Martyrs of Indian Freedom Struggle – (67) Adventurous Subhashbabu (4)

સુભાષબાબુનું પરાક્રમ (૪)

આઝાદ હિન્દ ફોજની લડાઈ સુભાષબાબુની ચિર વિદાય

આઝાદ હિન્દ ફોજનું મુખ્ય કેન્દ્ર રંગૂનમાં (હવે યંગોન) ખસેડવાનો સુભાષબાબુનો નિર્ણય એમની યુદ્ધની વ્યૂહરચના વિશેની ઊંડી સૂઝ દર્શાવે છે. આંદામાન-નિકોબાર ટાપુઓ જાપાને એમના હાથમાં સોંપી દીધા પણ યુદ્ધની નજરે આ ટાપુઓનું કંઈ મહત્વ નહોતું. નેતાજી સમજી ગયા હતા કે એમને ભારત ન પહોંચવા દેવા માટે જાપાને આંદામાન-નિકોબાર ટાપુઓ આપી દેવાની ઉદારતા દેખાડી છે, કારણ કે ત્યાંથી નૌકાદળની મદદ વિના આઝાદ હિન્દ ફોજના સૈનિકો ભારત તરફ ન જઈ શકે. એ રસ્તો તો બર્મામાંથી જ મળવાનો હતો. એમનો બર્મામાં ઑફિસ શરૂ કરવાનો નિર્ણય જાપાનને પસંદ ન આવ્યો.

પૂર્વ એશિયાના હિન્દુસ્તાનીઓ

પૂર્વ એશિયામાં એ વખતે લગભગ ૩૦ લાખ હિન્દીઓ વસતા હતા. જાપાનમાં તો હતા જ, પણ એકલા બર્મામાં દસ લાખ અને મલાયામાં એંસી હજાર હિન્દીઓ હતા. બર્મામાં તો કોંગ્રેસની સ્થાનિકની શાખા પણ ત્યાંના હિન્દીઓએ જ બનાવી હતી. વેપારીઓની ઇંડિયન ચૅમ્બર ઑફ કૉમર્સ પણ હતી અને વેપારીઓ હિન્દવાસીઓનાં હિતોની બરાબર કાળજી લેતા હતા. પરંતુ મલાયાના હિન્દીઓ રાજકીય દૃષ્ટિએ રંગૂનના હિન્દીઓ કરતાં વધારે જાગૃત હતા. ત્યાંના શિક્ષિત હિન્દીઓ મજૂરોને પણ સંગઠિત કરવામાં સક્રિય હતા. થાઈલૅંડમાં પણ ઘણા ભારતીયો હતા અને બીજા વિશ્વયુદ્ધના અરસામાં થાઈલૅંડમાં ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ પણ વધ્યો હતો. એ જ રીતે વિયેતનામના સાયગોન અને હાનોઈમાં સિંધીઓની મોટી વસ્તી હતી. રંગૂનમાં હેડક્વાર્ટર્સ રાખવાથી બર્મા, મલાયા, સિંગાપુર, વિયેતનામ, બેંગકોક વગેરે સ્થળોએ સ્થાયી થયેલા અસંખ્ય હિન્દીઓનો મોટા પાયે ટેકો મળવાની આશા પણ હતી.

અંતે ૧૯૪૪ના માર્ચમાં જાપાને બર્મામાંથી મણિપુર પર હુમલો કર્યો. એનું નિશાન ઇમ્ફાલ હતું. જાપાને ૭૦,૦૦૦ સૈનિકોને લડાઈમાં ઉતાર્યા અને ભારે અનિચ્છા સાથે આઝાદ હિન્દ ફોજની ગાંધી બ્રિગેડ અને આઝાદ બ્રિગેડ અને સુભાષ બ્રિગેડના એક ભાગના ૬,૦૦૦ સૈનિકોને ડાબે અને જમણે રહેવાની છૂટ આપી. કૅપ્ટન શાહનવાઝ ખાનના હાથમાં આઝાદ હિન્દ ફોજનું નેતૃત્વ હતું. સામે પક્ષે, બ્રિટનના દળમાં ગોરખાઓ, બીજા ભારતીયો વગેરે મળીને ૧,૨૦,૦૦૦ સૈનિકો હતા પણ જાપાનના હુમલાની શરૂઆત સાથે જ બ્રિટિશ દળો પાછળ હટતાં ગયાં. એમનો વ્યૂહ એવો હતો કે સપ્લાય લાઇનની નજીક રહેવું.

ચારે બાજુ, બધા મોરચે બ્રિટિશ દળો પરાજિત થતાં હતાં તે સાથે બ્રિટિશ ઑફિસરોએ હિન્દુસ્તાનીઓની પરવા કરવાનું છોડી દીધું હતું. કૅપ્ટન લક્ષ્મી એ વખતે પોતાના પતિ સાથે એમની ક્લિનિકમાં હતાં. ત્યાંથી ભાગી છૂટવાની એમને ચેતવણી મળતાં એ ભાગી છૂટ્યાં પણ રસ્તામાં પાછળથી જાપાની સૈનિકો આવતા હતા. એમનાથી બચવા માટે બન્ને જણ રસ્તાની પાસે નાની ખાઈમાં ઊતરી ગયાં. જાપાની સૈનિકોએ એમને જોઈ લીધાં અને એમની સામે મશીનગન ગોઠવી દીધી પણ હિન્દુસ્તાની છે એવી ખબર પડતાં જવા દીધાં.

બ્રિટિશ ફોજમાં પ્રેમ કુમાર સહગલ પણ હતા. એમની બટાલિયનને પાછા હટવાનો આદેશ મળી ચૂક્યો હતો. પણ એ જ સવારે એમના બ્રિટિશ સાથીનો સંદેશ મળ્યો હતો. જાપાનીઓ એના બંકર સુધી પહોંચી ચૂક્યા હતા. સંદેશમાં તો તરત ભાગી છૂટવાની ચેતવણી હતી પણ પ્રેમ કુમાર ઉલ્ટું સમજ્યા કે મદદ માટે જવાનું છે. એ ત્યાં ગયા તો જાપાની સૈનિકોએ એમને ઘેરી લીધા.

