મારી બારીમાંથી બહાર ડોકિયું કરતાં કનકભાઈ રાવળ તડકો શેકતા દેખાયા. મેં પૂછ્યું, “કેમ, કનકભા…ઈ, મઝામાં ? શું સમાચાર છે? એમણે ઊંચું જોયું. ચહેરો હસું હસું થતો હતો. પ્રસન્નતાનો ચેપ મને પણ લાગ્યો. એમણે કહ્યું, “કરતાં જાળ કરોળિયો વિ. કિંવા “દેશિંગાનો રાજકુમાર…” મને થયું, આટલા ખુશ દેખાતા હતા અને આ તો ઉખાણું પૂછી લીધું! મારા ચહેરા પર અટપટાશ જોઈને સમજી ગયા અને એમણે માંડીને વાત કરી….
“કરતાં જાળ કરોળિયો વિ.” કિંવા “ દેશિંગાનો રાજકુમાર” – એક વ્યંગાત્મક પણ નવદર્શિત અવલોકન” લેખક: ડો. કનક રાવળ
બે અઠવાડિયાંથી દિવસો ઊજળા અને હુંફાળા થયા છે.અહીં પોર્ટલેંડમાં સૂરજ ભગવાન દોહ્યલા. આ તો આસામના ચેરાપૂંજી જેવી જગા. બસ, વરસાદ…વરસાદ. એટલે જેવી તક મળી કે સૌ જીવજંતુમાં જીવ આવે અને બધા તડકો ખાવા બહાર નીકળી આવે .
ખેર, ગયા સોમવારે સવારે ઘર બહાર નીકળ્યો અને પ્રાંગણમાં ટપાલ પેટી અને સરુના ઝાડ વચ્ચે કંઈક ચમક્યું.
પાસે જઈને જોયું તો રાતની ઝાકળનાં ટીપાંઓથી શણગારાયેલું એક કરોળિયાનું જાળું હતું. ઘરમાં ઘણાંય જાળાં પાડ્યાં છે, પણ આ તો ખાસ લાગ્યું.તેનો શિલ્પકાર માલિક પણ કેંદ્રમાં બગભગતની જેમ શિકારની ટાંપીને રાહ જોતો પેંતરામાં બેઠો હતો. ઠીક કરીને હું તો મારા કામે ચાલી નીકળ્યો.
તે આગલી વાત તો ભૂલી ગયો હતો પણ ફરી આ અઠવાડિયે યાદ આવ્યું એટલે કરોળિયા ભગતનો ઉદ્યમ જોવા કુતૂહુલ થયું. જઈને જોયું તો બસ, સવારનો નાસ્તો કરીને તે તો નવા શિકારની રાહમાં જાળના દુરના ભાગમાં છુપાઈને બેઠા હતા.
હવે મારાથી પણ સળેકડું કર્યા વિના રહેવાયું નહીં. એક ત્રણેક ઈંચ લાંબી પાતળી સૂકા ઘાસની સળી લઈને જાળના બીજે છેડે નાખી. હજુ તો મારો હાથ પાછો ખેંચું તે પહેલાં તો ભગત શિકારી ત્યાં હાજર. પળ માત્ર નજર નાખી ન નાખી,
હવાથી હાલતા તણખલાને જોઈને ખાવા લાયક છે કે કેમ તે વિચાર્યું અને પાસે જઈ અડકતાં જ તેની જડતા સમજતાં, તરત જ તણખલાને ઝકડી રાખેલા જાળના તાંતણાને કાપી તેને જમીન પર નાખી દીધું.
ભગત શિકારીનું શસ્ત્રકૌશલ્યને જોઈને યાદ આવ્યું “He came, He saw, He conquered”
વાહ ઉસ્તાદ!
મેં બીજો અખતરો કર્યો. એક સૂકા પાનનો ડૂચો કરીને જાળ ઉપર નાખ્યો. અનુભવી શિકારીએ એક પળ ગુમાવ્યા
વગર જાળના તાંતણા કાપીને તેને નીચે નાખ્યો. મારા તરફ આંખ મારીને ટોણો માર્યો કે “તું મૂરખ, મને શું સમજે છે?” તેવો મને ભાસ થયો!
