં લોહી ચૂસીને તમે પોતાનો ઇજારો સ્થાપ્યો છે તે અમે પાછો ન લઈએ ત્યાં સુધી લડાઈ ચાલવાની છે. અને આ શોષન કરનાર હિન્દુસ્તાની હોય તો પણ લડાઈ ચાલુ રહેશે. એટલે અમને યુદ્ધ કેદી તરીકે ફાંસીએ ચડાવવાને બદલે તમારી ફોજને આદેશ આપો લે સૈનિકોની એક ટુકડી મોકલે અને અમને ગોળીથી ઉડાડી દે!

સાથીઓને છેલ્લો પત્ર

ભગત સિંઘને હજી સુધી ઘણા લોકો દયાની અરજી કરવા સમજાવતા હતા. ૨૨મી માર્ચે એમણે સાથીઓને પત્ર લખ્યો, એમાંથી દેખાય છે કે એ પોતાની ભૂમિકા અને ઇતિહાસમાં એમને મળનારા સ્થાન વિશે કેટલા સભાન હતા. એમણે લખ્યું:

સાથીઓ,

સ્વાભાવિક છે કે જીવવાની ઇચ્છા મારામાં પણ હોવી જોઈએ, હું એને છુપાવતો નથી. પણ એક શરતે જીવતો રહી શકું છું કે હું કેદમાં કે બંધાઈને જીવવા નથી માગતો.

મારું નામ હિન્દુસ્તાની ક્રાન્તિનું પ્રતીક બની ગયું છે અને ક્રાન્તિકારી જૂથના આદર્શો અને બલિદાનોએ મને બહુ ઊંચે પહોંચાડી દીધો છે – એટલો ઊંચે કે જીવતો રહું તો એટલો ઊંચે તો ક્યારેય ન પહોંચી શકું.

આજ મારી નબળાઈઓ જનતાની સામે નથી. ફાંસીથી બચી જઈશ તો એ જાહેર થઈ જશે અને ક્રાન્તિનું પ્રતીક ચિહ્ન ઝાંખું પડી જશે અને કદાચ ભુંસાઈ પણ જાય. પણ દિલેરીથી હસતાં હસતાં ફાંસી ચડી જાઉં એવી સ્થિતિમાં હિન્દુસ્તાની માતાઓ પોતાનાં બાળકો ભગત સિંઘ બને એવી પ્રાર્થનાઓ કરશે અને દેશ માટે કુરબાની આપનારાઓની તાકાત એટલી વધી જશે કે ક્રાન્તિને રોકવી એ સામ્રાજ્યવાદ અથવા તમામ શેતાની તાકાતોના ગજાની બહારની વાત બની જશે.

હા. એક વિચાર આજ પણ મારા મનમાં આવે છે કે દેશ અને માનવતા માટે કંઈક કરવાની મારા મનમાં અબળખા હતી તેનો હજારમો ભાગ પણ પૂરો નથી કરી શક્યો. જો સ્વતંત્ર જીવતો રહી શક્યો હોત તો કદાચ એ પાર પાડવાની તક મળી હોત અને હું મારાં અરમાનો પૂરાં કરત.

તે સિવાય મારા મનમાં કદી પણ કોઈ લાલચ ફાંસીથી બચવા માટે નથી આવી. મારાથી વધારે ભાગ્યશાળી કોણ હશે? હમણાં હમણાં તો મને સ્વયં મારા પર જ બહુ ગર્વ થાય છે. હવે તો અંતિમ પરીક્ષાની આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરું છું. ઇચ્છું છું કે એ હજી પણ નજીક આવી જાય.

આપનો સાથી

ભગત સિંઘ

૦૦૦

સંદર્ભઃ

ભગત સિંઘ ઔર ઉનકે સાથિયોં કે સંપૂર્ણ ઉપલબ્ધ દસ્તાવેઝ. પ્રકાશક રાહુલ ફાઉંડેશન, લખનઉ. (બધા ફોટા પણ આ જ પુસ્તકમાંથી જ લીધા છે).

https://www.indialawjournal.org/archives/volume1/issue_3/bhagat_singh.html

 

Martyrs of Indian Freedom Struggle – 52 – Martyrdom of Jatin Das

જતીન દાસની શહીદીઃ ઍસેમ્બ્લી કાંડનો કેસ

સાઇમન કમિશન સામે વિરોધનો વંટોળ, લાલા લાજપત રાય પર પોલીસનો હુમલો અને એમનું મૃત્યુ, આનો બદલો લેવામાં સૌંડર્સની હત્યા, ઍસેમ્બ્લી બોંબકાંડ, અને એમાં ભગત સિંઘ અને બટુકેશ્વર દત્તને  આજીવન કારાવાસની સજા…તે પછી વાઇસરૉય પર હુમલાના બે નિષ્ફળ પ્રયાસ. ઘટના ચક્ર બહુ ઝડપભેર ફરતું હતું.