પ્રેમ કુમાર પોતાનાં સંસ્મરણોમાં કહે છે કે જાપાની સૈનિકોને હિન્દુસ્તાનીઓને જાનથી ન મારવાનો હુકમ હતો. પ્રેમ કુમારને આગળ તરફ હાથ બાંધીને એક ખુરશીમાં બેસાડી દેવાયા. થોડે દૂર એક બ્રિટિશ ઑફિસર હતો. એક જાપાની ઑફિસર આવ્યો અને પ્રેમ કુમાર સામે બંદૂક તાકી પણ પછી તારા પર ગોળી વેડફાય નહીં” એવા ભાવ સાથે તલવાર કાઢી. બ્રિટિશ ઑફિસરને પકડ્યો અને એનું ડોકું કાપી નાખ્યું. સહગલ પર નજર રાખવા બેઠેલા એક જાપાની સૈનિકે એમનું નામ અને ધર્મ પૂછ્યાં અને બોલી પડ્યોઃ “ઇન્દોકા…”? “ગાન્જીકા”…? સહગલ ‘ઇન્દોકા’નો અર્થ તો સમજ્યા અને કહ્યું “ઇન્દોકા યસ, ગાન્જીકા નો” તરત જ જાપાનીએ બે હાથ ભેગા કરીને એમના માથા પર ફટકો માર્યો. સહગલે વળતો મુક્કો માર્યો. પણ પછી જાપાની બોલવા લાગ્યો કે “નિપ્પોન પહેલા નંબરેજનરલ તોજો બીજા નંબરે અને ગાન્જી ત્રીજા નંબરે” હવે સહગલ સમજ્યા કે ‘ગાન્જીકા’ એટલે ‘ગાંધીનો માણસ!” એટલે કે હિન્દુસ્તાની. એમણે હા પાડી. પ્રેમ કુમાર સહગલ યુદ્ધકેદી બન્યા. (પછી એ આઝાદ હિન્દ ફોજમાં જોડાયા. લાલ કિલ્લામાં બ્રિટિશરોએ આઝાદ હિન્દ ફોજના ત્રણ નેતાઓ સામે કેસ ચલાવ્યો તેમાં એ જ પ્રેમ કુમાર સહગલશાહ નવાઝખાન અને સરદાર ગુરબખ્શ સિંઘ ઢિલ્લોં હતા. એમણે પાછળથી ઝાંસી કી રાની બ્રિગેડનાં કૅપ્ટન લક્ષ્મી સાથે લગ્ન કર્યાં).

ઇમ્ફાલ ભણી કૂચ

૧૯૪૪ની ૪થી ફેબ્રુઆરીએ આઝાદ હિન્દ ફોજે ભારત-બર્માની સરહદે ગોળીબાર શરૂ કરી દીધો અને આરાકાન પહાડ પર ભારતીય ત્રિરંગો લહેરાવ્યો. બોઝ અને ગાંધી બ્રિગેડો ‘ઍક્શન’માં હતી. અહીંથી આઝાદ હિન્દ ફોજે હિન્દુસ્તાનની સીમામાં બેધડક ડગ માંડ્યાં અને પાલેલ, મોરે, સંગરાર અને નાગા પર્વતશૃંખલાનાં ઘણાં ગામોમાં ત્રિરંગો લહેરાવ્યો. ત્યાંથી એક ટુકડી કોહીમા તરફ આગળ વધી અને એના પર કબજો કરી લીધો. બીજી ટુકડીએ દીમાપુર અને સિલ્ચર સર કર્યાં. આઝાદ હિન્દ ફોજે ચાર મહિનામાં ૧૫,૦૦૦ ચોરસ માઇલનો વિસ્તાર પોતાના કબજામાં લઈ લીધો અને નેતાજીએ આઝાદ પ્રદેશના ગવર્નર તરીકે મેજર જનરલ એ. સી. ચૅટરજીની નીમણૂક કરી.

દરમિયાન, ઇમ્ફાલ માટે ખૂનખાર લડાઈ ચાલતી રહી. હજારો હિન્દુસ્તાની સૈનિકો આ લડાઈમાંથી કદી પાછા ન ફર્યા. પરંતુ છ મહિના સુધી આઝાદ હિન્દ ફોજે ઇમ્ફાલ પર એટલું દબાણ ચાલુ રાખ્યું કે સાથી રાષ્ટ્રોના સૈનિકોને ખાધાખોરાકી પહોંચાડવાના માર્ગો ખોરવાઈ ગયા અને વિમાન મારફતે સામગ્રી પહોંચાડવી પડી. સાથી રાષ્ટ્રો માટે ઇમ્ફાલ છોડી દેવું પડે એવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી.

વરસાદ અને દગાખોરી

પરંતુ એ જ તબક્કે ભારે વરસાદે બ્રિટિશ દળોને શ્વાસ લેવાની નવરાશ આપી. એ ફરી સંગઠિત થવા લાગ્યાં. ઇમ્ફાલ છોડવાનો હુકમ રદ કરી દેવાયો. બીજી બાજુ, આઝાદ હિન્દ ફોજના સૈનિકો મેલેરિયા, ઝાડાઉલટીની બીમારીઓમાં સપડાયા.

આઝાદ હિન્દ ફોજની નબળી બાજુ એ રહી કે એને હવાઈ દળનો ટેકો ન મળ્યો કેમ કે જાપાની હવાઈ દળને ત્યાંથી હટાવી લેવાયું હતું. જાપાનની પોતાની સ્થિતિ પણ ખરાબ હતી. એ પોતાનાં ભૂમિદળોને પણ મદદ કરવામાં અડચણોનો સામનો કરતું હતું,

આ જ સમયે આઝાદ હિન્દ ફોજના બે ઑફિસરો મેજર પ્રભુ દયાલ અને મેજર ગ્રેવાલ બ્રિટિશ પક્ષે ચાલ્યા ગયા. એમણે બ્રિટિશ લશ્કરી અધિકારીઓને બાતમી આપી કે આઝાદ હિન્દ ફોજને સાધનસામગ્રીની ખેંચ હતી અને એમની સપ્લાય લાઇન કપાઈ ગઈ હતી.  જો કે ફોજ ઑગસ્ટ સુધી હિંમતથી મુકાબલો કરતી રહી. પરંતુ નેતાજીને લાગ્યું કે હવે આગળ વધવું તે વધારે ખુવારીને આમંત્રણ આપવા જેવું છે. એમણે ઑગસ્ટમાં પીછેહઠનો હુકમ આપી દીધો.

ચલો દિલ્હી

પરંતુ નેતાજી પોતાના સંકલ્પમાં મોળા નહોતા પડ્યા. એમણે મોરચા પર લડનારાઓથી અલગ, સામાન્ય હિન્દુસ્તાનીઓને ફોજની મદદ માટે તૈયાર કરવા નાગરિક મોરચો ખોલ્યો અને મોરચે લડનારા સૈનિકોને બે નવા નારા આપ્યા – ચલો દિલ્હી’ અને ખૂન…ખૂન..ખૂન’! ઘરઆંગણા માટે એમના નારા હતા – કુલીય ભરતી” અને કરો સબ નિછાવર ઔર બનો સબ ફકીર”!