ફરી એક વાર હવે એક લીલા રસાળુ પાંદડાને નાખ્યું. તેના રંગ અને તાજી વાસને પતંગિયું માનીને ઉસ્તાદ આકર્ષાશે તેવો ફરેબ ધાર્યો. પણ આ વખતે તેણે છમાંથી ચાર પંજાએ શિકારને ઉચકીને જમીન પર નાખતાં તે પણ પાંચ ફીટ નીચે પડ્યા.”નો પ્રોબ્લેમ” બોલીને રોકેટફાળે પોતાના કિલ્લામાં પરત ! હવે તો કિલ્લામાં ઘણી ભાંગફોડ થઈ હતી એટલે તેના
સમારકામમાં મચી પડ્યા અને તેના અટ્ટહાસ્યથી “તુચ્છ માનવી તું હાર્યો” એવો મને આભાસ થયો.
મેં પણ હાર કબૂલી પણ સૂર્ય દર્શનની ખુશાલીમાં મન પ્રસન્ન હતું એટલે વિચારમાળા આગળ ચાલી.
અરે જો તો,આ મહા કારીગરની હોંશિયારી? જમીનથી 7થી 8 ફીટની ઉંચાઈએ 5×5ના વિસ્તારમાં મોહક પણ કાતિલ માયાજાળ રચી હતી અને હળવી હવામાં ઊડતી નાની જીવાતનો કાળ બની હતી. બ્રાહ્મણને લાડવા તેમ તેની રસવંતીને લાગતું હશે.
કરોળિયાનું આખી રચના માટેનું કૌશલ્ય પુરાણોના માયાસુર સ્થપતિ સાથે સરખાવી શકાય. એક્લા હાથે જાળની કરામત રચવાના નિર્ણયથી માંડીને તે મૂર્ત કરવા પાછળ કેટલી વિવિધ વિદ્યાઓ અને નિર્ણયો છુપાયાં હતાં? મારું મન તેનું લિસ્ટ બનાવવા માંડ્યું.
1. જાળ માટેની યોગ્ય સ્થળ શોધ.
2. બાંધકામ માટે અનુકુળ ઋતુ અને દિવસની શોધ.
3. બાંધકામ માટે જરૂરી પદ્દાર્થો (પોતાના શરીરના જ) અને તેને કેમ વાપરવા.
.4. રસાયણ,ભૌતિક,ઈજનેરી,સ્થાપત્ય ,કલાકારી,કારભાર,સમાર કામ વિગેરેનું વિદ્યાજ્ઞાનતો પ્રભુપ્રાપ્ત કોઠાજ્ઞાનજ મનાય? કઈ યુનિવર્સિટીમાં કરોળિયા ભણતા જોયા? દેશી ભાષામાં, “ભણેલા નહી પણ ગણેલાં”
વિચારો આગળ ચાલ્યા.આ તો ઉપરવાળાની જ રંગલીલાને? લખચોરાસીને જન્મજાત વારસા આપીને રાખના રમકડાં તેણે ઘડ્યાં. શાસ્ત્રોએ તે મહાચૈતન્યને ઋતંભરા પ્રજ્ઞા કહી. મહર્ષિ મહેશ યોગીએ તેનો અંગ્રેજી પર્યાય આપ્યો, “Creative Intelligence”.
મારા મનમાં નિસર્ગ માટેના માન, પ્રેમ, વિશ્વાસ,અહોભાવ અને અનુગ્રહની ભાવના પુષ્ટ બની.
તાજા કલમ:
![]()
તે કરોળિયાને મેં એક માનનીય નામ આપ્યું “દેશિંગાનો રાજકુમાર”. એક વાર આતાએ યાદ આપ્યું હતું.”પંદરસોની વસ્તીવાળા અમારા નાનકડા દેશિંગા ગામના માણસો તમારી કોલેજુંમાં ભણેલા નહી પણ ગણેલાંતો જરુર. અમે તો કોણી મારીને કુલડું કરવાવાળા.”
આ લખીને આજે ફરી જાળું જોવા ગયો તો ખાલીખમ ખંડેર. બધું રેઢું મુકીને દેશિંગા બાપુ ગામને ચોરે કસુંબો કાઢવા રવાના થઈ ગયા હતા- કદાચ મારો આ આત્માલાપ કે પ્રલાપ સાંભળીને ?