આ દરમિયાન, મેરઠમાં કમ્યુનિસ્ટો અને ટ્રેડ યુનિયન કાર્યકર્તાઓ વિરુદ્ધ કેસ ચાલતો હતો.  બરાબર એ જ સાથે ત્યારે લાહોરમાં પણ સરકારને ઉથલાવી પાડવાની કોશિશના આરોપસર એક કેસ ચાલતો હતો. આ બીજા ‘લાહોર કાવતરા કેસ’  તરીકે ઓળખાય છે. એમાં ભગત સિંઘ અને એમના ૨૭ સાથીઓ આરોપી હતા. પહેલો કેસ ગદર પાર્ટીના વિદ્રોહીઓ વિરુદ્ધ ચાલ્યો એમાં ૧૯ વર્ષના કરતાર સિંઘ સરાભા, જગત સિંઘ સુરસિંઘ, વિષ્ણુ ગણેશ પિંગલે, હરનામ સિંઘ સ્યાલકોટિયા અને ત્રણ ભાઈઓ બખ્શીશ સિંઘ, સુરૈણ સિંઘ અને સુરૈણ સિંઘ (બીજા)ને લાહોરની જેલમાં ફાંસીની સજા થઈ હતી

૧૯૨૯ની છઠ્ઠી જૂને દિલ્હીમાં સેશન્સ કોર્ટ સમક્ષ ભગત સિંઘ અને બટુકેશ્વર દત્ત સામે ઍસેમ્બ્લી બોંબકાંડમાં કેસ શરૂ થયો. એમણે ‘અપરાધ’નો સ્વીકાર કર્યો પરંતુ પ્રોસીક્યુશને ઘડી કાઢેલા નકલી આરોપોનો ઇનકાર કર્યો. મેરઠમાં સામ્યવાદીઓ અને ટ્રેડ યુનિયન નેતાઓ સામે પણ આ જ કાયદા હેઠળ કેસ ચાલતો હતો. ભગત સિંઘ અને બટુકેશ્વર દત્તના નિવેદનમાં મેરઠના બિરાદરોનો બચાવ કરેલો છે. એમણે ઇંડસ્ટ્રિયલ ડિસ્પ્યૂટ ઍક્ટને જંગલી અને અમાનવીય ગણાવતાં કહ્યું કે એ કાનૂને કરોડો સંઘર્ષરત ભૂખ્યા મજૂરોને પ્રાથમિક અધિકારોથી પણ વંચિત કરી દીધા અને એમના હાથમાંથી એમની આર્થિક મુક્તિનું એકમાત્ર હથિયાર પણ ઝુંટવી લીધું

માત્ર ભગત સિંઘ કે બટુકેશ્વર દત્ત જ નહીં હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિકન ઍસોસિએશનના બધા સભ્યોનો નિર્ણય હતો કે એમણે પોતાના કૃત્યનો કોર્ટમાં સ્વીકાર કરવો પરંતુ કોર્ટ દ્વારા બોલવાની તક મળે તેનો ઉપયોગ પોતાના વિચારો રજૂ કરવા માટે કરવો જેથી એને બહોળી પ્રસિદ્ધિ મળે. રામ પ્રસાદ બિસ્મિલ, અશ્ફાકુલ્લાહ વગેરે કાકોરી કાંડના શહીદોએ પણ એ જ રસ્તો લીધો હતો.

ભગત સિંઘ અને બટુકેશ્વર દત્તને કોર્ટે આજીવન કારાવાસની સજા કરી. કેસ હાઇકોર્ટમાં ગયો ત્યારે પણ ભગત સિંઘે ફરી એમના દર્શનની છણાવટ કરતું નિવેદન કર્યું પણ એમની સજા મંજૂર રહી. જો કે, હાઈકોર્ટના જજ એસ. ફૉર્ડે ચુકાદો આપતાં જે લખ્યું તે ધ્યાન માગી લે તેવું છે –

કહેવાનું જરાયે ખોટું નથી કે આ બયાન દેખાડે છે તેમ આ લોકો ખરા હૃદયથી વર્તમાન સમાજના માળખાને બદલવા માગે છે. ભગત સિંઘ એક સાચા અને નિષ્ઠાવાન ક્રાન્તિકારી છે અને મને એ કહેતાં સંકોચ નથી કે સપનું લઈને એ નિષ્ઠાથી ઊભા છે કે વર્તમાન સમાજને તોડ્યા વિના નવો સમાજ રચી ન શકાય. તેઓ કાયદાની જગ્યા વ્યક્તિની સ્વતંત્ર ઇચ્છાને આપવા માગે છે. અરાજકતાવાદીઓની હંમેશાં એ માન્યતા રહી છે. આમ છતાં ભગત સિંઘ અને એમના સાથી પર જે આરોપ છે તેનો આ બચાવ નથી.”