બીજા હુમલાની તૈયારી

નેતાજીએ તરત બીજા હુમલાની તૈયારી શરૂ કરી દીધી. સિંગાપુર, મલાયા અને થાઈલૅન્ડથી કુમક પણ આવી પહોંચી હતી. આ દળોએ પહેલાં જનરલ એન. એસ. ભગત, એમના પછી કર્નલ અઝીઝ અહમદ અને તે પછી મેજર જનરલ શાહ નવાઝ ખાનના તાબામાં કામ કર્યું. એની નીચેનાં દળોની આગેવાની કર્નલ ગુરબખ્શ સિંઘ ઢિલ્લોં, કર્નલ પ્રેમ કુમાર સહગલ, અને કર્નલ એસ. એમ હુસેનને સોંપાઈ. આઝાદ હિન્દ્દ ફોજ પાસે હવે સાધનસામગ્રીની અછત નહોતી અને પહેલા હુમલાનો અનુભવ લઈ ચૂકેલા સ્વાતંત્ર્યવીરો લાંબો વખત આરામ કર્યા પછી નવા હુમલા માટે થનગનતા હતા. બીજી બાજુ સાથી રાષ્ટ્રોની સેના પણ વધારે સજ્જ હતી. આમ છતાં મેકિટિલા અને પોપા હિલ્સ પર આઝાદ હિન્દ ફોજે કબજો કરી લીધો. પણ સાથી દળોએ એના ઉપર ફરી ફતેહ મેળવી. આઝાદ હિન્દ ફોજે પણ વળતો હુમલો કરીને એ ફરી જીતી લીધાં. આવું ઓછામાં ઓછું દસ વાર બન્યું.

પણ ફરી દગલબાજોએ બાજી પલટી નાખી. મેજર મદાન, મેજર રિયાઝ, મેજર ગુલામ સરવર અને મેજર ડે બ્રિટીશ બાજુએ ચાલ્યા ગયા. આમ છતાં, મેજર જનરલ શાહ નવાઝ ખાન, કર્નલ પ્રેમ કુમાર સહગલ, કર્નલ ગુરબખ્શ સિંઘ ઢિલ્લોં, કર્નલ અર્શદ, કર્નલ હુસેન, મેજર મેહર દાસ જેવા ઘણાયે દેશભક્ત ફોજી અફસરો દેશને આઝાદ કરાવવાના ધ્યેયમાં દૃઢતાથી ટકી રહ્યા.

પરંતુ ૧૯૪૫ આવતાં સુધીમાં જાપાની સેના હારેલી લડાઈ લડતી હતી. રંગૂન પર ફરી બ્રિટિશ દળોએ કબજો કરી લીધો ત્યારે નેતાજી ત્યાં જ હતા. એમના સાથીઓએ એમને બેંગકોક તરફ નીકળી જવાની ફરજ પાડી. રસ્તામાં એમના ઘણા સાથીઓ માર્યા ગયા. ઝાંસી કી રાની બ્રિગેડની ઘણી મહિલા સૈનિકો પણ મોતને ભેટી. ૧૮ દિવસ પગપાળા ચાલીને નેતાજી બેંગકોક પહોંચ્યા ત્યારે ત્યાં એમનું હિન્દુસ્તાનીઓએ ઊમળકાભેર સ્વાગત કર્યું. નેતાજીએ અહીં લોકોને હાક્લ કરી –તુમ મુઝે ખૂન દોમૈં તુમ્હેં આઝાદી દૂંગા”!

નેતાજી બેંગકોકથી સિંગાપુર પહોંચ્યા અને ત્યાં આઝાદ હિન્દ ફોજના શહીદોનું સ્મારક ઊભું કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી. ત્યાંથી એ બેંગકોક પાછા ફર્યા ત્યારે છઠ્ઠી ઑગસ્ટે અમેરિકાએ જાપાનના હીરોશીમા શહેર પર પરમાણુબોંબ ફેંકીને જાપાનને થથરાવી મૂક્યું. નવમીએ નાગાસાકી બોંબનો શિકાર બન્યું. તે સાથે જાપાનની શરણાગતીની વાતો શરૂ થઈ ગઈ અને ૧૧મી ઑગસ્ટે જાપાને હાર માની લીધી.

આ સાથે આઝાદ હિન્દ ફોજની લશ્કરી કાર્યવાહીનો – અને એ સાથે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના એક ઝળહળતા પ્રકરણનો પણ – અંત આવ્યો.

અને એ બધું ઓછું હોય તેમ એ વખતે પ્રસારિત થયેલા સમાચારો પ્રમાણે નેતાજી અને એમના હિન્દુસ્તાની સાથીઓ અને કેટલાક જાપાની લશ્કરી અધિકારીઓનું વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું. ભારતના ક્ષિતિજેથી એક મહાન સિતારો, મહાન જનનાયક ચિર વિદાય લઈ ગયો.

000

સંદર્ભઃ

  1. INA Saga by Sardar Ram Singh Rawal (publication date not available).
  2. The Forgotten Army by Peter Ward Fay (The University of Michigan Press)
  3. https://www.livehistoryindia.com/history-daily/2020/03/25/battles-of-imphal-kohima-a-time-to-heal
  4. https://idsa.in/system/files/jds/jds_8_3_2014_HemantKatoch.pdf

(સંદર્ભ ૧માં દર્શાવેલા પુસ્તકના લેખક સરદાર રામ સિંઘ રાવલ આઝાદ હિન્દ ફોજમાં હતા અને યુદ્ધકેદીઓની છાવણીમાંથી પોતાના બે સાથીઓ સાથે ત્રણ હજાર માઇલ પગપાળા રંગૂનથી ઇમ્ફાલ પહોંચ્યા હતા).

Martyrs of Indian Freedom Struggle – (66) Adventurous Subhashbabu (3)

સુભાષબાબુનું પરાક્રમ (૩)

સુભાષબાબુ સુકાન સંભાળે છે

સુભાષબાબુ જર્મન સબમરીનમાં ટોકિયો પહોંચ્યા અને રેડિયો પરથી બોલ્યા તે સાથે જ બ્રિટનનું પ્રચાર તંત્ર અચંબામાં પડી ગયું. આમ તો એના હુમલાનું નિશાન હંમેશાં રાસબિહારી બોઝ બનતા હતા, બ્રિટન એમને જાપાનની કઠપૂતળી ગણાવતું. પરંતુ સુભાષબાબુ તો દેશમાં જ હતા! એમને જાપાનના રમકડા તરીકે ઓળખાવે તો કોણ માને? કોંગ્રેસવાળા સુભાષબાબુની આઝાદી માટેની લડાઈની રીતનો વિરોધ કરતા હતા પણ જાપાન એમને નચાવે છે એમ તો નહોતા જ માનતા. સુભાષબાબુને સાંભળતાં જ દેશમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું અને બીજી બાજુ અંગ્રેજ સરકારને માટે નવો માથાનો દુખાવો શરૂ થયો.

સુભાષબાબુ ટોકિયો પહોંચ્યા તે પછી રાસબિહારી બોઝ અને બીજા નેતાઓમાં પણ નવું જોશ પુરાયું ઇંડિયન ઇંડીપેન્ડન્સ લીગનું નવું બંધારણ બનાવાયું અને ઇંડિયન નૅશનલ આર્મીને નવું રૂપ આપવાનો નિર્ણય લેવાયો.

સુભાષબાબુએ ટોકિયોમાં અઢી મહિનાના રોકાણ દરમિયાન જાપાનના સરકારી અને લશ્કરી નેતાઓ સાથે સંપર્ક સ્થાપિત કરી લીધો હતો. વડા પ્રધાન જનરલ તોજોએ એમને ભારતની આઝાદી માટે બધી રીતે મદદ આપવાનું વચન આપ્યું હતું. સુભાષબાબુના આવ્યા પછી ફરી હિન્દુસ્તાની નેતાઓ અને જાપાની નેતાઓ વચ્ચે સદ્‌ભાવનું વાતાવરણ રચાયું.

૧૯૪૩ની બીજી જુલાઈએ સુભાષબાબુ સિંગાપુર પહોંચ્યા. આખા પૂર્વ એશિયામાં ત્રીસ લાખ હિન્દીઓમાં ઉત્સાહ અને દેશભક્તિનાં પૂર ઊમટ્યાં. બે દિવસ પછી ચોથી જુલાઈએ સ્યોનાન (સિંગાપુર)ના ‘ગેકીજો’ (મૂળ નામ કૅથે થિએટર)માં આખા પૂર્વ એશિયાના હિન્દીઓના પ્રતિનિધિઓ એકઠા થયા અને એક વિરાટ સભામાં સુભાષબાબુએ ઇંડિયન ઇંડીપેન્ડન્સ લીગનું પ્રમુખપદ સંભાળ્યું. રાસબિહારી બોઝે ઊમળકાભેર ભાષણ કર્યું અને ઇંડિયન ઇંડીપેન્ડન્સ લીગના પ્રમુખપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી અને દેશસેવક સુભાષબાબુ’ના નામની દરખાસ્ત મૂકી. દરખાસ્ત તો એક ઔપચારિકતા જ હતી.

સુભાષબાબુએ પોતાના ભાષણમાં કહ્યું કે હવે આઝાદીના પ્રેમીઓએ કંઈક કરવું જોઈએ એવો સમય પાકી ગયો છે. એમણે પૂર્વ એશિયામાં રહેતા બધા ભારતીયોને એક સમાનપણે ખભેખભા મિલાવીને ઊભા રહેવા અને લડાઈ માટે તૈયાર થઈ જવા હાકલ કરી. ભારતમાં વાઇસરૉય લિન્લિથગોની જગ્યાએ કમાંડર-ઇન-ચીફ લૉર્ડ વેવલને વાઇસરૉય બનાવવાની વાતો વહેતી થઈ હતી તેનો ઉલ્લેખ કરીને એમણે કહ્યું કે બ્રિટન લડાઈ પછી પણ ભારતમાંથી જશે નહીં અને શોષણ ચાલુ રાખશે તેનો આ સંકેત છે. એમણે કહ્યું કે સરકારે ગાંધીજીને પકડી લીધા તે પછી લોકોએ ‘ભારત છોડો’ આંદોલન જાતે ચલાવ્યું છે અને દેખાયું કે લોકો નાગરિક અસહકારથી આગળ વધીને કોઈ પણ જલદ પગલું લેવા તત્પર છે. એમણે કહ્યું કે ૧૯૪૨નો ઑગસ્ટ ભારતના ઇતિહાસમાં અમર થઈ જશે.

સુભાષબાબુએ દેશની આરઝી હકુમત (હંગામી સરકાર)ની સ્થાપના કરવાનો પોતાનો વિચાર જાહેર કર્યો. આરઝી હકુમત દેશની આઝાદી માટે સશસ્ત્ર સંઘર્ષ કરશે અને સ્વાધીન હિન્દુસ્તાનની કાયમી સરકાર બને ત્યાં સુધી કામ સંભાળશે.

પાંચ દિવસ પછી નવમી જુલાઈએ સ્યોનાનમાં હિન્દીઓનું જબ્બર સરઘસ નીકળ્યું. એમાં બોલતાં સુભાષબાબુએ કહ્યું કે દેશમાં ચાલતો સંઘર્ષ અંગ્રેજી હકુમતને હરાવવા માટે પૂરતો નથી, બહારથી પણ સંઘર્ષ કરવો પડે તેમ છે. એમણે કહ્યું કે હિન્દુસ્તાનીઓ બ્રિટિશ ફોજ પર હુમલો કરવા સમર્થ હોય તેવું દળ ઊભું કરશે. અને તે સાથે જ દેશમાં ક્રાન્તિની આગ ફેલાઈ જશે. ક્રાન્તિમાં બ્રિટનના ધ્વજ નીચે લડતા ભારતીય સૈનિકો પણ જોડાશે. આમ બ્રિટન પર અંદરથી અને બહારથી હુમલા થવા જોઈએ. આના માટે આપણે એ જોવાની પણ જરૂર નથી કે ધરી રાષ્ટ્રો શું કરે છે.

આઝાદ હિન્દ ફોજનો નવો અવતાર

તે પછી એમણે આઝાદ હિન્દ ફોજની નવેસરથી રચના કરવા પર મુખ્યત્વે ધ્યાન આપ્યું.

સિંગાપુરના મ્યુનિસિપલ હૉલમાં ભારે વરસાદની પરવા કર્યા વિના પચાસ હજારની મેદની એમને સાંભળવા એકઠી થઈ. એની સામે એમણે ત્રણ લાખ સૈનિકો અને ત્રણ કરોડ ડૉલર માટે ટહેલ નાખી. તે સાથે જ માલેતુજાર લોકોએ લાખો ડૉલરના ચેક એમના હાથમાં મૂકી દીધા.

સુભાષબાબુએ આઝાદ હિન્દ ફોજનું પુનર્ગઠન કરવાનું તરત શરૂ કરી દીધું. એમણે ખાસ કરીને સ્ત્રીઓની રેજિમેન્ટ બનાવવા પર ખાસ ભાર મૂક્યો. લક્ષ્મી સહગલની આગેવાની હેઠળ ‘ઝાંસી કી રાની’ રેજિમેન્ટ બની.