૧૨મી જૂને આ ભગત સિંઘને પંજાબમાં મિયાંવાલીની જેલમાં લઈ ગયા અને બટુકેશ્વર દત્તને લાહોર સેંટ્રલ જેલમાં રાખવામાં આવ્યા. બન્નેને એક સાથે એ જ ટ્રેનમાં લઈ જવાયા પણ ડબ્બા જુદા રખાયા. પરંતુ ભગત સિંઘની વિનંતિથી એમને સાથે બેસવા દેવાયા. એ જ વખતે બન્નેએ નક્કી કર્યું કે જેલમાં રાજકીય કેદીઓની સ્થિતિ ખરાબ હોય છે એટલા માટે ઉપવાસ શરૂ કરવા. ઉપવાસ દ્વારા સતત લોકોની ચર્ચાઓમાં રહેવું, એવો ભગત સિંઘનો વ્યૂહ હતો. બન્ને જણે જેલમાં પહોંચતાંવેંત ઉપવાસ શરૂ કરી દીધા, અને એમની સાથે બીજા બધા રાજકીય કેદીઓ પણ જોડાયા.

જતીન દાસ (યતીન્દ્રનાથ દાસ) પણ ઉપવાસ કરનારામાં હતા, એમણે સરકારને પત્ર લખ્યો તેમાં એમની ઓળખ પરેડનું નાટક થયું તેનો ભંડો ફોડી નાખ્યો છે. એમને એક જગ્યાએ લઈ જવાયા ત્યાં ગલીમાંથી પાંચ-છ સફાઈ કર્મચારીઓ આવ્યા. જતીન દાસ લખે છે કે ગલીમાં મૅજિસ્ટ્રેટની કાર ઊભી હતી તેમાં એક માણસ બેઠો હતો તે એ લોકોને સમજાવતો હતો. જતીન દાસ એમને ઓળખવાનો દાવો કરનારાને ચકાસવા માટે સવાલો પૂછવા માગતા હતા પણ એમને મોકો ન અપાયો. એમણે કહ્યું કે પંજાબીઓની વચ્ચે બંગાળી જોતાંવેંત ઓળખાઈ જાય, એટલે એમની સાથે એમના જેવા જ બંગાળીઓને ઊભા રાખવા જોઈતા હતા.

ઉપવાસ લાંબા ચાલ્યા અને સરકાર એમને રાજકીય કેદીઓનો દરજ્જો આપવા તૈયાર નહોતી. ઉપવાસી કેદીઓએ હોમ સેક્રેટરીને એક સંયુક્ત પત્ર લખીને જતીન દાસની સ્થિતિની જાણ કરી પણ સરકારે કંઈ ન કર્યું. ૬૩ દિવસના ઉપવાસને અંતે ૧૯૨૯ના સપ્ટેમ્બરની ૧૩મીએ જતીન દાસે પ્રાણ ત્યાગ કર્યો. મૃત્યુ સમયે એમની ઉંમર ૨૪ વર્ષની હતી.

લાહોરથી એમના પાર્થિવ દેહને કલકત્તા લઈ જવાયો. ભગવતી ચરણ વોહરાનાં પત્ની દુર્ગાભાભીએ લાહોરમાં શ્મશાન યાત્રાની આગેવાની લીધી. કલકત્તામાં હાવડા સ્ટેશને સુભાષ ચંદ્ર બોઝ ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસના બધા નેતાઓએ જતીન દાસને અંજલિ આપી. પંજાબમાં મહંમદ આલમ અને ડૉ. ગોપીચંદ ભાર્ગવે ઍસેમ્બ્લીમાંથી રાજીનામાં આપી દીધાં. મોતીલાલ નહેરુએ સેંટ્રલ ઍસેમ્બ્લીનું કામકાજ સ્થગિત રાખવાનો ઠરાવ રજૂ કર્યો, જે ૫૫ વિ.૪૭ મતે પસાર થયો. સુભાષ ચંદ્ર બોઝે જતીન દાસને દધીચિ મુનિ સાથે સરખાવ્યા. દધીચિએ ઇન્દ્રનું વજ્ર બનાવવા માટે પોતાનાં હાડકાં આપી દીધાં હતાં. જવાહરલાલ નહેરુએ પ્રાર્થના કરી કે આઝાદી માટે જતીન દાસે અધૂરી મૂકેલી લડાઈને આગળ વધારવાની અને વિજય સુધી લડતા રહેવાની શક્તિ દેશવાસીઓને મળો.