આરઝી હકુમત

૧૯૪૩ના ઑક્ટોબરની ૨૧મીએ સુભાષબાબુએ વિધિવત્‍ દેશની વચગાળાની સરકારની જાહેરાત કરી. એમણે સિંગાપુર આવીને એમના સૌ પહેલા ભાષણમાં આ વિચાર જાહેર કર્યો હતો. એમણે પોતે સરકારના વડાનું પદ લીધું અને રાસ બિહારી બોઝને સર્વોચ્ચ સલાહકાર બનાવ્યા. કેપ્ટન લક્ષ્મીને મહિલા વિભાગ સોંપવામાં આવ્યો. એમની કૅબિનેટમાં મુલ્કી અને લશ્કરી બન્ને પ્રકારના નેતાઓ હતા. જાપાને આ સરકારને તરત હિન્દુસ્તાનની કાનૂની સરકાર તરીકે માન્યતા આપી.

આંદામાન-નિકોબારમાં આરઝી હકુમતની સત્તા

ભારતને સ્વતંત્રતા મળે તે વખત સુધી દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે વચગાળાની સરકાર તો બની ગઈ, પણ સવાલ એ હતો કે એને અધીન કોઈ પ્રદેશ હોવો જોઈએ કે નહીં? જાપાને આંદામાન નિકોબાર ટાપુઓ પર કબજો કરી લીધો હતો અને એ પ્રદેશ એણે આઝાદ હિન્દની આરઝી હકુમતને સોંપી દેવાનો નિર્ણય કર્યો. વડા પ્રધાન જનરલ તોજોએ જાપાનને અધીન એશિયાઈ દેશોના પ્રતિનિધિઓની બેઠકમાં આ નિર્ણય જાહેર કર્યો. સુભાષબાબુ બેઠકમાં હાજર તો રહ્યા પણ વચગાળાની સરકારના વડા તરીકે નહીં, માત્ર નિરીક્ષક તરીકે. એમની દલીલ હતી કે આ કાર્ય કાયમી સરકારનું છે. આમ છતાં તોજોની ઑફર આરઝી હકુમતે સ્વીકારી લીધી અને આંદામાનને ‘શહીદ’ અને નિકોબારને ‘સ્વરાજ’ એમ નવાં નામ આપ્યાં. ૧૯૪૩ની ૩૦મી ડિસેમ્બરે સુભાષબાબુ આંદામાન-નિકોબાર પહોંચ્યા અને સત્તાવાર રીતે વહીવટનો દોર સંભાળી લીધો.

આંદામાન-નિકોબાર ટાપુઓ પર ૧૯૪૨ના માર્ચમાં જ જાપાને કબજો કરી લીધો હતો અને ત્યાં ગોઠવાયેલી બ્રિટિશ ગૅરિસન જાપાનને શરણે આવી ગઈ હતી. એમાં હિન્દી સૈનિકો હતા તે પછી આઝાદ હિન્દ ફોજમાં સામેલ થઈ ગયા. પરંતુ આરઝી હકુમતને વહીવટ સોંપ્યા પછી પણ જાપાનની દખલગીરી ચાલુ રહી. જાપાને પોલીસ વિભાગ આરઝી હકુમતને સોંપ્યો નહીં, માત્ર બીજા વિભાગો સોંપ્યા. આંદામાન ટાપુ પર જાપાની સૈન્યે ભારે અત્યાચારો કર્યા હતા. પણ નેતાજી ૨૯મી ડિસેમ્બરે આંદામાન પહોંચ્યા ત્યારે જાપાની સૈન્યે કડક જાપ્તો રાખ્યો હતો અને પોતાનાં કરતૂતોનો ઢાંકપીછોડો કરી લીધો હતો.

પરંતુ એક જ અઠવાડિયાની અંદર આરઝી હકુમતના મુખ્ય કાર્યાલયને રંગૂન મોકલાવી દેવાયું. સુભાષબાબુનો વિચાર હતો કે ભારત અને બર્માની સરહદ પર યુદ્ધ થવાનું હતું એટલે સરકારનું મુખ્ય કેન્દ્ર યુદ્ધ મોરચાની નજીક હોવું જોઈતું હતું. એ પણ ખરું કે નેતાજી એમ ઇચ્છતા હતા કે ભારતમાં સૌ પ્રથમ તો ભારતીયો જ પહોંચે, પણ જાપાન આઝાદ હિન્દ ફોજને ભારતમાં જવા દેવા નહોતું ઇચ્છતું.

બીજી બાજુ પૂર્વ એશિયામાં બીજા કેટલાક પ્રદેશો પણ આઝાદ હિન્દ ફોજના હાથમાં આવી ગયા હતા. હવે નેતાજીએ આઝાદ હિન્દ બેંક પણ શરૂ કરી અને એને જબ્બર સહકાર મળ્યો. સરકાર હસ્તકના બીજા વિભાગોમાં પણ જનતાને મદરૂપ થાય એવાં કામો શરૂ થઈ ગયાં હતાં. પણ નેતાજીનું મુખ્ય લક્ષ્ય તો ભારતની ભૂમિને આઝાદ કરાવવાનું હતું. પરંતુ,આંદામાન-નિકોબારમાં લોકોની મુખ્ય સમસ્યા જાપાનીઓ પોતે જ હતા. એમના અત્યાચારોનો શિકાર બનનારા લોકોને વહીવટનાં બીજાં પાસાંઓ કરતાં જાપાનીઓના અત્યાચારો બંધ થાય તેમાં વધારે રસ હતો. આમ આરઝી હકુમત સંતોષપૂર્વક કામ કરવામાં સફળ ન થઈ શકી

૦૦૦

સંદર્ભઃ

Netaji Subhash Chandra Bose: His life and work – translated from Gujarati ‘નેતાજી સુભાષ ચંદ્ર બોઝઃ જીવન અને કાર્ય’ લેખકઃ મોહનલાલ મહેતા ‘સોપાન’ પ્રકાશન ૧૯૪૬.

Martyrs of Indian Freedom Struggle – (65) Adventurous Subhashbabu (2)

સુભાષબાબુનું પરાક્રમ (૨)

સુભાષબાબુ સાથે સંપર્ક

ટોકિયોની પરિષદ પછી પૂર્વ એશિયાના હિન્દુસ્તાનીઓ ખરા અર્થમાં સુભાષબાબુના સંપર્કમાં આવ્યા. ટોકિયો પછી થાઈલેંડના બેંગકોકમાં પરિષદ મળી તેને સુભાષબાબુએ શુભેચ્છા સંદેશ પણ મોકલ્યો.

જાપાન તરફથી એમને સંપૂર્ણ પ્રોત્સાહન મળતું હોવા છતાં ભારતીય ક્રાન્તિકારીઓ એક વાતમાં સ્પષ્ટ હતા કે ઇંડિયન નૅશનલ આર્મીની આંતરિક રચના અને કમાંડ માત્ર ભારતીયોના જ હાથમાં જ રહેવાં જોઈએ અને એને આઝાદ ભારતના સ્વતંત્ર સૈન્ય તરીકે જાપાની સૈન્યની બરાબરીનું માન મળવું જોઈએ.