૦૦૦

સંદર્ભઃ

ભગત સિંઘ ઔર ઉનકે સાથિયોં કે સંપૂર્ણ ઉપલબ્ધ દસ્તાવેઝ. પ્રકાશક રાહુલ ફાઉંડેશન, લખનઉ. (બધા ફોટા પણ આ જ પુસ્તકમાંથી જ લીધા છે).

https://www.indialawjournal.org/archives/volume1/issue_3/bhagat_singh.html

૦૦૦

Martyrs of Indian Freedom Struggle – 51 – Revolutionaries bomb Indian parliament

ઍસેમ્બ્લીમાં બોંબ કાંડ

સૉંડર્સની હત્યા પછી લોકો હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિકન ઍસોસિએશન (HSRA)નું નામ બહુ માનભેર લેતા થઈ ગયા હતા. એના સભ્યોમાં પણ ઉત્સાહ વધ્યો હતો. એમણે સાઇમન કમિશનના સભ્યો પર જ હુમલો કરવાનો વિચાર કર્યો પણ કમિશન જલદી કામ આટોપીને પાછું ચાલ્યું ગયું હતું. આમ પણ એને ઠેર ઠેર વિરોધનો જ સામનો કરવો પડ્યો હતો. આથી HSRAના સભ્યો કંઈક એવું કરવા માગતા હતા કે લોકોમાં સનસનાટી ફેલાય, બ્રિટિશ સત્તાની નામોશી થાય અને લોકોમાં જોશ વધે.

એ અરસામાં અંગ્રેજ હકુમત બે કાયદા બનાવવા માગતી હતી. આનાં બે વિધેયક સેંટ્રલ ઍસેમ્બ્લીમાં આવવાનાં હતાં – એક તો પબ્લિક સેફ્ટી બિલ અને બીજું, ટ્રેડ ડિસ્પ્યૂટ બિલ. હાઉસમાં કોંગ્રેસના સભ્યો તો એનો વિરોધ કરવાના જ હતા. કોંગ્રેસની બહુમતી હોવાથી બિલો મંજૂર રહે તેમ તો હતું જ નહીં. છેવટે સરકાર વાઇસરૉયની સહીથી એના કાયદા જાહેર કરવાની જ હતી. આ બિલો સામે લોકોમાં ઊગ્ર વિરોધ હતો.

ક્રાન્તિકારીઓએ નક્કી કર્યું કે ગૃહમાં બન્ને બિલો ઊડી જાય તે પછી સરકાર વાઇસરૉયની સત્તા વાપરીને કાયદા બનાવવાની જાહેરાત કરે ત્યારે બોંબ ફેંકીને વિરોધ જાહેર કરવો. એમણે બોંબ ફેંકવાના બે ઉદ્દેશો નક્કી કર્યા – એક તો, સરકારને દેખાડવું કે લોકો આ બિલોનો સખત વિરોધ કરશે; બીજું કોંગ્રેસને પણ દેખાડવું કે ધારાસભા દ્વારા કંઈ મેળવવાની તમારી આશા ખોટી છે.

એમણે એમના એક ક્રાન્તિકારી સાથી જયદેવને ઍસેમ્બ્લીમાં જવાના પાસ મેળવી આપવાની જવાબદારી સોંપી. એણે ત્યાંના ઑફિસર સાથે દોસ્તી કરી લીધી અને ઘટનાના દિવસથી પહેલાં પણ બે-ત્રણ સાથીઓને જગ્યા જોવા લઈ ગયો. એક વાર ભગત સિંઘ પણ જઈ આવ્યા. પાછા ભાગવા માટે કારની વ્યવસ્થા પણ થઈ ગઈ. પરંતુ ભગતસિંઘ અને વિજય કુમાર સિન્હાએ કહ્યું કે ભાગી જવાથી એ માત્ર અડપલું ગણાશે, લોકો સુધી ક્રાન્તિનો સંદેશ નહીં પહોંચે. એટલે એમ નક્કી થયું કે પકડાઈ જવું અને કેસ ચાલે ત્યારે કોર્ટમાં HSRAનો ક્રાન્તિકારી કાર્યક્રમ જાહેર કરવો કે જેથી લોકો સુધી વાત પહોંચે. પછી એમણે નક્કી કર્યું કે ભગત સિંઘ જાય અને એની સાથે કોઈ પણ હોય. એમાં ક્યારેક વિજય કુમાર સિન્હાનું નામ આવતું તો ક્યારેક સુખદેવ કે રાજગુરુનું. પરંતુ શિવ વર્મા વગેરે સાથીઓ આઝાદ કે ભગત સિંઘને મોકલવાની વિરુદ્ધ હતા. અંતે નક્કી થયું કે બટુકેશ્વર દત્ત અને વિજય કુમારને મોકલવા. દત્ત મૂળ તો યુક્ત પ્રાંતના જ પણ કંઈ થતું ન હોવાથી બિહાર ચાલ્યા ગયા હતા. એમની ફરિયાદ હતી કે આટલો લાંબો સમય એ ગ્રુપમાં રહ્યા તો પણ એમને કશામાં કેમ સામેલ નથી કરતા?

ભગત સિંઘે હવે જવાનું નહોતું પણ સુખદેવે ભગત સિંઘને કહ્યું કે તું કેમ નથી જતો? ભગત સિંઘે જવાબ આપ્યો કે સેંટ્રલ કમિટીએ એવો નિર્ણય કર્યો છે. સુખદેવે એને ટોણો માર્યો કે તું એવું દેખાડવા માગે છે કે તું બલિદાન આપવાનું ગૌરવ છોડે છે! એણે કોઈ છોકરીનું નામ પણ આપ્યું. પંજાબના એક નેતાને સજા કરતી વખતે જજે ટકોર કરી હતી કે એ આખા કાવતરાના સૂત્રધાર છે, પણ પોતે કાયર છે અને બીજાને હોમે છે. સુખદેવે આનો ઉલ્લેખ કરીને કહ્યું કે તારા માટે પણ કોર્ટ આવું જ કહેશે. તે પછી ભગત સિંઘે સેંટ્રલ કમિટીમાં કહી દીધું કે એ પોતે જ જશે.

એ જ દિવસે સુખદેવે લાહોર જઈને બાબુજી (ભગવતી ચરણ વોહરા) અને દુર્ગાભાભીને સમાચાર આપ્યા કે ભગત સિંઘને છેલ્લી વાર મળવું હોય તો સાંજે જ દિલ્હી પહોંચો. ૧૯૨૯ની સાતમી ઍપ્રિલે એ બન્ને દીકરા સચીન સાથે દિલ્હી આવ્યાં. કુદ્સિયા બાગમાં ભગત સિંઘને મળ્યાં. દુર્ગાભાભી ભગત સિંઘને ભાવતાં રસગુલ્લાં લઈ આવ્યાં હતાં. બીજા દિવસે કદાચ ભગત સિંઘની લાશ જ જોવા મળે!

બીજા દિવસે આઠમી તારીખે ભગત સિંઘ અને બટુકેશ્વર દત્ત ઍસેમ્બ્લીમાં દર્શકોની ગેલેરીમાં બેઠા. ત્રીજો સાથી જયદેવ દૂર બેઠો અને કંઈ થાય તે પહેલાં બહાર નીકળી ગયો. ભગતસિંઘ અને બટુકેશ્વર દત્ત ક્યાં બોંબ ફેંકવો તે જોતા રહ્યા. સરકારી પક્ષનો નેતા સર જ્હોન શુસ્ટર જ્યાં બેઠો હતો એમની નજીક જ મોતીલાલ નહેરુ બેઠા હતા. જો શુસ્ટર પર બોંબ ફેંકે તો મોતીલાલ નહેરુને પણ ઈજા થાય તેમ હતું.

બન્ને બિલો નામંજૂર થવાનાં હતાં અને શુસ્ટરે ઊભા થઈને જાહેર કર્યું કે આ બિલોને વાઇસરૉયે કાયદા તરીકે મંજૂરી આપી દીધી છે; બરાબર તે જ વખતે ભગત સિંઘે એની પાછળ બોંબ ફેંક્યો. તરત બીજો બોંબ દત્તે ફેંક્યો. એક પછી એક બે મોટા ધડાકા થયા. નીચે બૂમરાણ મચી ગયું. માત્ર સ્પીકર વિઠ્ઠલભાઈ પટેલ, મોતીલાલ નહેરુ અને મહંમદ અલી જિન્ના કંઇ જ ન બન્યું હોય તેમ જ્યાં હતા ત્યાં જ બેઠા રહ્યા. તે પછી ભગત સિંઘે પોતાની પિસ્તોલમાંથી બે ગોળી શુસ્ટર પર છોડી પણ એ ટેબલ નીચે ઘૂસી ગયો. તે પછી ક્રાન્તિકારીઓએ HSRAનાં ચોપાનિયાં નીચે ફેંક્યાં અને ઈંક્લાબ ઝિંદાબાદ, ડાઉન વિથ ઇંપીરિયલિઝ્મ’નાં સૂત્રો પોકારવા લાગ્યા. આખી દર્શક ગૅલેરી ખાલી થઈ ગઈ. પણ એ બન્ને ત્યાં જ રહ્યા. સાર્જન્ટે આવીને પૂછ્યું કે આ તમે કર્યું? બન્ને પાસે હજી બાર કારતૂસ હતાં પણ એમણે એક પણ ગોળી ન છોડી અને આત્મસમર્પણ કરી દીધું.

પોલીસની વૅન એમને લઈને બજારમાંથી પસાર થતી હતી ત્યારે ભગવતીજી, પત્ની અને પુત્ર સાથે ટાંગામાં જતાં હતાં. નાનો સચીન તો ભગતસિંઘને ઓળખી ગયો અને “લંબે ચાચા..” બોલી નાખ્યું પણ ભગવતીચરણ કે દુર્ગાદેવીએ, અને સામી બાજુ ભગત સિંઘે પરસ્પર ઓળખાણનો કોઈ ભાવ ન દેખાડ્યો.

આ કેસમાં ભગત સિંઘ અને બટુકેશ્વર દત્તને આજીવન કારાવાસની સજા થઈ.