પરિષદે એ પણ સ્પષ્ટ કર્યું કે આઝાદ હિન્દ ફોજનો ઉપયોગ માત્ર ભારતમાં બ્રિટન કે કોઈ પણ વિદેશી સત્તા સામે જ કરી શકાશે; તે સિવાય યુદ્ધના બીજા કોઈ પણ ક્ષેત્રમાં ક્યાંય નહીં કરી શકાય અને એનો હેતુ માત્ર હિન્દુસ્તાનની આઝાદી મેળવવાનો હશે. આઝાદ હિન્દ ફોજને ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગના તાબામાં મૂકવામાં આવી.

લીગ સામેની મુશ્કેલીઓ

બેંગકોક પરિષદ મળી અને તે પછી તરત ઑગસ્ટમાં ‘ભારત છોડો’ આંદોલન શરૂ થયું. કોંગ્રેસને પૂર્વ એશિયાની ઇંડીપેન્ડન્સ લીગની પ્રવૃત્તિઓની ખબર નહોતી અને લીગને કોંગ્રેસ શું કરવા માગે છે તેની ખબર નહોતી, તેમ છતાં યોગાનુયોગ એવો હતો કે ભારતની આઝાદી માટે ચારે બાજુથી જોરદાર પ્રયત્નો શરૂ થઈ ગયા હતા.

મલાયામાં સામાન્ય નાગરિકોને આઝાદ હિન્દ ફોજમાં દાખલ કરવાના કૅપ્ટન મોહન સિંઘના પ્રયત્નોનાં સારાં પરિણામ દેખાવા લાગ્યાં હતાં, હજારો સામાન્ય નાગરિકો ફોજમાં જોડાયા. જાપાને ધાર્યું હતું તેના કરતાં પણ આ વધારે સારો પ્રતિસાદ હતો. અને જાપાન માટે એ જ સૌથી મોટી સમસ્યા હતી!

એ જ વર્ષના ડિસેમ્બરની ચોથીએ કાઉંસિલની મીટિંગ મળી, તેમાં મલાયાના એન. રાઘવન સહિતના ચાર સભ્યોએ રાજીનામાં આપી દીધાં. પ્રમુખ રાસ બિહારી બોઝે ખાતરી આપી કે જ્યાં સુધી જાપાન સાથેની સમસ્યાઓનો નિવેડો નહીં આવે ત્યાં સુધી ભારતીય સૈનિકો ક્યાંય જશે નહીં, તેના પછી રાજીનામાં પાછાં ખેંચી લેવાયાં.

કાઉંસિલ સીધી રીતે તો કર્નલ ઈવાકુરોના સંપર્કમાં હતી. જાપાની સત્તાવાળાઓ સાથે એની બધી વાતચીત ઈવાકુરો મારફતે થતી પણ ઈવાકુરોએ કાઉંસિલના પત્રો આગળ મોકલવાનું બંધ કરી દીધું હતું. રાઘવન અને રાસબિહારી બોઝ ઈવાકુરોને મળ્યા ત્યારે પણ ખેંચતાણ ચાલુ રહી. બન્ને પક્ષે મતભેદ એ હતો કે હિન્દુસ્તાની નેતાઓ માનતા હતા કે મેજર ફુજીવારાએ કૅપ્ટન મોહન સિંઘને બધા હિન્દુસ્તાની યુદ્ધ કેદીઓ સોંપી દીધા. જાપાની પક્ષનું કહેવું હતું કે એમણે માત્ર જે યુદ્ધકેદીઓ આઝાદ હિન્દ ફોજમાં જોડાવા તૈયાર થયા એમની જ સોંપણી કરી હતી. જાપાની પક્ષ આઝાદ હિન્દ ફોજમાં વધારે ભરતી થાય તે પણ પસંદ નહોતો કરતો. જાપાની અફસરો માત્ર યુદ્ધકેદીઓને જ ફોજમાં લેવાનો આગ્રહ રાખતા હતા. એમનું કહેવું હતું કે હારેલા સૈનિકોમાં તરત નવો જુસ્સો ન આવી શકે, બીજી બાજુ કૅપ્ટન મોહન સિંઘ નાગરિકોમાંથી ભરતી કરીને ફોજની તાકાત વધારવા માગતા હતા. જાપાની અધિકારીઓ એના માટે પણ તૈયાર નહોતા.

હિન્દુસ્તાની નેતાઓએ સ્પષ્ટ કરી દીધું કે તેઓ આઝાદી માટેનું આંદોલન જ સ્થગિત કરી દેશે. આંદોલન સદંતર બંધ થાય તે જાપાની પક્ષના લાભમાં નહોતું. મેજર ફુજીવારાએ આ અંગે વધારે ચર્ચા કરવાનો સમય માગ્યો. રાસ બિહારી બોઝ સંમત થયા અને બીજા દિવસે મળનારી કાઉંસિલની બેઠક મુલતવી રાખી. રાઘવન, મોહન સિંઘ વગેરે નેતાઓ માનતા હતા કે રાસ બિહારી બોઝ ભારત કરતાં જાપાનને વધારે મહત્વ આપે છે. આથી એમણે રાજીનામાં ચાલુ રાખવાનો આગ્રહ કર્યો. અંતે રાસ બિહારી બોઝે પોતે જ રાજીનામું આપી દીધું. આમ આંદોલન શરૂ થવાની સાથે જ ખરાબે ચડી ગયું.

આ સંયોગોમાં સુભાષબાબુ જેવા નેતાની જરૂર હતી.

૦૦૦

સંદર્ભઃ

Netaji Subhash Chandra Bose: His life and work – translated from Gujarati ‘નેતાજી સુભાષ ચંદ્ર બોઝઃ જીવન અને કાર્ય’ લેખકઃ મોહનલાલ મહેતા ‘સોપાન’ પ્રકાશન ૧૯૪૬.

Martyrs of Indian Freedom Struggle – (64) Adventurous Subhashbabu (1)

સુભાષબાબુનું પરાક્રમ (૧)

ગાંધીજીએ ‘ભારત છોડો’ આંદોલન શરૂ કર્યું તેના સંદર્ભમાં સુભાષબાબુ પાસે જવાનું જરૂરી છે. એમને હિટલરે સબમરીન મારફતે પૂર્વ એશિયામાં મોકલી દીધા હતા. એમણે ‘ભારત છોડો’ને જોરદાર ટેકો આપ્યો અને હિન્દુસ્તાનીઓને સંગઠિત કરવાનું બીડું ઝડપી લીધું કારણ કે અહીં એમનો સંપર્ક હિન્દુસ્તાનીઓ અને જાપાન સાથે થવાનો હતો અને અહીં જ એમણે પોતાની ઐતિહાસિક ભૂમિકા ભજવી. એમનું ભારતમાંથી અલોપ થઈ જવું અને રશિયામાંથી જર્મની પહોંચવું એ બધું જાણે એ ઐતિહાસિક ભૂમિકાની તૈયારી જેવું હતું. એ અહીં જ ‘નેતાજી’ બન્યા.