ક્રાન્તિકારીઓનું નિવેદનઃ બહેરાઓને સંભળાવવા માટે વિસ્ફોટ

“બહેરાઓને સંભળાવવા માટે બહુ મોટા વિસ્ફોટની જરૂર હોય છે.” ફ્રાન્સના પ્રસિદ્ધ અરાજકતાવાદી શહીદ વૅલિયોંના આ અમર શબ્દો અમારા કાર્યના ઓચિત્યના સાક્ષી છે…”

એમનું નિવેદન આ શબ્દો સાથે શરૂ થાય છે. તે પછી એમણે કહ્યું કે છેલ્લાં દસ વર્ષમાં બ્રિટિશ સરકારે દેશનાં અપમાનો કર્યાં છે. જનતા એવી આશામાં છે કે સાઇમન કમિશન કંઈક ટુકડા ફેંકશે. અને એમાં જે અંદરોઅંદર લડાઈ ચાલે છે ત્યારે સરકાર પબ્લિક સેફ્ટ ઍક્ટ, ટ્રેડ ડિસ્પ્યૂટ એક્ટ અને પ્રેસ સિડીશન ઍક્ટ લઈને આવે છે. આ સ્થિતિમાં HSRAએ આ પગલું લેવાનો પોતાની સેનાને હુકમ આપ્યો છે. બ્રિટિશ નોકરશાહી જે કરવા માગતી હોય તે કરે પણ આ હકુમત કાનૂની છે એવા દંભને વેરણછેરણ કરવાની  જરૂર છે. જનતાના પ્રતિનિધિઓને અમારી વિનંતિ છે કે તેઓ આ ઍસેમ્બ્લીનું પાખંડ છોડી દે, પોતાના મત વિસ્તારોમાં જાય અને લોકોને ક્રાન્તિ માટે તૈયાર કરે.

એમણે કહ્યું કે લાલા લાજપત રાયના ખૂનનો બદલો લેવા અમે આ કૃત્ય કર્યું છે. અમે મનુષ્ય જીવનને પવિત્ર માનીએ છીએ. અમને ઉજ્જ્વળ ભવિષ્યમાં વિશ્વાસ છે કે દરેક વ્યક્તિને શાંતિ અને સ્વતંત્રતાનો મોકો મળશે…

આઝાદ ભારતમાં બટુકેશ્વર દત્ત સિગારેટના એજન્ટ

બટુકેશ્વર દત્તને કાળા પાણીની સજા ભોગવવા માટે આંદામાનની જેલમાં મોકલી દેવાયા. ત્યાં એમણે ૧૯૩૩ અને ૧૯૩૭માં ઐતિહાસિક ભૂખ હડતાળ કરી. જેલમાં એક સખત બીમાર થઈ ગયા તે પછી એમને પટના ખસેડ્યા અને ૧૯૩૮માં છોડી મૂક્યા, પણ ફરી પકડી લીધા. છેક ૧૯૪૫માં એ જેલમાંથી છૂટ્યા. ૧૯૪૭માં એ પરણીને પટનામાં જ રહ્યા.

પરંતુ કામ ધંધો કંઈ ન મળે. પછી એક સિગારેટ કંપનીમાં એમને એજન્ટ તરીકે કામ મળ્યું. એ આખો દિવસ સાઇકલ પર બીડી-સિગારેટનાં પેકેટો લાદીને દુકાને દુકાને ફરતા અને ગુજરાન ચલાવતા. ૧૯૬૪માં એમની તબીયત લથડી ત્યારે પટનાની એક હૉસ્પિટલમાં એમને દાખલ કરવા પડ્યા. એમની ચાકરી માટે કોઈ નહોતું, એકલા પડ્યા રહેતા. એમના મિત્ર ચમનલાલે એક લેખ લખીને સવાલ ઊભો કર્યો કે આવા વીરે ભારતમાં જન્મ લઈને ભૂલ તો નહોતી કરી ને? તે પછી સરકારને આંચકો લાગ્યો. એ જ વર્ષે ૨૨મી નવેમ્બરે એમને દિલ્હીમાં ‘એમ્સ’માં દાખલ કરવામાં આવ્યા ત્યારે ખબર પડી કે એમને કૅન્સર હતું. પંજાબના મુખ્ય મંત્રી એમને મળવા ગયા અને પૂછ્યું કે એમના માટે પોતે શું કરી શકે?

આ વીરનો જવાબ ટૂંકો હતો – મારા અંતિમ સંસ્કાર મારા મિત્ર ભગત સિંઘની સમાધિ પાસે કરજો.

૧૯૬૫ની ૧૭મી જુલાઈએ એ કોમામાં ચાલ્યા ગયા અને ૨૦મીએ એમણે શ્વાસ છોડ્યા. એમના અંતિમ સંસ્કાર હુસેનીવાલામાં ભગત સિંઘ, રાજગુરુ અને સુખદેવની સમાધિ પાસે કરવામાં આવ્યા.