સુભાષબાબુના સંઘર્ષ વિશે આપણે સૌ એ રીતે શીખ્યા છીએ કે જાણે એમનો સંઘર્ષ દેશમાં ચાલતા સંઘર્ષ કરતાં અલગ હતો. એ અલગ નહોતો, અલગ પ્રકારનો હતો, પણ મૂળ સંઘર્ષ સાથે સંકળાયેલો હતો. અલગ રીતે લડાયેલા બન્ને સંઘર્ષોએ એકબીજા પર બહુ જોરદાર અસર કરી. ગાંધીજી કે નહેરુ સાથે સુભાષબાબુના મતભેદ હોવા છતાં એમણે આઝાદ હિન્દ ફોજમાં ગાંધી બ્રિગેડ અને નહેરુ બ્રિગેડ બનાવી. ગાંધીજી પણ સુભાષબાબુ વિશે સતત સમાચાર મેળવતા રહેતા અને નહેરુ માનતા કે જાપાન સામે લડવું પડે તો દરેક ભારતવાસીએ લડવું જોઈએ અને એમાં સુભાષબાબુની ફોજ સામે લડવું પડે તો પણ લડવું. આમ છતાં, આઝાદ હિન્દ ફોજના ત્રણ વીરો, પ્રેમ કુમાર સહગલ, શાહ નવાઝ ખાન અને ગુરબખ્શ સિંઘ ઢિલ્લોં સામે લાલ કિલ્લામાં કેસ ચાલ્યો ત્યારે વકીલ તરીકે બચાવ પક્ષે જોડાનારાઓમાં નહેરુ પણ હતા.

બીજી બાજુ, કોંગ્રેસે જાપાનનો મુકાબલો કરવાનું નક્કી કર્યું હોવા છતાં પૂર્વ એશિયામાં બ્રિટન જાપાનના હાથે માર ખાતું હતું તે સાથે જનતામાં જોશ વધતું જતું હતું અને એનો લાભ ગાંધીજીના આંદોલનને મળતો હતો! એટલે હિંસાને અનિવાર્ય નહીં માનનારા ક્રાન્તિકારીઓ એક બાજુથી ગાંધીજીના નેતૃત્વ હેઠળ વિરાટ જન સમુદાયના સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી પ્ર્રેરણા મેળવતા હતા, તો બીજી બાજુ, એમનાં અદમ્ય સાહસ અને બલિદાનો લોકોને ગાંધીજી પાછળ જવાના ઉત્સાહથી ભરી દેતાં હતાં. સુભાષબાબુનો સંઘર્ષ પણ લોકોને ઉત્સાહથી ભરી દેતો હતો.

પરંતુ સુભાષબાબુએ ‘આઝાદ હિન્દ ફોજ’ બનાવી એ ધારણા સાચી નથી. એ તો સુભાષબાબુ ત્યાં પહોંચ્યા તે પહેલાં પણ હતી જ. આપણે એ જાણવા માટે થોડા પાછળ જવું પડશે.

રાસબિહારી બોઝ

અંગ્રેજ સરકારે પોતાના પાટનગરને કલકત્તાથી દિલ્હી ખસેડ્યું અને વાઇસરૉય લૉર્ડ હાર્ડિંગ દિલ્હી આવ્યો ત્યારે એનું વાજતેગાજતે સ્વાગત થયું પણ એના સરઘસ પર ચાંદની ચોકમાં બોંબ ફેંકાયો. રાસબિહારી બોઝ આ યોજનામાં સામેલ હતા અને પોલીસ એમને પકડી શકે તે પહેલાં ભાગીને જાપાન પહોંચી ગયા હતા. દૂર-પૂર્વમાં વસતા હિન્દુસ્તાનીઓને સંગઠિત કરવાનું કામ એમણે અને એમના બીજા ક્રાન્તિકારી દેશપ્રેમી સાથીઓએ કર્યું હતું.

૧૯૪૨નું નવું વર્ષ શરૂ થયું ત્યારે જાપાનનો ડંકો વાગતો હતો. ૧૫મી ફેબ્રુઆરીએ બ્રિટનનો ગઢ ગણાતા સિંગાપુર પર જાપાનનો ‘ઊગતો સૂરજ’ લહેરાયો અને બ્રિટિશ ફોજ આમતેમ વેરવીખેર થઈને ભાગી છૂટી. બે દિવસ પછી, ૧૭મીએ જાપાનના મેજર ફુજીવારાએ ત્યાં વસતા સિત્તેર હજાર હિન્દુસ્તાનીઓના નેતાઓને મિલિટરી હેડ ક્વાર્ટર્સમાં મળવા બોલાવ્યા. ફુજીવારાએ એમને કહ્યું કે હિન્દુસ્તાનીઓ ‘દુશ્મન’ દેશના નાગરિક છે, પણ જાપાન એમને દુશ્મન નહીં ગણે, કારણ કે હિન્દુસ્તાનીઓ પોતાની મરજીથી બ્રિટનના નાગરિક નથી બન્યા અને બ્રિટનથી સ્વતંત્ર થવા માગે છે. પૂર્વ એશિયાના હિન્દુસ્તાનીઓ સ્વતંત્રતા માટે સંગઠિત થશે તો જાપાન એમને બધી રીતે મદદ કરશે. એણે ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગ બનાવવાનું સૂચન કર્યું. હિન્દુસ્તાની નેતાઓએ એશિયામાં બીજા દેશોમાં વસતા ભારતીયો સાથે ચર્ચા કરવા માટે સમય માગ્યો. ૯મી-૧૦મી માર્ચે બધા ભારતીયો મળ્યા, એમાં સામાન્ય વેપારીઓ અને એમના નોકરો ઉપરાંત હિન્દી લશ્કરી અધિકારીઓ પણ જોડાયા. આ ટાંકણે રાસબિહારી બોઝે એક પરિષદ યોજી. હજી ભારતીયોના મનમાં જાપાનના ઇરાદા અંગે શંકાઓ હતી. દાખલા તરીકે, મલાયામાં જાપાને જીત મેળવી હોવા છતાં ત્યાંથી કોઈ હિન્દુસ્તાની પરિષદમાં સામેલ ન થયા, માત્ર ‘નિરીક્ષકો’ મોકલ્યા. હકીકત એ છે કે આ બધા લશ્કરી કે નાગરિક હિન્દુસ્તાનીઓ બ્રિટનની વિરુદ્ધ તો હતા જ પરંતુ જાપાન પ્રત્યે પણ એમને મમતા નહોતી, માત્ર ભારતની આઝાદી માટે એમને જાપાનની જરૂર હતી અને જાપાને ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગ બનાવવામાં મદદ કરવાની તૈયારી દેખાડી તે પછી થાઈલૅંડમાં લીગની શરૂઆત થઈ.