૦૦૦

સંદર્ભઃ

  1. भगत सिंह और उनके साथियों के सम्पूर्ण उपलब्ध दस्तावेज़. संपादकः सत्यम. राहुल फाउण्डेशन, लखनऊ ISBN 978-81-87728-95-5, यशपाल, 1951, विप्लव प्रकाशन, लखनऊ
  1. https://www.patrika.com/kanpur-news/tribute-to-batukeshwar-dutt-who-exploded-bombs-with-bhagat-singh-in-central-legislative-assembly-1354108/

Martyrs of Indian Freedom Struggle – 50. The Revenge of Lata Lajpat Rai’s Death

લાલા લાજપતરાયના મૃત્યુનો બદલો

હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિકન ઍસોસિએશન (HSRA)ના ક્રાન્તિકારીઓ લાલાજીના રાજકારણ સાથે સંમત તો નહોતા પરંતુ એમણે એમના મૃત્યુને સમગ્ર દેશના અપમાન જેવું ગણીને બદલો લેવાનું નક્કી કર્યું. સ્કૉટને મારવાની જવાબદારી ભગત સિંઘ અને શિવરામ રાજગુરુને સોંપાઈ. ચંદ્રશેખર આઝાદે આખી કાર્યવાહીનો દોર સંભાળ્યો. ક્રાન્તિકારીઓ આખા આંદોલનને સશસ્ત્ર ક્રાન્તિના માર્ગે વાળવા માગતા હતા અને દેખાડવા માગતા હતા કે લાલાજીના મૃત્યુ પછી એ હાથ બાંધીને બેઠા નથી. મૂળ લક્ષ્ય  તો લાહોરના પોલીસ કમિશનર જેમ્સ સ્કૉટને મારવાનો હતો પરંતુ લાલાજીના મૃત્યુના બરાબર એક મહિના પછી, ૧૭મી ડિસેમ્બરે સ્કૉટ પર હુમલો કરવાની બધી તૈયારી હતી ત્યારે સ્કૉટને બદલે આસિસ્ટન્ટ કમિશનર જ્હૉન સૉંડર્સ બહાર આવ્યો અને માર્યો ગયો.

ક્રાન્તિકારીઓને પકડવા માટે એક ગોરો ઑફિસર બહાર આવ્યો પણ એના કાન પાસેથી બે ગોળીઓ સુસવાટા કરતી નીકળી ગઈ તે પછી એની હિંમત ન થઈ. પણ એક કૉન્સ્ટેબલ ચન્નન સિંઘે એમનો પીછો કર્યો અને એ પણ ગોળીથી વિંધાઈ ગયો.

બીજા દિવસે લાહોરમાં ઠેકઠેકાણે HSRAના નામ સાથે પોસ્ટરોએ દેખા દીધી – સોંડર્સ મરાયો… લાલાજીના મોતનો બદલો વસૂલ!” ક્રાન્તિકારીઓ ઇચ્છતા હતા કે હત્યા પછી પોલીસ એમની પાછળ પડે તો એની સાથે સામસામે ધીંગાણું કરવું અને મોતને ભેટવું. પરંતુ પોલીસે કંઈ ન કર્યું એટલે ભગત સિંઘ અને રાજગુરુ ત્યાંથી બે સાઇકલ પર નજીકમાં ડી. એ. વી. કૉલેજના બોર્ડિંગ હાઉસમાં ચાલ્યા ગયા. પોલીસે આખા શહેરમાં અને રેલવે સ્ટેશનોએ જાપ્તો ગોઠવી દીધો હતો એટલે લાહોરથી કેમ ભાગવું તેની યોજના પણ બનાવવાની હતી. એના માટે એ કૉલેજમાંથી બહાર નીકળ્યા તે પછી તરત જ પોલીસે કૉલેજને ઘેરી લીધી પણ એ તો નાસી છૂટ્યા હતા.

ભગત સિંઘ અને સુખદેવ થાપર સૉંડર્સની હત્યા કરીને બે દિવસ પછી ભગવતી ચરણ વોહરાને ઘરે પહોંચ્યા. એમને લાહોરથી નીકળી જવું હતું અને કોઈ ઓળખી ન શકે એટલે એમણે વેશપલ્ટો કરી લીધો હતો. ભગત સિંઘે પહેલી વાર વાળ કપાવીને ફેલ્ટ કૅપ પહેરી. આજે તો એ તસવીરથી જ આપણે ભગત સિંઘને ઓળખીએ છીએ. પરંતુ ટ્રેનમાં એવું લાગવું જોઈએ કે એક સદ્‍ગૃહસ્થ કુટુંબ મુસાફરી કરે છે એટલે આ ફેલ્ટ કૅપવાળા જુવાનની પત્ની પણ હોવી જોઈએ. આ ભૂમિકા ભગવતી ચરણ વોહરાનાં પત્ની દુર્ગાભાભીએ ભજવી. ભગત સિંઘે દુર્ગાભાભીના પુત્ર શચીન્દ્રને તેડ્યો, અને બન્ને ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં બેઠાં. રાજગુરુ એમના ‘નોકર’ તરીકે થર્ડ ક્લાસમાં સામાન સાથે આવ્યા. પંડિત ચંદ્રશેખર આઝાદ ખરેખરા પંડિત બન્યા – અંગવસ્ત્ર, ધોતિયું, કપાળે તિલક, માળા વગેરેમાં સજ્જ થઈને એક યાત્રાળુઓની મંડળી સાથે લાહોરથી ભાગી છૂટ્યા.

ભગવતી ચરણ વોહરા ભગવતી ચરણ વોહરાનો જન્મ ૧૯૦૪માં થયો. એ મૂળ ગુજરાતના હતા, પરંતુ બહુ પેઢીઓ પહેલાં ગુજરાત છોડીને આગરામાં એમનો પરિવાર વસી ગયો હતો. ભગવતી ચરણ અને એમનાં પત્ની દુર્ગાવતી પણ ગુજરાતી બ્રાહ્મણ પરિવારનાં જ હતાં. લગ્ન વખતે દુર્ગાની ઉંમર ૧૧ વર્ષ હતી. બન્ને પરિવાર આગરા છોડીને લાહોરમાં નજીક નજીકની શેરીઓમાં જ રહેતા હતા. દુર્ગાવતી પણ પતિની સાથે જ ભગત સિંઘની મંડળીમાં સક્રિય બની ગયાં. ગ્રુપમાં બધા એમને દુર્ગાભાભી કહેતા.

ભગવતી ચરણ પહેલાં તો ગાંધીજીના સત્યાગ્રહમાં જોડાયા પણ ચૌરીચૌરાના બનાવ પછી ગાંધીજીએ સત્યાગ્રહ પાછો ખેંચી લેતાં એ ફરી કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાઈ ગયા. વોહરા વાચનના જબરા શોખીન હતા અને ભગત સિંઘે સ્થાપેલી નૌજવાન ભારત સભા અને હિન્દુસ્તાન રીપબ્લિકન એસોસિએશનના સિદ્ધાંતવેત્તા હતા. આમ એમનું સ્થાન ગ્રુપમાં મુખ્યત્વે ચિંતક અને વિચારકનું હતું. એમણે કૉલેજમાં ભગત સિંઘ અને સુખદેવની સાથે મળીને માર્ક્સિસ્ટ સ્ટડી સર્કલ પણ બનાવ્યું હતું. એના પછી હિન્દુસ્તાન રીપબ્લિકન એસોસિએશનનું નામ હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિક એસોસિએશન (HSRA) નામ અપાયું.

સશસ્ત્ર કાર્યવાહીઓ માટે પૈસાની પણ જરૂર પડતી અને વોહરા પરિવાર પૈસેટકે સુખી હતો એટલે ગ્રુપની નાણાભીડમાં પણ ભગવતી ચરણની મદદ રહેતી. એમનાં મોટાં બહેન સુશીલાદીદી પણ ક્રાન્તિકારી હતાં. એ એક સ્કૂલમાં શિક્ષિકા હતાં પણ કશા ડર વિના ક્રાન્તિકારીઓને મદદ કરતાં. ભગત સિંઘ અને રાજગુરુ ડી. એ. વી. કૉલેજથી નીકળ્યા તે પછી બે દિવસ એમને આશરા માટે એક ઘર એમણે જ અપાવ્યું હતું.

૧૯૨૯માં ભગવતી ચરણ વાઇસરોયને ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાના કાવતરામાં સામેલ થયા. વાઇસરોયની ટ્રેનને તો કંઈ નુકસાન ન થયું પણ ગાંધીજીએ એની વિરુદ્ધ ‘Cult of Bomb’ લેખ લખ્યો. એના જવાબમાં HSRA તરફથી પણ એક લેખ પ્રકાશિત થયો – Philosophy of Bomb. આ લખનાર ભગવતી ચરણ હતા.

હવે એમણે બોમ્બ બનાવવાનું શીખી લીધું હતું. એમનો વિચાર હતો કે ભગતસિંઘ અને એમના સાથીઓને બોમ્બ ફેંકીને જેલમાંથી છોડાવી લેવા. એક ભાડાના ઘરમાં એ અમુક સાથીઓની સાથે મળીને બોમ્બ બનાવતા. ૨૮મી મે ૧૯૩૦નો એ દિવસ હતો. ભગવતી ચરણ એક-બે સાથી સાથે રાવીના કિનારે બોમ્બનો અખતરો કરવા ગયા ત્યારે બોમ્બ અચાનક ફૂટી ગયો. અને ક્રાન્તિકારી વીર ભગવતી ચરણ વોહરાનું એમાં મૃત્યુ થઈ ગયું. એ સમયે એમની ઉંમર માત્ર ૨૫ વર્ષની હતી.

સંદર્ભઃ

1.भगत सिंह और उनके साथियों के सम्पूर्ण उपलब्ध दस्तावेज़. संपादकः सत्यम. राहुल फाउण्डेशन, लखनऊ ISBN 978-81-87728-95-5. #- 350-00 rhljk iqueqZnz.k % fnlEcj] 2017

  1. A Centenary History of the Indian National Congress Vol. II (1919-1935)

૩. http://www.shahidbhagatsingh.org/biography/c6.htm

Design a site like this with WordPress.com
શરૂ કરો