નવમી માર્ચે સિંગાપુરમાં હિન્દુસ્તાની પ્રતિનિધિઓ ‘ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગ’ના નેજા હેઠળ મળ્યા. એન. રાઘવને પ્રમુખસ્થાન સંભાળ્યું અને એમની વિનંતીથી મેજર ફુજીવારાએ બેઠકનો હેતુ સમજાવ્યો કે ભારતને સ્વતંત્રતા અપાવવાની આ તક છે અને જાપાન એમાં મદદ કરશે. ફુજીવારાના જવા પછી રાઘવને બે મુદ્દા ચર્ચા માટે રાખ્યાઃ એક તો, ભારતની આઝાદી માટે દૂર પૂર્વમાં વસતા ભારતીયો કંઈ કરે તેના માટે આ યોગ્ય સમય છે કે નહીં’ અને બીજું, જો ભારતીયો કંઈક કરવા માગતા હોય તો એ કઈ રીતે કરવું કારણ કે સિંગાપુરમાં ૫૦,૦૦૦ અને મલાયામાં ૬૦,૦૦૦ ભારતીય સૈનિકો હતા એમના માટે વ્યવસ્થા કરવાનું કામ બહુ મોટું હતું.

થાઈલેંડથી ઇંડિયન નૅશનલ કાઉંસિલના સ્વામી સત્યાનંદ પુરી આવ્યા હતા એમણે પોતાની સંસ્થા વિશે માહિતી આપી કે તેઓ મુખ્યત્વે દેશમાં કોંગ્રેસ જે કાર્યક્રમો જાહેર કરે તેના ટેકામાં કામ કરવા માગતા હતા અને બીજો હેતુ સંસ્થાના પ્રમુખપદે ભારતમાંથી જ કોઈ નેતાને પસંદ કરવાનો તેઓ પ્રયત્ન કરતા હતા. પરંતુ જવાહરલાલ નહેરુએ કહી દીધું હતું કે કોઈ સંસ્થા જાપાનમાં રહીને કામ કરવા માગતી હોય તે ભારતના રાજકારણમાં દખલ ન દઈ શકે અને એને દેશદ્રોહી ગણવામાં આવશે. આથી થાઈલેંડની ઇંડિયન નૅશનલ કાઉંસિલને ડર હતો કે એને જાપાનની કઠપુતળી માની લેવાશે. સ્વામીએ ઉમેર્યું કે એમણે બેંગકોકથી સુભાષચન્દ્ર બોઝને તાર મોકલીને પ્રમુખ બનવાની વિનંતી કરી હતી અને બોઝે રેડિયો મારફતે એનો સ્વીકાર કર્યો છે.

અંતે, સૌનો મત હતો કે મહાત્મા ગાંધીએ ના-યુદ્ધ આંદોલન ચલાવ્યું પણ સેનામાં લોકો ભરતી થાય કે એને માલસામાન આપે તેને રોકવાનો આદેશ નહોતો આપ્યો. આથી કોંગ્રેસ નિષ્ક્રિય સંગઠન બની ગઈ હતી. બીજો રસ્તો બળ વાપરવાનો હતો પણ ભારત એના માટે તૈયાર નહોતું. સ્વામી સત્યાનંદે એ પણ કહ્યું કે કોંગ્રેસે પણ ‘અહિંસા’ શબ્દ પોતાની આસ્થાના નિવેદનમાંથી કાઢી નાખ્યો છે. આ બધું જોતાં, હવે જાપાન મદદ આપવા તૈયાર હતું એટલે એના વિશે વિચારવું જોઈએ. બે દિવસની બેઠકમાં જાપાન સરકારના સહકારથી ભારતની સ્વતંત્રતા માટે કામ કરવાનો અને સુભાષ ચંદ્ર બોઝને પ્રમુખ બનાવવાનો નિર્ણય

આઝાદ હિંદ ફોજ

સિંગાપુર પર જાપાને કબ્જો કરી લીધો તેમાં કેદ થયેલા હિન્દુસ્તાની સૈનિકોમાં કૅપ્ટન મોહન સિંઘ પણ હતા. જાપાની કમાંડરે એમને મનાવી લીધા હતા કે હિન્દુસ્તાનીઓ બ્રિટન પ્રત્યે વફાદારીના સોગંદ પડતા મૂકીને સ્વતંત્ર ફોજ બનાવે. તેઓ બ્રિટન સામે લડવા તૈયાર થશે તો જાપાન એમને મદદ કરશે. કેપ્ટન મોહન સિંઘ હિન્દ્દુસ્તાની સૈનિકોમાં આ માટે કામ કરવા સંમત થયા હતા.

૧૭મી માર્ચે ફરી બેઠક મળી તેમાં મેજર ફુજીવારાએ સત્તાવાર હિન્દુસ્તાની સૈનિકોને કૅપ્ટન મોહન સિંઘના તાબામાં સોંપવાની જાહેરાત કરી દીધી. એમણે ‘ઇંડિયન નૅશનલ આર્મી’ (INA) શરૂ કરવા અપીલ કરી. કૅપ્ટન મોહન સિંઘ ભારતીય રાષ્ટ્રીય સેનાના પહેલા કમાંડર બન્યા. પ્રતિનિધિઓએ ૨૮મી માર્ચે રાસ બિહારી બોઝના પ્રમુખપદે ફરી મળવાનું નક્કી કર્યું.

એ વખતે જાપાને બર્મામાં રંગૂન (હવે યંગોન) સર કરી લીધું હતું. આથી બ્રિટન ભારે માનસિક દબાણમાં આવી ગયું હતું. ક્રિપ્સ મિશન યુદ્ધની આ સ્થિતિમાં ભારત આવ્યું હતું, તેની નોંધ લેવી જોઈએ. એ જ દિવસોમાં દૂર પૂર્વમાં હિન્દુસ્તાનીઓ કમર કસતા હતા. સુભાષચંદ્ર બોઝને ૨૮મી માર્ચે ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગના પ્રમુખ બનાવવાના હતા. એ જ ટાંકણે બ્રિટને વિમાની હોનારતમાં સુભાષબાબુના મૃત્યુના સમાચાર પ્રસારિત કર્યા. એ સત્ય કે અફવા?

૦૦૦

સંદર્ભઃ

Netaji Subhash Chandra Bose: His life and work – translated from Gujarati ‘નેતાજી સુભાષ ચંદ્ર બોઝઃ જીવન અને કાર્ય’ લેખકઃ મોહનલાલ મહેતા ‘સોપાન’ પ્રકાશન ૧૯૪૬.

Design a site like this with WordPress.com
શરૂ કરો